૨૦૨૨ના વરસમાં સૌથી વધુ ચર્ચા કયા વિષયની રહી? શા માટે રહી? આ વરસમાં બનેલી ઘટનાઓની શું અસર થઈ? ભારતીય અર્થતંત્ર કઈ દિશામાં આગળ વધ્યું? અને હવે ૨૦૨૩માં શું આશા-અપેક્ષા છે? હાલ તો ભારતીય અર્થતંત્ર સામે કોવિડની સંભાવના એકમાત્ર એવી છે, જે તેના વિકાસની ગતિ સામે સ્પીડબ્રેકર બની શકે
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા
૨૦૨૨ના વર્ષે સમગ્ર જગતને અનિશ્ર્ચિતતામાં રાખ્યું, યુક્રેન-રશિયા યુદ્ધે ઘણી સમસ્યા સર્જી, મોંઘવારી હોટ ચર્ચાનો વિષય રહી, જેને કારણે વ્યાજદર હોટેસ્ટ વિષય બની ગયો હતો. ગ્લોબલ વિકાસદર ધીમો પડવાની ભીતિ, યુએસમાં રિસેશનનો ભય, યુરોપની મોંઘવારીની ચિંતા અને વરસના છેલ્લા દિવસોમાં ચીનમાં મોટે પાયે થયેલું કોવિડનું આક્રમણ, જે જાપાનથી લઈ સાઉથ કોરિયા અને યુએસ સુધી પ્રસરી રહ્યું છે અને ભારત પણ આ અસર હેઠળ ધીમે ધીમે આવવા લાગ્યું છે ત્યારે ૨૦૨૩ માટે વિકાસની આશા ભલે ઊંચી રહી, કિંતુ કોવિડની ચિંતા અને પડકારની ઉપેક્ષા કરી શકાશે નહીં.
ભારત આજે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઈકોનોમી ગણાય છે, જેની સરાહના આઈએમએફ (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) અને વિશ્ર્વ બેન્કે તેમ જ ગ્લોબલ અગ્રણી નાણાં સંસ્થાઓએ પણ કરી છે. ભારતે તેના જીડીપી ગ્રોથ રેટ મારફત આ સિદ્ધિને પુરવાર કરી છે. જગતનાં વિવિધ રાષ્ટ્રો જ્યારે જીડીપી કેટલો રહેશે તેની ચિંતામાં રહ્યાં છે, ત્યારે ભારત એકમાત્ર ઈમર્જિંગ રાષ્ટ્ર છે, જે જીડીપી કેટલો વધશે તેની ચર્ચામાં રહ્યું છે. વર્લ્ડ બેન્કે ભારતનો જીડીપી દર ૬.૯ ટકા રહેવાની ધારણા મૂકી છે. આઈએમએફ દ્વારા ૬.૮ ટકાના ગ્રોથરેટની આશા વ્યક્ત થઈ છે. બાય ધ વે, હાલ તો વિશ્ર્વના વિરાટ અર્થતંત્રમાં ભારતે પાંચમું સ્થાન બનાવી લીધું છે. આગામી વરસોમાં આ દિશામાં ભારત આગળ વધશે એવી આશા પણ ઊંચી રહી છે. આ લખાય છે ત્યારે સ્ટોક માર્કેટ રિકવરીના સંકેત આપવા લાગ્યું છે, તેમ જ કોવિડના સંભવિત ભયને દૂર કરતા અહેવાલ આવતા થયા છે.
સર્વિસ સેક્ટરનો ફાળો વધ્યો
૨૦૨૨નું વરસ એવું ધમાકેદાર રહ્યું છે કે આ વરસે પ્રત્યક્ષ અને પરોક્ષ વેરામાં ખાસ કરીને ઈન્કમ ટેક્સ અને જીએસટીમાં સતત વિક્રમી કલેક્શન થતું રહ્યું છે, જે ઈકોનોમીની ગતિવિધિની સાક્ષી પૂરે છે. આ વર્ષેે સરકારે મેક ઈન ઈન્ડિયાને પણ જબરદસ્ત પ્રોત્સાહન આપતી પ્રોડક્શન લિન્ક્ડ સ્કીમને જોર આપતાં ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર સુધારો થતો રહ્યો છે. જોકે સર્વિસ સેક્ટરનો ગ્રોથ સૌથી ઊંચો રહ્યો છે. ૨૦૨૨માં તેનો ફાળો ૫૩ ટકા ઉપર રહ્યો, જ્યારે ઉત્પાદન સેક્ટરનો ફાળો ૨૬ ટકા આસપાસ અને કૃષિ તેમ જ એલાઈડ સેક્ટર્સનો ફાળો ૨૦ ટકા આસપાસ રહ્યો છે. નાના-મધ્ય કદના એકમો પણ અગાઉ કરતાં બહેતર કામગીરી કરતા થયા છે. નિકાસ કામગીરી પણ સુધરતી રહી છે. બેન્કોની એનપીએના સુધારામાં પ્રગતિ થઈ છે. આઈટી સેક્ટર સાથે સાથે સ્ટાર્ટઅપ્સ માટે પણ અવકાશ વધ્યો છે અને સરકારે તેમને પ્રોત્સાહન આપ્યું છે. આઈપીઓ માટે દરવાજા કડક છતાં મોટા અને ઝડપી અને સરળ થઈ રહ્યા હોવાથી મૂડીસર્જનનો અવકાશ વધતો જાય છે. જોકે અમુક આઈપીઓની નિષ્ફળતા નિરાશા અને નુકસાની પણ આપી ગઈ છે. તેમ છતાં નવા વરસમાં અનેક આઈપીઓ કતારમાં છે, જેમાં સંખ્યાબંધ નવી કંપનીઓ – સ્ટાર્ટઅપ્સ પણ છે. સરકાર મૂડીખર્ચ વધારવા પર તેમ જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર ભાર મૂકીને સર્વાંગી વિકાસનો તખ્તો રચતી રહી છે. ડિફેન્સ સેક્ટરમાં સરકારે સ્થાનિક કંપનીઓને મોટા ઓર્ડર આપીને જબરદસ્ત પ્રોત્સાહન આપ્યું છે. ઈન શોર્ટ, સરકાર આત્મનિર્ભર ભારતની દિશામાં એક પછી એક કદમ ભરતી રહી છે. નવી શિક્ષણ નીતિ નવાં પરિણામ આપશે. નવા વરસમાં ઈલેક્ટ્રિક વાહનો, સોલાર સિસ્ટમનો પ્રસાર, ગ્રીન ટેક્નોલોજી સહિત કેટલાય નવા પ્રવાહના નવા રંગ જોવામાં આવશે.
ઈન્વેસ્ટર્સની સંખ્યામાં જબ્બર વૃદ્ધિ
કોવિડનો સામનો કરવામાં ભારત સૌથી સક્ષમ દેશ સાબિત થવા ઉપરાંત ભારતે કોવિડની વેક્સિન માટે અન્ય દેશોને સહાય-સહયોગ આપીને પોતાની ગરિમા ઊંચી કરી છે. ઈન શોર્ટ, ભારતનું કોવિડ મેનેજમેન્ટ એકંદરે ઘણું સારું રહ્યું. અલબત્ત, જેમણે જીવન ખોયાં તેમનો અને તેમના પરિવારજનોના દુ:ખનો ખેદ થયા વિના રહી શકે નહીં. જોકે એક નોંધપાત્ર બાબત એ બની કે કોવિડના સમયમાં દેશમાં શેર રોકાણકારોની સંખ્યા ઉલ્લેખનીય વધી છે, જે હાલમાં જ ૧૨ કરોડ ઉપર પહોંચી ગઈ છે. જો આ વરસે કોવિડ રિટર્ન થશે તો રોકાણકારોની સંખ્યા હજી વધી શકે.
કોવિડ સાથે અને બાદ પણ વિકાસની ગતિ
કોવિડ દરમ્યાન અને બાદ પણ શેરબજારે સતત વૃદ્ધિ નોંધાવી છે, સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ નવી ઊંચાઈ હાંસલ કરી, કરેક્શન આવ્યાં તે પણ હેલ્ધી રહ્યાં. એસએમઈ સેગમેન્ટમાં વધુ ને વધુ કંપનીઓ લિસ્ટેડ થવા સાથે સતત વિકાસ થયો છે અને મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં પણ વિકાસની ગતિએ વેગ પકડ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ અને સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન ઠેર ઠેર-ઘેર ઘેર પહોંચતા જાય છે. માલ અને સર્વિસીસની ડિમાંડ એકધારી વધી રહી છે. કોવિડ બાદ ટૂરિઝમ, ઓટો, હોટેલ, વગેરે બિઝનેસ સહિત અનેક સેક્ટરમાં કરન્ટ આવતો રહ્યો છે. મજાની વાત એ છે કે હાલ પણ આખું જગત યા કહો કે મોટા ભાગના વિકસિત દેશો એક યા બીજી સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે માત્ર ભારતીય અર્થતંત્ર જ છે, જે ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર વિશેષ ધ્યાન આપીને ખાનગી રોકાણકારોને આકર્ષી રહી છે. વિદેશી રોકાણ આકર્ષવામાં પણ સરકાર સક્રિય રહી છે. ચીનની નબળાઈ કે સમસ્યાનો લાભ લેવાની સૌથી વધુ તક હાલ હિંદુસ્તાન પાસે છે, જેનો સરકાર સદુપયોગ કરશે એવી આશા અવશ્ય રાખી શકાય.
૨૦૨૪ જનરલ ઈલેક્શનનું વર્ષ
ડોલર મામલે ભારતના રૂપિયાએ આ વર્ષેે ઘણો માર ખાધો, કિંતુ ઈનફ ઈઝ ઈનફ. હવે સરકારે તેના માર્ગ શોધી લીધા છે. ભારત સરકાર વિવિધ દેશો સાથે રૂપિયામાં ટ્રેડ સેટલમેન્ટ થઈ શકે એવી વ્યવસ્થા ગોઠવતી જાય છે અને તેને સારો પ્રતિસાદ પણ મળવો શરૂ થયો છે. રશિયા ભારત સાથે આ બાબતે દોસ્તી નિભાવી રહ્યું છે. જોકે ડોલરની વૃદ્ધિ નિકાસકારો માટે લાભદાયી રહે છે, જ્યારે આયાતકારોને અને સરકારી તિજોરીને મોંઘી પડે છે. તેમ છતાં ડોલર સામે વિવિધ દેશોની કરન્સીના ઘસારાની તુલના કરીએ તો ભારતનો રૂપિયો અન્ય દેશોની કરન્સી કરતાં વધુ મજબૂત રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતનો રૂપિયો હવે પછી મજબૂત થશે એવી આશા રાખવી સાર્થક છે. જે ગતિએ ભારતીય ઈકોનોમી વેગ પકડી રહી છે એને ધ્યાનમાં રાખતાં ૨૦૨૩ જ નહીં, આગામી વર્ષો ભારતના આર્થિક વિકાસનાં છે. આ વિકાસનો ફાળો સામાન્ય પ્રજા અને દેશનો છેવટનો માનવી પણ મેળવી શકે એવી અપેક્ષા રાખીએ. સરકાર આ બાબતને ધ્યાનમાં રાખશે. વરસ ૨૦૨૪ જનરલ ઈલેક્શનનું હોવાથી ૨૦૨૩માં આર્થિક-સામાજિક સુધારાનાં પગલાં આવતાં રહેશે. આગામી બજેટમાં પણ તેનાં પગલાં અને સંકેતો ચોક્કસ જોવા મળશે.
———
૨૦૨૨માં ભારતની ગતિ-પ્રગતિના માર્ગનાં સીમાચિહ્નો
* ભારતીય ઈકોનોમી વિશ્ર્વમાં ફાસ્ટેસ્ટ ઈકોનોમી
* ડિજિટલ ઈન્ડિયાને મળી રહેલો વેગ
* સેબીએ સોશ્યલ સ્ટોક એક્સચેંજ સ્થાપવાની મંજૂરી આપી
* ક્રિપ્ટો કરન્સીનું ભાવિ ભારતમાં અધ્ધર થઈ ગયું
* રિઝર્વ બેન્કે ઈ-રૂપી-ડિજિટલ કરન્સી બહાર પાડી
* ગુજરાતમાં ભાજપની ભવ્ય જીતની અસર ગુજરાતના વધુ વિકાસમાં સહભાગી બનશે
* ઈન્વેસ્ટમેન્ટ માટે ભારત બહેતર અને આકર્ષક ડેસ્ટિનેશન
* ચીનના સંજોગોને કારણે ગ્લોબલ રોકાણકારો-ઉત્પાદકોનું ધ્યાન ભારત પર
* ગુજરાતની ગિફ્ટ સિટીની આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સિયલ હબ બનવા તરફ ગતિ
* ફિનટેક કંપનીઓનો વધતો પ્રવાહ ફાઈ. અને ટેક સેક્ટરને વેગ આપશે
ભારત સામેના વિવિધ પડકારો
* લેટેસ્ટ પડકાર કોવિડના પ્રસારની સંભાવનાનો છે.
* કોવિડને કારણે ગ્લોબલ અર્થતંત્ર પણ મંદ પડી શકે
* રોજગાર સર્જનમાં હજી પૂરતી સફળતાનો અભાવ
* વ્યક્તિદીઠ આવકમાં ઘટાડો
* મોંઘવારી અને ઊંચા વ્યાજદર
* મોટા ભાગની વસ્તીનો મોટો આધાર કૃષિ ક્ષેત્ર પર
* મૂડીખર્ચમાં અપેક્ષા કરતાં ધીમી વૃદ્ધિ
* ભારતમાં આર્થિક અસમાનતામાં સતત વૃદ્ધિ
* દેશમાં વસ્તી-પોપ્યુલેશનનું ભારે દબાણ
* કરચોરી અને કરપ્શનનું ચલણ હજી ચાલુ
* પોલિટિકલ રિફોર્મ્સની તાતી આવશ્યકતા
* કાયદાના માળખામાં (જ્યુડિશિયલ રિફોર્મ્સ) સુધારા અનિવાર્ય