(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સોના-ચાંદીના ભાવમાં સાધારણ 0.2 ટકાનો સુધારો આગળ ધપ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 17નો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીંમાં વપરાશકાર ઉદ્યોગની માગ મર્યાદિત રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 94નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 94ના ઘટાડા સાથે રૂ. 67,422ના મથાળે રહ્યા હતા. જોકે, મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને રૂપિયામાં સાધારણ ઘટાડા ઉપરાંત પ્રવર્તમાન લગ્નસરાની માગ પેટેની રિટેલ સ્તરની છૂટીછવાઈ માગને ટેકે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 17 વધીને 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 57,325 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 57,555ના મથાળે રહ્ય હતા.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ તેમ જ અમેરિકી બૉન્ડની ઊપજમાં ઘટાડો થતા લંડન ખાતે સત્રના આરંભે સતત ચોથા સત્રમાં રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીને ટેકે સોનાના ભાવમાં સુધારો આગળ વધતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધથી સાધારણ 0.2 ટકા વધીને ઔંસદીઠ 1879.35 ડૉલર અને વાયદામાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને 1891 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી 0.2 ટકા વધીને ઔંસદીઠ 22.36 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વના મતે હજુ ફુગાવામાં અપેક્ષિત ઘટાડો થયો ન હોવાથી ફેડરલ રિઝર્વ હજુ વ્યાજદરમાં વધારો કરે એવું ગત બુધવારે ફેડરલના એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઉફરાંત ફેડરલના ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે જણાવ્યું હતું કે વેતન વૃદ્ધિ ધીમી પડી છે, પરંતુ ઘટાડો પર્યાપ્ત ન હોવાથી ફેડરલ રિઝર્વ થોડો સમય સુધી તંગ નાણાનીતિ અપનાવે તેવી શક્યતા છે. જોકે, બજાર વર્તુળો આગામી જુલાઈ સુધી ફેડરલ રિઝર્વ વ્યાજદર જે હાલ 4.50થી 4.75 ટકા છે તે વધારીને 5.132 ટકા સુધી લઈ જાય તેવી ધારણા મૂકી રહ્યા છે. વધુમાં અમેરિકી પ્રમુખ બાઈડને પણ આ વર્ષે કે આગામી વર્ષે અમેરિકન અર્થતંત્ર મંદીની ગર્તામાં સરે તેવી શક્યતા ન હોવાનું જણાવ્યું હતું.