મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પ્રોપર્ટી ખરીદનારાઓને મોટી રાહત આપતા રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય અનુસાર રજાના દિવસે પણ રજિસ્ટ્રેશન ઓફિસો ખુલ્લી રાખવામાં આવશે. રાજ્યના મહેસૂલ પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે જણાવ્યું હતું કે સામાન્ય લોકોની સુવિધા માટે, મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા મુખ્યાલયમાં રજિસ્ટ્રારની ઓફિસ શનિવાર અને રવિવારે એમ રજાના દિવસે પણ ખુલ્લી રહેશે, જેથી નાગરિકોને તેમની પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરવમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે.
રજિસ્ટ્રેશનનું કામકાજ અવિરત ચાલુ જ રહેશે. રજિસ્ટ્રાર ઓફિસમાં દિવસે દિવસે નાગરિકોની વધતી જતી ભીડને ધ્યાનમાં લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ વિભાગ (મુંબઈ શહેર, ઉપનગરો), કોંકણ વિભાગ (થાણે શહેર, થાણે ગ્રામીણ, પાલઘર, રાયગઢ અલીબાગ), પુણે વિભાગ (સતારા, સાંગલી, સોલાપુર, કોલ્હાપુર), અમરાવતી વિભાગ (અકોલા, અમરાવતી), નાગપુર વિભાગ (અમરાવતી), લાતુર વિભાગ (લાતુર, નાંદેડ), નાસિક વિભાગ (નાસિક, જલગાંવ), છત્રપતિ સંભાજીનગર વિભાગ (ઔરંગાબાદ) અને મ્યુનિસિપલ વિસ્તારોના જિલ્લા મુખ્યાલયોમાં સબ-રજિસ્ટ્રાર ઓફિસો શનિવાર અને રવિવારે રજાના દિવસે પણ ખુલ્લી રાખવામાં આવશે.
ઘર ખરીદનારાઓને રાહત આપતા રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે રાજ્યમાં રેડી રેકનરના દરમાં વધારો નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એટલા માટે જૂના દર એટલે કે 2022-23 મુજબ લોકો ઘર ખરીદી શકશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ શહેરમાં માર્ચ 2023માં 12,421 પ્રોપર્ટી ખરીદવામાં અને વેચવામાં આવી હતી, જેને કારણે રાજ્યને 1,143 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ હતી. કુલ રજિસ્ટર કરવામાં આવેલી પ્રોપર્ટીમાંથી 84 ટકા રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે અને 16 ટકા નોન-રેસિડેન્શિયલ પ્રોપર્ટીનો સમાવેશ થાય છે. માર્ચ 2023માં રૂ. 1,143 કરોડના મહેસૂલ વસૂલાત સાથે, મુંબઈએ એપ્રિલ 2022 પછી સૌથી વધુ મહેસૂલ વસૂલવામાં આવ્યો હોવાની નોંધાયું હતું.