(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર ગુજરાતી ભાષાનું પ્રાધાન્ય રહે તે માટે હવે ગુજરાત સરકાર કાયદો ઘડશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ધોરણ ૧થી ૮માં ફરજિયાત ગુજરાતી ભાષાનો અભ્યાસક્રમ દાખલ કરવા માટેનું વિધેયક રજૂ કરવામાં આવશે.
ગુજરાત સરકારે ગુજરાતી ભાષા ગુજરાતના વિદ્યાર્થીઓ ભણે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત ગુજરાતી ભાષા માટે પરિપત્ર કરવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યમાં ચાલતી અંગ્રેજી માધ્યમની શાળાઓ સીબીએસસી બોર્ડની શાળાઓ અને ઇન્ટરનેશનલ બોર્ડની શાળાઓ દ્વારા આ નિયમોનો ઉલ્લંઘન કરવામાં આવતું હતું. આ અંગે રાજ્ય સરકાર સામે ગુજરાત હાઇ કોર્ટે લાલ આંખ કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકાર ગુજરાતી ભાષા માટે હવે કાયદો બનાવવા જઈ રહી છે.
આ કાયદા પ્રમાણે ધોરણ ૧થી ૮માં તમામ શૈક્ષણિક બોર્ડ એટલે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, સીબીએસસી શિક્ષણ બોર્ડ અને ઇન્ટરનેશનલ શિક્ષણ બોર્ડની શાળાઓએ પણ ફરજિયાતપણે વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયનો અભ્યાસક્રમ આપવાનો રહેશે. જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો શાળાને પ્રથમ વર્ષે દંડ કરવામાં આવશે તો બીજા વર્ષે એ નિયમનો ઉલ્લંઘન કરવામાં આવશે તો બીજી વખત દંડ કરવામાં આવશે અને જો ત્રીજા વર્ષે નિયમનું ઉલ્લંઘન થશે તો શાળાની વાર્ષિક આવકમાંથી ટકાવારી પ્રમાણે દંડ કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર વિધાનસભાના
બજેટ સત્ર દરમિયાન આ કાયદો લાવવા જઈ રહેલી છે. બુધવારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં વિધાનસભાના બજેટ સત્ર માટે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં વિધાનસભા બજેટ સત્રના બિઝનેસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વિધાનસભાનું બજેટ સત્ર ૨૫ દિવસ ચાલશે જેમાં જુદી જુદી ૨૭ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિધાનસભા બજેટ સત્રમાં મહત્ત્વના ત્રણ બિલ પસાર કરવામાં આવશે જેમાં પેપર લીક રોકવા માટેનું બિલ છે તો ઇમ્પેક્ટ ફી સુધારા અંગેનું બિલ છે સાથે જ ગુજરાતી ભાષા ફરજિયાત કરવા માટેનું બિલ છે. ગુજરાતી ભાષા ફરજિયાત કરવા માટેનું બિલએ ૨૮ ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.
————-
પહેલા ધોરણમાં ઍડ્મિશન માટે લઘુતમ વય છ વર્ષની કરાશે
નવી દિલ્હી: કેન્દ્રના શિક્ષણ વિભાગે બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાળકોને શાળાના પહેલા ધોરણમાં પ્રવેશની લઘુતમ વય ૬ વર્ષની નિર્ધારિત કરવાની સૂચના આપી હતી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર ત્રણ વર્ષથી આઠ વર્ષની ઉંમરના તમામ બાળકોને ભણતરના અવસરો માટે પ્રથમ (મૂળભૂત) તબક્કો પાંચ વર્ષનો છે. તેમાં ત્રણ વર્ષ પ્રિ-સ્કૂલ એજ્યુકેશન અને ત્યારપછી પહેલા અને બીજા ધોરણનો સમાવેશ છે.
શિક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રિ-સ્કૂલથી બીજા ધોરણ સુધી બાળકોના શિક્ષણ અને વિકાસના પ્રવાહની નિર્વિઘ્ન ગતિને પ્રોત્સાહન આપે છે. તેને માટે આંગનવાડીઓ અથવા સરકારી, સરકારી સહાયથી ચાલતી ખાનગી અને એનજીઓ દ્વારા સંચાલિત પ્રિ-સ્કૂલ સેન્ટર્સમાં ભણતા બાળકોને ત્રણ વર્ષ સારી ગુણવત્તાનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવું અનિવાર્ય બને છે. તેથી કેન્દ્રના શિક્ષણ મંત્રાલયે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રોને નવી શિક્ષણ નીતિને અનુરૂપ વયમર્યાદા નક્કી કરવા અને ૬ વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને પહેલા ધોરણમાં કે તેથી આગળના ધોરણમાં પ્રવેશ આપવાની સૂચના આપી છે.કેન્દ્ર સરકારની આ સૂચનાને બાળકોના વાલીઓ અને શિક્ષકોએ આવકારી છે. (એજન્સી)