માનસ મંથન -મોરારિબાપુ
रामचरित मानस एहि नामा ।
सुनत श्रवन पाइअ विश्रामा ॥
મારાં ભાઈ-બહેનો, સાવધાન થઈ જાઓ. વિશ્રામની પ્રાપ્તિ કરવી છે ? કોઈ કવિએ ગાયું છે- સત્સંગની સરિતામાં મેલ ધૂઓ રે, જરા જાગી જુઓ રે. જાગી જુઓ રે તમે જાગી જુઓ રે. પહેલું, હરિનામનું અમૃત પીવો. નામ ખુમારી નાનકા, ચઢી રહે દિન રૈન. ડેલ કાર્નેગી કહે છે કે માણસ પૂરે પૂરો થાકી જાય પછી વિશ્રામ કરે તે થોડું અઘરું છે. ફ્રેશ થઈને આરામ કરો. જીવનનો પૂરે પૂરો આનંદ લ્યો તો મૃત્યુને આવકારવાની હોંશ રહેશે. નરસિંહ મહેતાએ ગાયું છે- જા જા નિંદરા હું તને વારું, તું છે નારી ધુતારી રે નિંદરા માને તમસ. માણસનો આહાર પણ યુક્ત હોવો જોઈએ, વિહાર પણ યુક્ત હોવો જોઈએ. ઊંઘ ન લેવી એમ નહીં, સમ્યક સૂવું જોઈએ. તો, જેને આરામ મેળવવો હોય તે ખૂબ થાકી ગયા બાદ નહીં, પરંતુ થોડું થાક્યા બાદ વિશ્રામ મેળવશે તો ફ્રેશ રહી શકશે. બાકી ગુજરાતીમાં કહેવાય છે કે ભૂખ ન જુવે ભાજી અને ઊંઘ ન જુવે ઉકરડો! ઊંઘ આવતી હશે તો માણસ ઉકરડા પર પણ સૂઈ જશે !
બીજું સૂત્ર, મને મારા કામમાંથી જ વિશ્રામ મળે છે તેવી માનસિકતાનું નિર્માણ કરો. બહુ સરસ સૂત્ર છે. મેં તો કાલે રાત્રે જ આ વાંચ્યું, પરંતુ મારો તો વર્ષોનો અનુભવ છે. હું કેટલી વખત કહી ચુક્યો છું કે વ્યાસપીઠ જ મારો વિશ્રામ છે. પોતાનાં કામમાં જયારે માણસને રસ આવવા લાગે ત્યારે તેનું કાર્ય, કામ જ તેનો વિશ્રામ બને છે. શ્રમ, વિશ્રામ બની જાય છે. શ્રમને દીક્ષિત કરો, વિશ્રામ મળશે. મને હમેશાં એવું અનુભવાયું છે કે, હું કથા કહેતાં ક્યારેય થાક્યો નથી. સાહેબ ! આ મારો વિશ્રામ છે. અહીં આવ્યો, બે કાંઠે બોલતો રહું, વહેતો રહું, એ જ મારો વિશ્રામ છે.रामचरित मानस एहि नामा। सुनत श्रवन पाइअ विश्रामा ॥ સૌથી ઉત્તમ સ્નાન કથાસ્નાન છે,પરમાત્માની કથાનું સ્નાન. માનસરોવર સ્નાન ઉત્તમ તો છે, પણ દુર્લભ છે, એથી વધુ ઉત્તમ લાગે છે. જે ચીજ ઉત્તમ હોય છે, એનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. ગંગાજી પણ આપણા માટે દુર્લભ તો છે જ, વર્ષમાં એક-બે વાર જાઓ ત્યારે સ્નાન કરો, અને માનસરોવર તો કાફી દુર્લભ છે, બહુ કઠિન છે. અને જે દુર્લભ છે, એનું મૂલ્ય વધી જાય છે. કથા સુલભ છે, દર પંદર દિવસે મળે છે અને એ તો મારી વ્યાસગાદીની દ્રષ્ટિએ કહું છું, બાકી કોઈની ને કોઈની કથા રોજ મળે છે એટલી સુલભ છે. એથી એનું સ્નાન ઓછું મહત્ત્વનું છે. બાકી સરળતા, સુલભતાની દ્રષ્ટિએ જુઓ તો કથા સ્નાન ઉત્તમ છે. કથા ગંગા પણ છે, યમુના પણ છે, ગોદાવરી પણ છે, કથા નર્મદા, કૃષ્ણા, કાવેરી પણ છે. ગોસ્વામીજીએ તો કેટલા યે પ્રકારથી કથાને નદીના પ્રવાહનું રૂપ આપ્યું છે. ‘સુભગ સરિ’ કહીને સમસ્ત નદીઓને નિયંત્રણ આપી દીધું. પ્રમાણ, પંક્તિ બધાંને યાદ છે.
जिन्ह के श्रवन समुद्र समन। कथ तुम्हारि सुमन सरि नन ॥
બીજા સ્નાનમાં કપડાં ભીંજાય છે, પણ કલેજું કોરું રહી જાય છે. કથા સ્નાનમાં કપડાં કોરા રહે છે. કલેજું ભીંજાય છે. ભીતરી અભ્યંતર સ્નાન થઈ જાય છે. કોઈના મનમાં એવો સંકલ્પ હોય કે અમે પ્રતિવર્ષ ચારધામની યાત્રા કરીએ, અને ન કરી શકો, તો વર્ષમાં એકવાર, ક્યાંય પણ કોઈની યે કથા થતી હોય ત્યાં ભાવપૂર્વક, અનુષ્ઠાન કરી, કથા શ્રવણ કરી લો, એ ચારધામ યાત્રા છે. કારણ કથામાં રામજન્મ તો આવશે જ. ભાગવતની કથા હશે તો યે આવશે અને રામકથા હશે તો તો આવશે જ. રામજન્મની કથા આવશે, ત્યારે
तीरथ सक्ल तहं चलि अबहि
ભગવાનની કથા, સત્સંગ, એ સાચું સ્નાન છે, જેનું પરિણામ આવશે, આવશે અને કંઈક માત્રામાં આવશે જ. એકવાર વર્ષમાં કથામાં આવી જાઓ. અરે ભાઈ, કેટલાક મહિના થઈ જાય તો ગાડીને ગેરેજમાં મૂકવી પડે. આ કથા તમારા મન માટે ગેરેજ છે, તમારા મનનું રિપેરિંગ થઈ જાય છે. બોલ્ટ-નટ્સ થોડા ઢીલા થઈ ગયા હશે તો ટાઈટ કરી દેશે, સ્ટિયરીંગ થોડું હલી ગયું હશે તો ઠીક કરી દેશે. વ્હીલ હાલમડોલમ થઈ ગયું હશે, તો ગતિમાં રાખી દેશે. આ બધું કરી દેશે. બધી નળીઓ ઠીક કરી દેશે. આ બધું કથાથી થાય છે. કથાથી બહુ થાય છે.
મને બોલવાથી અને તમને સાંભળવાથી વિશ્રામ મળે છે તે સીધી વાત છે. માણસ જયારે પોતાનાં કામમાં ઓતપ્રોત થઈ જાય, ડૂબી જાય ત્યારે તેનું કામ જ તેના માટે વિશ્રામ બને છે. તમે જોજો, લોભી માણસ રૂપિયા ગણવામાં ક્યારેય સૂતો નથી. પોતાનાં મનગમતાં કામમાં એ ડૂબેલો રહે છે, તેના માટે રૂપિયા ગણવા તે વિશ્રામ છે. બાપ ! પોતાનું જે કોઈ પણ કામ હોય તેને વિશ્રામ બનાવો, એમાં જ વિશ્રામ મળે છે તેવી માનસિકતાનું નિર્માણ કરો. કોઈ મા-દીકરી, પોતાનાં ઘરનું કામ એવી તન્મયતાથી કરે કે તે કામ જ તેનો વિશ્રામ બને. એવા ભાવથી કામ કરે કે મારું કાર્ય જ મારી પૂજા છે, મારી સેવા છે, તો તેને વિશ્રામ પ્રાપ્ત થશે. બહેનો માટે જરૂરી છે કે રસોડામાં, રસોઈમાં એવાં દૂબે કે રસોઈ બનાવવાનું કર્મ તેના માટે વિશ્રામ બની જાય. એક બહેનનો જન્મ દિવસ હતો. તેણે પતિને કહ્યું કે આપણે બહાર જઈએ, મને ક્યાંક ફરવા લઇ જાઓ. પતિએ કહ્યું કે માથેરાન વગેરે તો આપણે ઘણીવાર ગયાં છીએ, એમ કહી તેનો હાથ પકડી તેને રસોડામાં લઇ ગયો ! પોતાનાં કામને વિશ્રામ સમજો.
ત્રીજું સૂત્ર છે, પોતાનાં ઘરમાં જ વિશ્રામની પ્રાપ્તિ કરો. તમે લાખ હરો ફરો, વેકેશનમાં ફરો, પરંતુ ધરતીનો છેડો તો માનવીનું ઘર જ છે. ઘરમાં વિશ્રામની પ્રાપ્તિ થવી જોઈએ. બહાર વિશ્રામ મળે, ના નથી, ઠીક છે, પણ બહારથી ફરીને માણસ ઘરમાં આવે ત્યારે થાક્યો માંદો આવે છે. પ્લેનમાં ફરે ને પછી ઘરમાં આવી કહે કે હવે મને કોઈ બોલાવતા નહીં ! મને સૂવા દો, કોઈ બોલાવતા નહીં ! તો તું શું કામ ગયો હતો ? જે વ્યક્તિને પોતાનાં ઘરમાં વિશ્રામ ન મળે, આરામ ન મળે તેને વિશ્ર્વમાં ક્યાંય આરામ ન મળે. બાહ્ય આનંદ તો સ્થૂળ આંનદ છે એટલે ઘરથી આગળ વધુ તો, ઘટમાં વિશ્રામની પ્રાપ્તિ થવી જોઈએ. જેટલો માણસ એકાંતમાં રહે, જેટલો રીવર્સમાં જાય તેટલો વધુ તેને આનંદ પ્રાપ્ત થાય. આનંદ અને સાચો
વિશ્રામ કથામાં છે, સત્સંગમાં છે, હરિનામમાં છે. હરિનામનો મહિમા અતુલનીય છે.
(સંકલન: જયદેવ માંકડ)