Homeવેપાર વાણિજ્યરૂપિયામાં ઘટ્યા મથાળેથી સુધારો થતાં વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. ૧૮૨ની પીછેહઠ,...

રૂપિયામાં ઘટ્યા મથાળેથી સુધારો થતાં વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. ૧૮૨ની પીછેહઠ, ચાંદી રૂ. ૩૭૪ ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ તેમ જ પ્રવર્તમાન બૅન્કિંગ ક્ષેત્રની કટોકટીને ધ્યાનમાં ધ્યાનમાં લેતાં સોનામાં રોકાણલક્ષી માગ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ૦.૭ ટકા અને ચાંદીના ભાવ ૧.૧ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી ૨૪ પૈસાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૦થી ૧૮૨નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૭૪નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને રૂપિયામાં ઘટ્યા મથાળેથી સુધારો આવતા આયાત પડતરમાં ઘટાડો અને ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં મધ્યસત્ર દરમિયાન હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૦ ઘટીને રૂ. ૫૭,૯૨૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૮૨ ઘટીને રૂ. ૫૮,૧૫૯ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં રોકાણકારો અને સ્ટોકિસ્ટોની વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે છૂટીછવાઈ માગ રહી હોવું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન હાજરમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૭૪ના ઘટાડા સાથે રૂ. ૬૬,૯૩૭ના મથાળે રહ્યા હતા.

વૈશ્વિક સ્તરે પ્રવર્તમાન બૅન્કિંગ ક્ષેત્રની કટોકટી, ફેડરલનાં વ્યાજદરમાં વધારાની અનિશ્ચિતતા અને વધતા ફુગાવાની ચિંતાને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ જળવાઈ રહેતાં હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૧૯૩૧.૯૦ ડૉલર અને ૧૯૩૬.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ગત નવેમ્બરના મધ્ય પછીનો સૌથી વધુ ૩.૪ ટકાનો સાપ્તાહિક ધોરણે ઉછાળો જોવા મળ્યો છે. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૧.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૧.૯૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તાજેતરમાં સોનાની તેજીને બૅન્કિંગ ક્ષેત્રની કટોકટીનો લાભાવ મળી રહ્યો છે. તેમ જ આ કટોકટીને કારણે સંભવત: ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો ૨૫ બેસિસ પૉઈન્ટ સુધી સિમિત રાખે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. જોકે, ગઈકાલે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે વધતા ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો વધારો કર્યો હતો. આમ એકંદરે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં વિશ્લેષકો આગામી ટૂંકા સમયગાળામાં સોના માટે ઔંસદીઠ ૧૯૧૭ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પૂરવાર થાય તેવી શક્યતા વ્યક્ત કરતા જણાવે છે કે જો આ સપાટી તૂટે તો ભાવ ઘટીને ઔંસદીઠ ૧૯૦૫થી ૧૯૧૭ની રેન્જમાં અથડાતા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -