Homeદેશ વિદેશસોનામાં વધુ રૂ. ૧૨૪નો અને ચાંદીમાં રૂ. ૩૮૬નો ઘટાડો

સોનામાં વધુ રૂ. ૧૨૪નો અને ચાંદીમાં રૂ. ૩૮૬નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ત્રણ મહિનાની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી લંડન ખાતે સોના અને ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયાના અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને નવી લેવાલીનો અભાવ રહેતાં મધ્યસત્ર દરમિયાન હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૪નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૮૬નો ઘટાડો આવ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૮૬ના ઘટાડા સાથે રૂ. ૬૧,૪૯૭ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકોની માગ પણ નિરસ રહી હતી, પરંતુ રિટેલ સ્તરની લગ્નસરાની માગ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી ભાવ ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂ. ૧૨૪ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૪,૯૦૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૫,૧૨૧ના મથાળે રહ્યા હતા. દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધ આસપાસ ૧૮૧૩.૨૦ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકાના ઘટાડા સાથે ૧૮૧૬.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ પણ ઔંસદીઠ ૨૦ ડૉલર આસપાસ ટકેલા ધોરણે ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે રોકાણકારો અને ટ્રેડરોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના જોબ ડેટા પર સ્થિર થઈ છે. જોકે, ફેબ્રુઆરી મહિનામાં નોન ફાર્મ પેરોલ ડેટા અથવા તો નોન ફાર્મ રોજગારોની સંખ્યામાં ૨,૦૫,૦૦૦નો ઉમેરો થવાની ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ રહેતી હોય છે, પરંતુ તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતું હોવાથી વ્યાજની ઊપજ ન આપતી સોના જેવી અસ્ક્યામતોમાં રોકાણકારો રોકાણથી દૂર રહેતા હોવાનું વિશ્લેષકોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -