વડોદરા જિલ્લાના કરજણ તાલુકા ખાતે આવેલ સ્વામિ વિવેકાનંદ તળાવના કિનારે કપડાં ધોઇ રહેલી મહિલાને મગર પાણીમાં ખેંચી ગયો હતો. મહિલાને ઉંડા પાણીમાં ખેંચી જઇ ફાડી ખાધી હતી.
મળેલી માહિતી પ્રમાણે કરજણ ગામમાં કંચનબેન રાઠોડ કપડાં ધોવા માટે ગામમાં આવેલા સ્વામિ વિવેકાનંદ તળાવે ગયા હતા. જ્યાં તેઓ તળાવના કિનારે બેસી કપડાં ધોઇ રહ્યા હતા. તે દરમિયાન તળાવમાંથી ધસી આવેલા મગરે કંચનબેન પર હુમલો કરી તેમને પાણીમાં ખેંચ્યા હતા. આ ઘટનાને પગલે તળાવના કિનારે કપડાં ધોઇ રહેલી અન્ય મહિલાઓએ બુમરાણ મચાવી મૂકી હતી, પરંતુ લોકો આવે તે પહેલાં મગર કંચનબેનને જડબામાં લઇ ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.
વડોદરા ફાયરબ્રિગેડની રેસ્ક્યુ ટીમે એક કલાકની શોધખોળના અંતે તળાવમાં ફરતા મગરો વચ્ચેથી કંચનબેનનો લોહી લુહાણ થઇ ગયેલો મૃતદેહ શોધી કાઢ્યો હતો.