(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાનાં ત્રીજા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટા અને સાપ્તાહિક ધોરણે બેરોજગારીના ડેટાની થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ધીમો ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક બજારનાં મક્કમ વલણને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૩નો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં ૧૦ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે સોનામાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. બાવનનો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. બાવન વધીને રૂ. ૬૮,૨૨૯ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હતી. તેમ છતાં વિશ્ર્વ બજાર પાછળ ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૩ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૪,૫૪૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૪,૭૬૩ના મથાળે રહ્યા હતા.
વૈશ્ર્વિક સ્તરે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના સાપ્તાહિક ધોરણે જાહેર થતાં બેરોજગારી ભથ્થુ મેળવનારાઓના ડેટા તેમ જ ત્રીજા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટાની જાહેરાત પર સ્થિર થઈ હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલની ઔંસદીઠ ૧૮૧૩.૯૦ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ સાધારણ ૦.૧ ટકા ઘટીને ૧૮૨૩.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૮ ટકા ઘટીને ૨૩.૭૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, હવે ક્રિસમસની ઉજવણીનો માહોલ હોવાને કારણે પણ બજારમાં કામકાજો પાંખાં રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ તેમ જ ચીન ખાતે કોરોના વાઈરસથી અસરગ્રસ્તોની વધી રહેલી સંખ્યાને જોતાં તેની વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિ પર માઠી અસર પડે તેવી શક્યતાને કારણે સોનામાં હેજરૂપી માગ જળવાઈ રહેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના વૈશ્ર્વિક ભાવ વધીને ઔંસદીઠ ૧૮૩૩ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.