Homeઉત્સવ૧૮૫૮માં કંપનીનું રાજ્ય ગયું અને વિક્ટોરિયા રાણીનું રાજ જાહેર થયું

૧૮૫૮માં કંપનીનું રાજ્ય ગયું અને વિક્ટોરિયા રાણીનું રાજ જાહેર થયું

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

૧૮૦૨માં એક વિચિત્ર ઘટના સજાર્વા પામી હતી. મુંબઇમાં ઇરાનના એલચીએ એક વાંદરા ઉપર ગોળી ચલાવતાં મુંબઇ સરકારના લશ્કરમાંનાં એક દેશી સૈનિકે ઇરાનની એલચીની હત્યા કરી. આંતરરાષ્ટ્રીય રાજકારણની દૃષ્ટિએ ઈરાન સાથે મિત્રતા જાળવવાનું અંગ્રેજો માટે ત્યારે આવશ્યક થઈ પડ્યું હતું. આથી આ ઈરાની એલચીનું શબ એક વિશેષ જહાજમાં ઈરાન મોકલવામાં આવ્યું અને સાથે એક લાખ રૂપિયાનું ઈરાનના શાહને નજરાણું અને મરણ પામેલા એલચીની નિકટના સ્વજન માટે પેન્શન રૂપે રૂા. ૫૦ હજાર મોકલાવ્યા હતા. આથી શિરાઝ ખાતેના દરબારમાં કહેવામાં આવ્યું કે જો આપણા એક એલચીની કિંમત આટલી હોય તો આપણે દસ બીજા એલચી મોકલવા તૈયાર છીએ.
એનો અર્થ એ નથી કે મુંબઈ સરકારની તિજોરીમાં મબલખ પૈસા હતા. મુંબઈ સરકારના ખજાનચી શ્રી. પી.પી. ટ્રેવહર્સે સરકારના શાહુકાર શ્રી ફોર્બસને જે પત્ર લખ્યો હતો તે પરથી વાસ્તવિક પરિસ્થિતિ જણાઈ આવે છે.
‘પ્રિય ફોર્બસ,
ગરીબી પાછી ફરીથી મારી સામે આવીને ઊભી રહી ગઈ છે. મારી પાસેની શિલક માત્ર રૂા. ૩૨૩૩ છે.
કૃપા કરીને આ વાત આપણા ગવર્નર સાહેબના ધ્યાન ઉપર લાવશો.
૧૧, મે ૧૮૦૪ પી. પી. ટ્રેવહર્સ (ખજાનચી)
જેનાથાન ડંકન સાહેબ ત્યારે મુંબઈના ગવર્નર હતા.
મુંબઈમાં જ્યારે ૧૬૬૮માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સરકારનું શાસન હતું ત્યારે મુંબઈ માટે ખાસ રૂપિયા પાડવામાં આવ્યા હતા.
મુંબઈના શ્રીમંત અંગ્રેજ અને પારસી વ્યાપારીઓ મુંબઈ સરકારને આર્થિક સહાય કરતા રહેતા હોવાથી આવો મબલખ ખર્ચ ચાલતો હતો.
મુંબઈની ટંકશાળ ૧૮૨૯માં બંધાઈને તૈયાર થઈ હતી. અને તેનું બાંધકામ ૬ વરસો પહેલાં ૧૮૨૩માં શરૂ કરવામાં આવ્યું હતું. મુંબઈ ટંકશાળને બાંધવામાં રૂા. ૩૬ લાખનો ખર્ચ થયો હતો. ૧૮૩૫ની સાલમાં જે રૂપિયા ઢાળવામાં આવ્યા હતા તેના પર ઈંગ્લેન્ડના રાજા ચોથા વિલિયમની મુખાકૃતિ હતી. ૧૮૪૦માં રાણી વિકટોરિયાની છાપવાળા રૂપિયા ઢાળવામાં આવ્યા હતા, પરંતુ તેમાં રાણી વિકટોરિયાના માથે રાજમુગટ નહીં હતો. ૧૮૫૮માં કંપનીનું રાજ્ય ગયું અને વિકટોરિયા રાણીનું રાજ જાહેર થયું ત્યારે ૧૮૬૨માં રાણી છાપના નવા રૂપિયા ઢાળવામાં આવ્યા તેમાં વિકટોરિયા રાણીના માથે મુગટ હતો.
મુંબઈમાં અંગ્રેજો અને શ્રીમંત વ્યાપારીઓ ખાવાપીવામાં વિશેષ રુચિ ધરાવતા હતા. ઈરાનથી ‘શિરાઝ’ નામનો; વિશેષ શરાબ મંગાવવામાં આવતો હતો અને ફ્રેન્ચ શેમ્પેઈને લોકપ્રિયતા મેળવી હતી. મુંબઈમાં સારા બબરચી તે સમયે મળતા નહીં હોવાથી ૧૮૩૧માં લોર્ડ ક્લેઅર મુંબઈના ગવર્નર તરીકે આવ્યા ત્યારે પોતાની સાથે ખાસ એક ફ્રેન્ચ બબરચી લઈ આવ્યા હતા અને આ બબરચીએ ગોવાનીઝ બબરચીઓને તાલીમ આપી નિષ્ણાત બનાવ્યા હતા. આજે પણ ફાઈવસ્ટાર હોટલોમાં બબરચીઓ હોય જ છે.
અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અને ૧૯મી સદીના પ્રારંભમાં શ્રીમંત પારસી વ્યાપારીઓ અંગ્રેજોને તાડીની મિજબાની આપવા જાણીતા હતા. તેઓમાં શ્રી હોરમસજી વાડિયા, શ્રી અરદેશર દાદીશેઠ, સર કાવસજી જહાંગીર રેડીમનીના પૂર્વજ તથા જમશેદજી જીજીભાઈનો સમાવેશ થતો હતો.
મુંબઈમાં પણ વાઘ વસતા હતા. શ્રી એસ. એમ. ડાંગે કરતાં પણ વરિષ્ઠ કામગાર નેતા અને શ્રીમંતી પ્રોવરઝાબવાલાના સસરા સ્વ. શ્રી શ્યાવક્ષ ઝાખવાલાએ મને કહ્યું હતું કે વીસમી સદીના આરંભમાં તેમણે તાડદેવ ખાતે એક વાઘ ઝાડીમાં જોયો હતો. ૧૮૨૨માં મલબાર હિલ પરથી એક વાઘ ઊતરીને ગાંવદેવી થઈને ગોવાળિયા તળાવમાં પાણી પીવા આવ્યો હોવાનો ઉલ્લેખ છે.
૧૮૨૨માં મુંબઈમાં સહુ પ્રથમ ડેન્ટીસ્ટ દવાખાનું ઉઘાડ્યું હતું. ગમત એ છે કે એ ડેન્ટીસ્ટે યુરોપિયન મહિલા કેરા ટેનિત્ઝ હતી. મુંબઈમાં પુરુષોના દાંત પાડવાનું કામ સહુ પ્રથમ મહિલાએ શરૂ કર્યું હતું.
ક્રિકેટના નગરમાં ખેલ છે, ખેલદિલી નથી:
મુંબઈ નગરીમાં ખેલ તો છે, પણ ખેલમાં આવશ્યક એવી ખેલદિલી નથી એ પણ એક હકીકત છે. ચર્ચગેટ પરિસરમાં બ્રેબોર્ન સ્ટેડિયમ જેવું વિશાળ સ્ટેડિયમ હોવા છતાં; આ બ્રેબોર્ન સ્ટેડિયમની કારોબારી સમિતિ સાથે જરા જેટલું વાંકું પડતાં મહારાષ્ટ્રના પ્રધાનશ્રી વાનખેડેએ એ જ પરિસરમાં બીજું એક તોતિંગ સ્ટેડિયમ ઊભું કરી દીધું અને જાહેર જનતા માટેનું એક મોટું મેદાન મુંબઈના નકશામાંથી ગાયબ થઈ ગયું. બ્રેબોર્ન સ્ટેડિયમને જેમનું નામ આપ્યું છે તે મુંબઈ ઈલાકાના અંગ્રેજ ગવર્નર લોર્ડ બ્રેબોર્નને પણ મુંબઈના વિવિધ જીમખાનાઓએ ખેલદિલી બતાવવાને બદલે બેઠકની ફાળવણી અંગે ખોટો આગ્રહ ધરાવીને પરેશાન કરી મૂક્યા હતા. લોર્ડ બ્રેબોર્ન વાઈસરોય લોર્ડ વિલિંગ્ડનને ૧૯૩૬ના ફેબ્રુઆરી મહિનામાં પત્ર લખી જણાવ્યું હતું કે મેં જીમખાનાના લોકોની મુલાકાતમાં બેસુમાર કલાકો બગાડ્યા છે; પણ મુંબઈના આ જીમખાનાં તો ભલભલાના કાળા વાળ સફેદ કરી મૂકે એવા છે, છેલ્લે હતાશ થઈને લખે છે:
The Islam Gymkhana has naw started to raise hell because they say the Hindu Gymkhana has stolen march on them. I had a long interview with Mr. Jasdenwalla yesterday, at the close of which I told him that, if we get agreement from the Hindus at the end of this month and the whole scheme is put into the melting pot again by his people, I shall wash my hands of the whole matter and resign the Bombay Committee.’
લોર્ડ બ્રેબોર્ન જેવા સારા ક્રિકેટર અને ગવર્નરના એવા હાલ થતા હોય તો અન્યની તો વાત જ શું કરવી! આ રીતે ૧૯૩૬ના મેં માસની ૨૬મી તારીખે સ્ટેડિયમનો પાયો નાખવામાં આવ્યો ત્યારે પણ બેઠકોની ફાળવણીનો પ્રશ્ર્ન વણઉકેલ્યો જ રહ્યો હતો.
લોર્ડ બ્રેબોર્ન ક્રિકેટ કલબ ઓફ ઈન્ડિયા (સી. સી. આઇ) અને સ્ટેડિયમ માટે ભંડોળ એકઠું કરી આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બે્રબોર્ન સ્ટેડિયમ બંધાયું તેનાં થોડાં જ વરસો પહેલાં ચર્ચગેટ સ્ટેશન અને ઈરોસ સિનેમા સુધી દરિયો ઘૂઘવતો હતો અને આ જમીન બેકબે રેકલમેશન સ્કીમ હેઠળ મેળવવામાં આવી હતી. બોર્ડ બ્રેબોર્ન મુંબઈના ગવર્નર તરીકે એ જમીનમાંથી ૮૮,૦૦૦ ચોરસવાર જમીન સ્ટેડિયમ માટે ચોરસવાર દીઠ એક ‘ગીની’ના દરે મેળવી આપી હતી.
લોર્ડ બ્રેબોર્ન ૧૯૩૩ થી ૧૯૩૭ સુધી મુંબઈના ગવર્નર રહ્યા હતા અને ૧૯૩૯માં માત્ર ૪૩ વર્ષની ભરયુવાન વયે બંગાળના ગવર્નર તરીકે મરણ પામ્યા હતા. તેઓ સુંદર વ્યક્તિત્વ ધરાવતા હતા. સારા વક્તા હતા અને એટલા જ સારા ક્રિકેટ ખેલાડી હતા. ૧૯૩૪માં ૩૯ વર્ષની વયે ગવર્નર તરફથી યોજાયેલી ૧૧ ક્રિકેટ મેચોમાં તેમણે બેટિંગ કરી હતી અને દર દાવે તેમની રન સરાસરી ૧૩.૮ રહી હતી. વધુમાં વધુ રન ૪૮ કર્યા હતા.
મુંબઈમાં સહુથી પ્રાચીન જીમખાનામાં જેની ગણના થાય છે તે પારસી જીમખાના છે અને એની સ્થાપના ૧૮૮૭માં થઈ હતી. હિન્દુ જીમખાનાની સ્થાપના ૧૮૯૪માં થઈ હતી. તે જમાનામાં યુરોપિયનો ભારતીય નાગરિકો સાથે બેસીને જમતા નહોતા, પરંતુ ૧૮૯૦માં અંગ્રેજોએ ખેલાડી તરીકે ખેલદિલી દર્શાવીને ભારતીય નાગરિકો સાથે એક ટેબલ પર બેસીને ભોજન લીધું હતું. એ ભારતીય નાગરિકો પારસીઓ હતા. ૧૮૯૦માં યુરોપિયનોની ટીમ બોમ્બે પ્રેસિડન્સી અને મુંબઈના પારસીઓની બનેલી ઈન્ડિયન ટીમ વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી અને સહુ ખેલાડીઓએ સાથે બેસીને ભોજન લીધું હતું. ત્યારે મુંબઈના ગવર્નર લોર્ડ હેરિસ હતા અને તેઓ પોતે સારા ક્રિકેટર હતા.
આ લોર્ડ હેરિસના ગવર્નર પદ દરમિયાન જ મુંબઈમાં પારસી જીમખાના, હિન્દુ જીમખાના અને મુસ્લિમ જીમખાના માટે મેદાનની જગ્યા ફાળવવામાં આવી હતી. યુરોપિયન કલબ બોમ્બે જીમખાનાને પોતાનું મેદાન હતું. પણ એને દરિયાકિનારા નજીકની હવાનો લાભ મળતો નથી.
અગ્રગણ્ય અંગ્રેજી ટેસ્ટ ક્રિકેટર ડી.આર.જાર્ડિનનો જન્મ મુંબઈના મલબાર હિલ ખાતે દિવાળીના દિવસે થયો હતો અને જ્યારે ઈંગ્લેન્ડથી પ્રથમ સત્તાવાર ઇંગ્લીશ ક્રિકેટ ટીમ ભારત રમવા આવી હતી તેના એક ખેલાડી તરીકે ડી.આર.જાર્ડિન આવ્યા હતા.
ખેલાડીઓને નોકરીએ રાખી ઉત્તેજન આપવાની પહેલ ૧૯૧૮માં બી.બી.એન્ડ સી.આઈ. રેલવેએ (વેસ્ટર્ન રેલવેએ) કરી હતી અને ૧૯૩૩ સુધીમાં આ રેલવેની ક્રિકેટ ટીમમાં પી. બાલુ, પી. વિઠ્ઠલ, જે. એસ. વોર્ડન, એસ. આર. ગોડામ્બે, બી. ઈ. કાપડિયા, એચ.જે. વજીફદાર વગેરેનો સમાવેશ થતો હતો. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શ્રી નરી કોન્ટ્રેકટર, બુધી કુંદરન, બાલ ગુપ્તે, શરદ દિવાડકર પણ વેસ્ટર્ન રેલવેમાં હતા.
આજે વરલીની બી.બી.ડી. ચાલને સ્લમ એરિયા જેવી ગણવામાં આવે છે, પરંતુ અહીંથી આપણને ટેસ્ટ ક્રિકેટર રામનાથ પાર્કર મળ્યો છે એના પિતા એક પ્રેસમાં સામાન્ય કમ્પોઝિટર હતા.
૧૯૪૦ના દાયકાના ભારતના મહિલા ક્રિકેટર પાયોનિયર શ્રીમતી આલુ બામજી મુંબઈનાં છે અને સી.સી.આઈ.ની મેચોમાં નિયમિત ઉપસ્થિત રહેતાં હતાં.
મુંબઈ એ ક્રિકેટની દુનિયામાં ભારતના અન્ય પ્રદેશો અને શહેરો કરતાં અધિક ટેસ્ટ ખેલાડી અને કેપ્ટનો
આપ્યા છે.
ગુજરાતીમાં સંસ્કૃત નાટક
શાકુન્તલનો અનુવાદ કરનાર સર્વપ્રથમ વ્યક્તિ મુંબઈની હતી અને તેમનું નામ છે શ્રી દલપતરામ પ્રાણજીવન ખખ્ખર. એમણે ગુજરાતી શાકુન્તલ પુસ્તક રૂપમાં ૧૮૬૫માં બહાર પાડ્યું હતું અને ૧૮૭૧માં મુંબઈ સરકારે યુરોપિયન ઓફિસરો માટે ઓનર એકઝામિનેશન-ટેસ્ટ માટે એને પાઠ્યપુસ્તક તરીકે મંજૂર કર્યું હતું. રાજકોટની રાજકુમાર કોલેજમાં પણ એને પાઠ્યપુસ્તક તરીકે મંજૂરી મળી હતી.
શ્રી દલપતરામ ખખ્ખરની સેવાનો લાભ કચ્છ રાજ્યે લીધો હતો અને એમને શિક્ષણાધિકારી તરીકે મુંબઈથી કચ્છ બોલાવવામાં આવ્યા હતા. આજે પણ કચ્છમાં પાયાની કેળવણીના પિતા તરીકે એમને ઓળખવામાં આવે છે. એમણે કચ્છની ભૂગોળ પણ તૈયાર કરી હતી.
શ્રી દલપતરામનો જન્મ દમણ ખાતે થયો હતો અને કેળવણી મુંબઈમાં લીધી હતી. એમનું મરણ મુંબઈમાં ૧૯૦૪ના નવેમ્બરની ૧૧મી તારીખે થયું હતું. એલફિન્સ્ટન ઈન્સ્ટિટ્યુશનની ઈંગ્લીશ સ્કૂલમાં તેઓ ભણ્યા હતા, તે વખતે એ સ્કૂલ જે.જે.હોસ્પિટલ નજીક સાંકળિયા તળાવ કિનારે બંબાખાના નજીક હતી. સહાધ્યાયીઓમાં જમશેદજી નસરવાનજી લાતા, મોતીલાલ ત્રિકમદાસ વગેરે હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -