હેડિંગ વાંચીને જ દિલ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ ગયું બોસ? આ ખુલાસો હાલમાં જ પ્રકાશિત થયેલાં એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આગામી ચારેક વર્ષમાં ભારતમાં કરોડપતિઓની સંખ્યા બમણી થઈ જશે અને અબજોપતિઓની સંખ્યા દોઢ ગણી થશે.
વિસ્તારથી આ રિપોર્ટની વાત કરીએ તો 2027 સુધીમાં દેશમાં હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સની સંખ્યા 16 લાખનો આંકડો પાર કરી જશે, જેનો સીધે સીધો અર્થ એવો થાય છે કે જેમની નેટવર્થ 1 મિલિયન ડોલર કે તેથી વધુ છે તેમની સંખ્યા વધીને 1.6 મિલિયન ડોલર થશે. 2022 સુધીમાં દેશમાં આવા લોકોની સંખ્યા 7.97 લાખ થઇ ગઈ છે અને આગામી ચાર-પાંચ વર્ષમાં ધનવાનોની સંખ્યામાં 108 ટકાનો વધારો જોવા મળશે.
રિપોર્ટમાં મળી રહેલી માહિતી અનુસાર, ભારતના અતિ-ઉચ્ચ નેટ-વર્થ ધરાવતી વ્યક્તિઓ કે જેમની પાસે 30 મિલિયન ડોલરથી વધુની નેટવર્થ છે, 2027 સુધીમાં 58.4% વૃદ્ધિ જોવા મળશે. 2027માં, દેશમાં 30 મિલિયનથી વધુની નેટવર્થ ધરાવતા 19,119 લોકો હશે. 2022 સુધીમાં દેશમાં આવા લોકોની સંખ્યા 12,069 જેટલી હતી. જ્યારે ભારતમાં અબજોપતિઓની સંખ્યા 2027 સુધીમાં 161થી વધીને 195 થઈ જશે, એવો દાવો પણ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
2022માં, હાઈ-નેટ-વર્થ વાળા વ્યક્તિઓનો વિશ્વમાં 3.8 ટકાનો ઘટાડો થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જ્યારે 2021માં આમાં 9.3 ટકાનો વધારો નોંધાયો હતો. આર્થિક મંદી, અવારનવાર દરમાં વધારો અને વધતી ભૌગોલિક અને રાજકીય અનિશ્ચિતતાઓ દ્વારા શ્રીમંતોની સંપત્તિ અને રોકાણ પોર્ટફોલિયોને અસર થઈ હતી. આ સ્થિતિ ભારતમાં પણ જોવા મળી હતી. વ્યાજદરમાં વધારા અને અન્ય કારણોસર 2022માં અમીરો લોકોની યાદીમાં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો, એવી માહિતી પણ રિપોર્ટમાં આપવામાં આવી હતી.