એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને મળેલી ભવ્ય જીત પછી મુખ્યમંત્રી કોણ બને એ મુદ્દે ખેંચતાણ શરૂ થઈ હતી. કર્ણાટક પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ ડી.કે. શિવકુમાર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારામૈયામાંથી કોને મુખ્યમંત્રી બનાવવા એ મુદ્દે કૉંગ્રેસ અવઢવમાં હતી કેમ કે બંનેને મુખ્યમંત્રીપદ જોઈતું હતું. કૉંગ્રેસ પ્રમુખ મલ્લિાકાર્જુન ખડગે અને બીજા નેતાઓએ પાંચ દિવસ ભારે સમજાવટ કરી પણ મેળ ના પડ્યો.
છેવટે સોનિયા ગાંધીએ હસ્તક્ષેપ કરવો પડ્યો ને મુખ્યમંત્રીપદને મુદ્દે અડી ગયેલા શિવકુમારને ફોન કરીને સમજાવતાં જીદે ચડેલા ડી.કે. શિવકુમાર માની ગયાં. સોનિયા ગાંધીએ મોડી રાત્રે ૨ વાગ્યે શિવકુમાર સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી પછી શિવકુમાર સિદ્ધારામૈયાને પોતાના નેતા તરીકે સ્વીકારીને નાયબ મુખ્યમંત્રીપદ સ્વીકારવા તૈયાર થયા હોવાનું કહેવાય છે.
કૉંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી કે.સી. વેણુગોપાલે ગુરૂવારે બપોરે પ્રેસ કોન્ફરન્સમાં સિધ્ધરામૈયાને મુખ્યમંત્રી બનાવવાની ઔપચારિક જાહેરાત કરી અને શનિવારે સિદ્ધારામૈયાના નેતૃત્વમાં કર્ણાટકમાં કૉંગ્રેસની નવી સરકારની રચના થઈ જશે. આ સરકારમાં ડી.કે. શિવકુમાર નંબર ટુ હશે એ સ્પષ્ટ છે ને એટલે જ બીજા કોઈને નાયબ મુખ્યમંત્રી નહીં બનાવાય.
કૉંગ્રેસે શિવકુમારને એ શરતે મનાવ્યા હોવાનું કહેવાય છે કે, સિદ્ધારામૈયાને ભલે મુખ્યમંત્રી બનાવવામાં આવે પણ તેમણે દરેક નિર્ણયમાં નાયબ મુખ્યમંત્રીપદની સંમતિ લેવી પડશે. શિવકુમારની પસંદગીના ધારાસભ્યોને શિવકુમાર ઈચ્છે એ મંત્રાલય આપવામાં આવશે. આ સિવાય અઢી વર્ષ પછી સિદ્ધારામૈયાને હટાવીને શિવકુમારને મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
શિવકુમારને મહત્ત્વનાં ખાતાં મળશે એ પણ નક્કી છે પણ વધારે મહત્ત્વની વાત એ છે કે, કૉંગ્રેસ હાઈકમાન્ડે ફિફ્ટી-ફિફ્ટીની ફોર્મ્યુલા સ્વીકારી છે અને શિવકુમારે પણ ફિફ્ટી-ફિફ્ટીની ફોર્મ્યુલા સ્વીકારી છે. મતલબ કે, પાંચ વર્ષ દરમિયાન સિદ્ધારામૈયા અને શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રીપદ વહેંચાશે. ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યુલા પ્રમાણે સિદ્ધારામૈયા પહેલા અઢી વર્ષ માટે મુખ્યમંત્રીપદે રહેશે જ્યારે ડી.કે. શિવકુમાર એ પછીના અઢી વર્ષ માટે મુખ્યમંત્રીપદે રહેશે. આ ફોર્મ્યુલા પ્રમાણે લોકસભા ચૂંટણી વખતે સિદ્ધારામૈયા મુખ્યમંત્રી હશે ને ચૂંટણીના દોઢ વર્ષ પછી ૨૦૨૫ના અંતમાં ડી.કે. શિવકુમાર મુખ્યમંત્રી બનશે.
કૉંગ્રેસે સત્તાવાર રીતે આ ફોર્મ્યુલાની જાહેરાત કરી નથી પણ રાજકારણમાં બધું સત્તાવાર રીતે જાહેર કરાતું નથી. કર્ણાટકમાં પાંચ વર્ષ દરમિયાન સિદ્ધારામૈયા અને શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રીપદ વહેંચાશે કે નહીં એ સવાલનો જવાબ આપવાનું કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટાળ્યું છે. સૂરજેવાલાએ એવો જવાબ આપ્યો છે કે, સત્તાની વહેંચણીનો મતલબ કર્ણાટકનાં લોકો સાથે સત્તાની વહેંચણી થાય છે, બીજો કોઈ નહીં. મતલબ કે, કર્ણાટકની પ્રજાના નામે શિવકુમારને સત્તા સોંપવાનો વિકલ્પ કૉંગ્રેસે ખુલ્લો રાખ્યો છે.
કૉંગ્રેસે આ ફોર્મ્યુલા સ્વીકારી હોય ને પાંચ વર્ષ દરમિયાન સિદ્ધારામૈયા અને શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રીપદ વહેંચવાનું નક્કી કર્યું હોય તો એ શાણપણ કહેવાય. એક રીતે કૉંગ્રેસે મધ્યપ્રદેશ. છત્તીસગઢ અને રાજસ્થાનમાં કરેલી ભૂલને દોહરાવી નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ કૉંગ્રેસે ૨૦૧૮માં ભાજપને હરાવીને અકલ્પનિય જીત મેળવી હતી. રાજસ્થાનની જીતમાં પ્રદેશ પ્રમુખ સચિન પાયલોટ અને અશોક ગેહલોત બંનેનું સરખું યોગદાન હતું પણ કૉંગ્રેસ હાઈકમાન્ડે અશોક ગેહલોતને મહત્ત્વ આપીને મુખ્યમંત્રી બનાવ્યા.
મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથે કૉંગ્રેસની જીત પાકી કરતાં બંનેનું સરખું યોગદાન હતું પણ કૉંગ્રેસ હાઈકમાન્ડે કમલનાથને મહત્ત્વ આપીને મુખ્યમંત્રી બનાવ્યા. છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ અને કે.ટી. સિંહદેવ બંનેનું સરખું યોગદાન હતું પણ કૉંગ્રેસ હાઈકમાન્ડે ભૂપેશ બઘેલને મહત્ત્વ આપીને મુખ્યમંત્રી બનાવ્યા. તેના કારણે પેદા થયેલ નારાજગીના કારણે આ ત્રણેય રાજ્યોમાં કૉંગ્રેસમાં ડખા જ રહ્યા ને કૉંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં ભૂંડી રીતે હારી ગયેલી.
છત્તીસગઢમાં લોકસભાની ૧૧ બેઠકોમાંથી કૉંગ્રેસને માત્ર બે બેઠકો મળી. મધ્યપ્રદેશમાં ૨૮ લોકસભા બેઠકોમાંથી કૉંગ્રેસને માત્ર એક બેઠક મળી જ્યારે રાજસ્થાનમાં તો એક પણ બેઠક ના મળી. મધ્યપ્રદેશ. છત્તીસગઢ અને રાજસ્થાન એ ત્રણેય રાજ્યોમાં કૉંગ્રેસની સત્તા હોવા છતાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશ. છત્તીસગઢ અને રાજસ્થાનની ૬૪ લોકસભા બેઠકોમાંથી કૉંગ્રેસને માત્ર ત્રણ બેઠકો મળી.
કૉંગ્રેસનાં કરમની કઠણાઈ એ પછી પણ પૂરી ના થઈ. રાજસ્થાન અને છત્તીસગઢમાં કૉંગ્રેસમાં હજુ પણ જંગ જારી છે જ્યારે મધ્યપ્રદેશમાં તો કૉંગ્રેસે સત્તા ગુમાવવી પડી. મધ્યપ્રદેશ. છત્તીસગઢ અને રાજસ્થાનમાં કૉંગ્રેસે જૂના જોગીઓને જ સાચવવાના બદલે નવા નેતાઓને પણ સત્તામાં ભાગીદારી આપી હોત તો કદાચ લોકસભાની ચૂંટણીમાં પણ સારો દેખાવ હોત ને ત્રણેય રાજ્યોમાં હજુ તેની સત્તા હોત. કર્ણાટકમાં એ સ્થિતિ ના થાય એટલે કૉંગ્રેસે શિવકુમારને સમજાવવાનું વલણ બતાવીને સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા અપનાવી હોય તો એ સારું જ છે.
હાઈકમાન્ડ સિદ્ધારામૈયાને મુખ્યમંત્રી બનાવવા માગતું હતું તેથી કૉંગ્રેસે શિવકુમારને અલગ અલગ ઓફરો કરી હોવાનું કહેવાય છે. નાયબ મુખ્યમંત્રીપદની સાથે, કર્ણાટક પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખપદ અને બે મહત્ત્વનાં મંત્રાલયો આપવાની પણ શિવકુમારને ઓફર થઈ હતી. શિવકુમારે પહેલાં જ કહી દીધેલું કે, તમારે સિદ્ધારામૈયાને મુખ્યમંત્રી બનાવવા હોય તો તેમને મુખ્યમંત્રી બનાવો પણ હું નાયબ મુખ્યમંત્રી બનીશ નહીં.
કૉંગ્રેસે એ વખતે ધાર્યું હોત તો શિવકુમારને બાજુ પર મૂકીને સિદ્ધારામૈયાને મુખ્યમંત્રી બનાવી શકી હોત પણ કૉંગ્રેસે શિવકુમારને સ્પષ્ટ રીતે કહેલું કે કર્ણાટકમાં તેમની સંમતિ વિના કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. કૉંગ્રેસનું આ વલણ હકારાત્મક કહેવાય ને કૉંગ્રેસ જૂની ભૂલમાંથી શીખી છે એવું કમ સે કમ અત્યારે તો લાગે જ છે.
કર્ણાટકમાં પાંચ દિવસ સુધી ચાલેલા ડ્રામામાં બીજી પણ એક નોંધવા જેવી વાત છે. આ ડ્રામાએ સાબિત કર્યું છે કે, કૉંગ્રેસમાં સત્તાવાર રીતે ભલે મલ્લિાકાર્જુન ખડગે રાષ્ટ્રીય પ્રમુખ હોય પણ અસલી સત્તા સોનિયા ગાંધી પાસે જ છે ને કૉંગ્રેસના નેતા હજુય સોનિયાને જ પોતાનાં નેતા માને છે.
શિવકુમારને મનાવવા માટે મલ્લિાકાર્જુન ખડગે અને તેમની ટીમ પાંચ દિવસથી મથતી હતી પણ શિવકુમારને મનાવી ના શક્યા. મલ્લિાકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ સિદ્ધારામૈયા અને શિવકુમાર સાથે અનેક બેઠક કરી હતી પણ સર્વસંમતિ સુધી પહોંચી શક્યા ન હતા. તેના કારણે બેંગલુરુમાં શપથ ગ્રહણની તૈયારીઓ અટકાવી દેવી પડી હતી. મીટિંગો પર મીટિંગો પછી પણ કોઈ ઉકેલ ના આવતાં છેવટે સોનિયાને શરણે જવું પડ્યું ને સોનિયા ગાંધીએ એક ફોન કરીને શિવકુમારને મનાવી લીધા.