પીરિડયડ્સ મહિલાઓના શરીરને કેટલું સ્વસ્થ રાખે છે એના વિશે હજી અધ્યયનો ચાલી જ રહ્યા છે, પણ આને કારણે મહિલાએ કેટલી તકલીફ સહન કરવી પડે છે એ જાણવા માટે કોઈ અધ્યયન કે વિજ્ઞાનીની જરુર નથી. દરેક મહિલા પાસે પોતાના અનુભવો છે જ… પણ તમને જાણીને નવાઈ લાગશે કે હવે મહિલાઓ અને તેમાં પણ ખાસ કરીને નાની ઉંમરમાં જ યુવતીઓ પીરિયડ્સ સપ્રેશનનો સહારો લઈને પીરિયડ્સને રોકી રહી છે. સૌથી પહેલાં તો આવી સારવારની જરુરિયાત આર્મીમાં તહેનાત મહિલાઓ માટે વર્તાઈ હતી.
એક સ્વસ્થ મહિલા જીવનના 40 વર્ષ સુધી દર મહિનાના ચારથી પાંચ દિવસ પીરિયડ્સમાં જ પસાર કરે છે. આ સમયગાળા દરમિયાન રિપ્રોડક્ટિવ હોર્મોન્સનું લેવલ ઉપર નીચે થાય છે જેની સીધેસીધી અસર શરીર અને મન પર જોવા મળે છે. પેટ દુઃખવું, કમરમાં દુખાવા અને મૂડ સ્વિંગ્સ… આ સમસ્યાને ઓછી કરવી કે ઘટાડવાનું સહેલું નથી અને તેમાં પણ જ્યારે સમાજ જ મહિલાઓની આ સમસ્યાને હળવાશથી લે છે ત્યારે તો ખાસ. આ જ કારણ છે કે નાની ઉંમરમાં જ યુવતીઓ પીરિયડ્સ સપ્રેશનની ટ્રીટમેન્ટ લે છે.
આ સારવારમાં ગોળીઓની મદદથી પીરિયડ્સને રોકી શકાય છે, કે પછી ફ્લોને ઘટાડી શકાય છે. ડોક્ટરોની દેખરેખમાં જ આ સારવાર કરવામાં આવે છે અને એ માટે જરુરી એટલું જ છે કે કિશોરીને એક વખત તો પીરિયડ્સ આવ્યા હોવા જોઈએ.
સૌથી પહેલાં તો આ ટ્રીટમેન્ટની વાત એવી મહિલાઓ માટે કરવામાં આવી કે જે શારીરિક કે માનસિક રીતે અસક્ષમ છે માસિક દરમિયાન રાખવી પડતી સાફ-સફાઈ કરવા માટે, ત્યાર બાદ લશ્કરમાં અને તેમાં પણ ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં ફરજ બજાવનાર મહિલા અધિકારીઓના જીવનને સરળ બનાવવા માટે કરવામાં આવતો હતો. પરંતુ હવે અનેક એવી મહિલાઓ છે કે જે પીરિયડ્સને દર મહિનાની ઝંઝટ સમજે છે અને તેનાથી છુટકારો મેળવવા માટે જ આ પીરિયડ્સ સપ્રેશનની સારવાર કરાવે છે.