આજે ટેકનોલોજીના દરેક ફિલ્ડમાં જતા યુવાનો અને તેમના માતા-પિતાનું સ્વપ્ન હોય છે કે તેમનું સંતાન આઈઆઈટીમાં જાય. આ માટે તેઓ મસમોટી ફી આપી જેઈઈના ક્લાસ કરાવે અને કેટલીય કડાકૂટ કરે. આ બાદ સંતાનને જ્યારે આીઆઈટીમા એડમિશન મળે ત્યારે માતા-પિતાએ જાણે જંગ જીત્યો હોય તેવી અનુભૂતી થાય. તે બાદ જ્યારે કેમ્પસ પ્લેસમેન્ટ થાય અને વર્ષના પેકેજ જાહેર થાય ત્યારે છાપાઓમાં છપાઈ અને કરોડોના કે લાખોના પહેલા પેકેજ મળતા થાય એટલે ભયો ભયો. એમાં પણ મોટાભાગના આઈઆઈટીયન્સ ફાયનાન્સ કે ટેકનોલોજીમાં રસ ધરાવતા હોય તો ઊડી જાય અમેરિકા કે ઓસ્ટ્રોલિયા, જર્મની, જાપાન. પણ ત્યાં જઈ મોટી કંપનીઓમાં કામ કર્યા બાદ એક ભારતીય કપલ પાછું ભારત આવ્યું અને તેમણે શરૂ કર્યું એક એવું કામ કે તે જાણીને સૌ કોઈ દંગ રહી જાય. આ કપલ હવે હાથમાં કોમ્પ્યુટર કે સ્માર્ટ ફોન લેવાને બદલે લે છે દાતરડા કે કુહાડી. આ કપલ કરી રહ્યું છે ખેતી. એટલુંજ નહીં તેઓ એટલી હદે ગ્રામીણ જીવન જીવી રહ્યું છે કે ગામડાના યુવાનો પણ નહીં જીવતા હોય.
કપલનું નામ છે સાક્ષી ભાટિયા અને અર્પિત મહેશ્વરી. પહેલા તો આ કપલ પોંડીચેરીમાં રહીને ઓર્ગેનિક ફાર્મિગ શિખ્યું. તે બાદ તેઓ મધ્યપ્રદેશના ઉજૈનના બદનગરમાં એક ખેતરમાં રહે છે. અહીં તેમણે ખેતી શરૂ કરી. એટલું જ નહીં અને રહેવા માટીનું ઘર બનાવ્યું. કપલને લાગે છે કે જેઈઈ ક્રેક કરવા કરતા માટીનું ઘર બનાવવું વધારે અઘરું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ ઘરમાં ઈલેક્ટ્રિસિટી નથી. કપલ ફ્રીજ વાપરતું નથી. ખેતરમાં બગાયતી કરે છે અને ખેતરમાં ઉગેલી વસ્તુઓ જ ખાય છે. જે આવે તેને પણ એ જ ખવડાવે છે. જીવંતિકા નામના તેમના આ ફાર્મમાં તમે પણ રહેવા જઈ શકો.
અર્પિત કહે છે શહેરીજીવન અને સ્પર્ધાથી અમે કંટાળ્યા હતા. આરોગ્ય પર અસર થઈ રહી હતી. આથી કંઈક અલગ વિચારી રહ્યા હતા. આનો ઉકેલ અમને પ્રકૃતિના ખોળામાં મળ્યો.
ઉચ્ચ અભ્યાસ કરવો, સારી કમાણી કરવી અને આરામદાયક જીવન જીવવું આજે દરેકનું સપનું છે અને તે સાકાર થવું જ જોઈએ, પણ આ માત્ર શહેરોમાં કે ઔદ્યોગિક કારકિર્દીમાં જ નથી, ખેતી એ ખૂબ જ મોટો અને શ્રેષ્ઠ વ્યવસાય છે અને તેને સમજદારીપૂર્વક કરવામાં આવે તો જીવન પણ શ્રેષ્ઠ જીવી શકાય છે.