(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની ગઈકાલે જાહેર થયેલી મિનિટ્સમાં ઘણાંખરા સભ્યો વ્યાજદરમાં હળવી માત્રામાં વધારો કરવા સહમત થયાના નિર્દેશો સાથે આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર નબળો પડતાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૨ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હતો. આમ રૂપિયામાં સુધારો થતાં સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારથી વિપરીત મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૮થી ૨૯૯નો ઘટાડો આવ્યો હતો, જેમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાએ રૂ. ૫૬,૦૦૦ની સપાટી ગુમાવી હતી, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૬૯૩ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૬૯૩ના ઘટાડા સાથે રૂ. ૬૫,૨૯૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ખપપૂરતી માગ તેમ જ રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં વિશ્ર્વ બજારથી વિપરીત નરમાઈનું વલણ રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૮ ઘટીને રૂ. ૫૫,૯૭૨ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૨૯૯ના ઘટાડા સાથે રૂ. ૫૬,૧૯૭ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે જાહેર થયેલી મિનિટ્સમાં ફેડરલ રિઝર્વ હજુ વધતા ફુગાવા સામે ઝઝૂમી રહી હોવાથી વ્યાજદરમાં વધારો કરશે, પરંતુ વધારો પહેલા જેવો આક્રમક નહીં રહે તેવો નિર્દેશ આપવાની સાથે ફેડરલ આગામી આર્થિક આંકડાઓ પર બારીકાઈથી નજર રાખશે, એમ જણાવ્યું હોવાથી આજે ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૮૩૦.૯૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકાના ઘટાડા સાથે ૧૮૩૯.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૧.૬૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને વ્યાજદરમાં ધીમા વધારાને કેરાણ સોનામાં સુધારાને ટેકો મળતા ભાવ કોન્સોલિડેટ થઈ રહ્યા હોવાનું સિંગાપોર સ્થિત ગોલ્ડસિલ્વર સેન્ટ્રલના વિશ્ર્લેષકે જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે સેન્ટ લુઈસ ફેડના પ્રમુખ જેમ્સ બુલાર્ડે વધતા ફુગાવાને અંકુશમાં રાખવા માટે ૫.૨૫થી ૫.૫૦ ટકા વ્યાજદરની સપાટી પર્યાપ્ત હોવાનું જણાવ્યું હતું, જ્યારે ફેડ ફંડ ફ્યુચર્સના ટ્રેડરો આગામી જુલાઈ સુધીમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર ૫.૩૬૨ ટકા સુધી વધારશે અને શેષ વર્ષ દરમિયાન વ્યાજદર પાંચ ટકાની ઉપરની સપાટી સુધી જાળવી રાખે તેવી ધારણા મૂકી રહ્યા છે.