(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડ (પૂર્વ)માં પઠાણવાડીમાં રસ્તો પહોળો કરવાને આડે આવી રહેલા બાંધકામ દૂર કરવાની કામગીરી મુંબઈ મનપાએ હાથ ધરી છે. જે હેઠળ બુધવારે ૨૫ બાંધકામ હટાવવામાં આવ્યા હતા.
પઠાણવાડીમાં રસ્તો પહોળો કરવાના આડે લાંબા સમયથી લગભગ ૧૫૨ બાંધકામ આડે આવી રહ્યા છે. તેથી આ બાંધકામને દૂર કરવા માટે લાંબા સમયથી પ્રયાસ ચાલી રહ્યા હતા. છેવટે બુધવારથી પાલિકાના પી-ઉત્તર વોર્ડ દ્વારા આ બાંધકામ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી.
પાલિકાના જણાવ્યા મુજબ કુલ ૧૫૨ બાંધકામમાંથી ૮૧ બાંધકામ વળતર મેળવવાને પાત્ર ઠરી છે. તેથી આ બાંધકામોને યોગ્ય વળતર મળશે, ત્યાર બાદ તે બાંધકામને તોડી પાડવામાં આવશે. જે હેઠળ બુધવારે પહેલાં દિવસે ૨૫ બાંધકામને હટાવવામાં આવ્યા હતા. તે માટે ત્રણ જેસીબી મશીન, બે ડંપર, ત્રીસ કામગાર અને આઠ એન્જિનિયરે કામગીરી હાથ ધરી હતી. આજે પણ તોડકામ કાર્યવાહી ચાલુ રહેશે.
ઝોન ચારના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશ્ર્વાસ શંકરવારના જણાવ્યા મુજબ પશ્ર્ચિમ ઉપનગરમાં મલાડ પરિસરમાં ટ્રાફિકની ભારે સમસ્યા રહી છે. ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અનેક ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે, જે હેઠળ પઠાણવાડીમાં રસ્તાને ૧૮.૩૦ મીટર પહોળો કરવામાં આવવાનો છે, જેને આડે ૧૫૨ બાંધકામ અવરોધી રહ્યા હતા. નિયમ મુજબ ૮૧ બાંધકામને યોગ્યતા મુજબ વળતર મેળવવાને લાયક ઠર્યા છે.