ગુજરતમાં એક તરફી પ્રેમીએ યુવતી પર હુમલો કર્યાની વધુ એક ઘટના બની છે. જૂનાગઢ જીલ્લાના કેશોદમાં સગા માસીની દીકરીના એકતરફી પ્રેમમાં પાગલ યુવાને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. યુવકે તીક્ષ્ણ હથિયારના 18 જેટલા ધા મારીને યુવતીને ગંભીર રીતે ઘાયલ કરી દિધી હતી. યુવતી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ સાસણના ગીરનો યુવક કિશનગિરી દિનેશગીરી માસીના ઘરે કેશોદ આવ્યો હતો. જ્યાં તેણે માસીની દીકરીને લગ્ન માટે દબાણ કર્યું હતું. યુવતીએ વિરોધ કરતા તેને બળજબરી કરી હતી ત્યાર બાદ બોલાચાલી થતા છરીના ધા ઝીંક્યા હતા. હુમલામાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી છે. તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
ઘાયલ યુવતીએ જણાવ્યું હતું કે હું ઘરે કપડાં ધોતી હતી ત્યારે પાછળથી આવીને કિશને મારી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તેણે છરીના ઘા માર્યા હતા. બાદમાં ગળેટૂંપો દેવાની કોશિશ પણ કરી હતી. અગાઉ પણ લગ્ન નહીં કરું તો મારી નાખવાની એવી ધમકી આપી હતી. મારા ફોટોને વાયરલ કરવાનું કહીને બ્લકમેઇલ કરતો હતો.
યુવતીના પિતાનું કહેવું છે કે, આરોપી કિશન મારા સાડુભાઇનો પુત્ર છે. તે કાલે આવ્યો હતો. અમે કોઇ ઘરે હાજર નહોતા. તે બન્ને વચ્ચે ઝઘડો થયો અને તેણે હુમલો કર્યો હતો.
ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. કેશોદ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.