કર્ણાટકમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. રાજ્યમાં તેમનો અગ્રણી ચહેરો ગણાતા ભાસ્કર રાવે અરવિંદ કેજરીવાલનો AAPનો પાલવ છોડી હવે કેસરિયો ધારણ કરી લીધો છે. ભૂતપૂર્વ બેંગલુરુ પોલીસ કમિશનર ભાસ્કર રાવ શહેરના રાજકીય વર્તુળમાં લોકપ્રિય વ્યક્તિત્વ છે. 11 મહિના પહેલા ભાસ્કર રાવ નવી દિલ્હીમાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ નલિન કુમારની હાજરીમાં ભાજપમાં જોડાયા બાદ ભાસ્કર રાવે નિવેદન આપ્યું હતું કે, માત્ર ભાજપ જ ભારતને મજબૂત કરી શકે છે અને ગુમાવેલ ગૌરવ પાછું લાવી શકે છે.
“આપણે બધાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મજબૂત કરવા માટે હાથ મિલાવવો જોઈએ જેઓ ‘એક ભારત, સમૃદ્ધ ભારત’ બનાવવા માટે પ્રયત્નશીલ છે. હું પણ ભાજપમાં યુવાનો અને મહિલાઓને આપવામાં આવેલ મહત્વથી પ્રભાવિત છું,” એમ રાવે ઉપસ્થિત પત્રકારોને જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ, ભૂતપૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓનું માર્ગદર્શન લેશે. ઉલ્લેખનીય છે કે રાવે AAPમાં એક વર્ષનો રાજકીય અનુભવ મેળવ્યા પછી ભાજપની વિચારધારા અને ફિલસૂફી સ્વીકારી છે.
નિવૃત્ત IPS અધિકારી ભાસ્કર રાવ રાષ્ટ્રીય સ્તરે મોદીના નેતૃત્વમાં અને રાજ્ય સ્તરે બોમાઈના નેતૃત્વમાં પાર્ટીની કામગીરીથી પ્રભાવિત છે.