મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી તેમ જ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વૃદ્ધિ સ્થગિત કરવાનો નિર્દેશ આપતા આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે વિવિધ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ મુખ્યત્વે નિકલ અને ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૫૦ અને રૂ. ૧૨ વધી આવ્યા હતા. સિવાય કોપર અને બ્રાસની અમુક વેરાઈટીઓ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ માગ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૬ સુધીનો સુધારો જોવા મળ્યો હતો. આજે સ્થાનિકમાં ખાસ કરીને નિકલ અને ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૫૦ વધીને રૂ. ૨૧૫૦ અને રૂ. ૧૨ વધીને રૂ. ૨૩૨૫ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ માગ ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી લેવાલી જળવાઈ રહેતાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો તેમાં કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૬ વધીને રૂ. ૭૪૨, કોપર આર્મિચર, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૭૨૭, રૂ. ૬૭૫ અને રૂ. ૪૭૩, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૪ વધીને રૂ. ૭૩૪ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૨૩૭ના મથાળે રહ્યા હતા.