Homeઉત્સવગામેગામ ફર્યા તો ખબર પડી કે માણસ માણસમાં ફેર હોય, ઝાઝા બધા...

ગામેગામ ફર્યા તો ખબર પડી કે માણસ માણસમાં ફેર હોય, ઝાઝા બધા સામાન્ય તો કોઈ ધન દોલતમાં આળોટતા હોય

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

માણસ સામાજિક પ્રાણી છે તો સાથે લાગણીપ્રધાન સુધ્ધાં છે. દિમાગથી વિચારે અને દિલથી અનુભવે. એને હરખ થાય તો ક્યારેક રોષ સુધ્ધાં ચડે અને સુખના દિવસો જોયા પછી દુ:ખના ડુંગર નીચે દબાઈ જાય કે દુ:ખ પછી સુખ આવે એવુંય થાય. આ માનસિક અવસ્થાની અસર એના વ્યવહારમાં અચૂક ડોકિયાં કરે. સુખના દિવસોમાં મોઢું કાયમ મલકાતું રહે તો દુ:ખમાં ક્રોધ કે લાચારી ચહેરા પર છલકાય. આવી મનોદશામાં ભાષા અને એના પ્રયોગો એની લાગણી વ્યક્ત કરવામાં ઉપયોગી થાય છે. એમાંય બેવડાઈને બોલવામાં આવતા ‘દ્વિરુક્ત’ (બે વાર કહેવામાં કે બોલવામાં આવેલા) શબ્દો વ્યક્તિની લાગણીઓનો પ્રભાવી રીતે પડઘો પાડવામાં અવ્વલ સાબિત થાય છે. ભાવની સાથે ભાષા પણ ઘટ્ટ બને છે. કેટલાક ઉદાહરણથી આ વાત વધુ સ્પષ્ટ થઈ જશે.
એક જ પિતાના બે સંતાન હોય પણ બંનેની સાથેનો અનુભવ સાવ વિપરીત હોય ત્યારે માણસ માણસમાં ફેર હોય એમ કહેવાય છે. અહીં બંને શબ્દો સરખા છે, પણ બંનેના ગર્ભિત અર્થ જુદા છે, પ્રત્યેક માણસ અલગ છે એ વાત પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે. કોઈ વાર એવું બને કે પ્રથમ શબ્દને વિભક્તિ લાગી હોય જ્યારે બીજો શબ્દ એના મૂળ સ્વરૂપમાં જ હોય, ગામેગામ ફર્યા તો ખબર પડી કે આગતાસ્વાગતા કોને કહેવાય. સાથે એ પણ જાણ થઈ કે ઝાઝાબધા સામાન્ય હતા તો કોઈ ધનદોલતમાં આળોટતા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કર્ણાટકમાં ચૂંટણી પ્રચારની એક સભામાં રેવડી સંસ્કૃતિ (મતદારોને પોતાની તરફ વાળવા લ્હાણી કરવી)નો અંત લાવવાની ઘોષણા કરી હતી. કોઈની ફજેતી થાય એના માટે રેવડી દાણાદાણ થઈ ગઈ એમ કહેવાય છે. ગામેગામ અને દાણાદાણ એ બંનેમાં બીજો શબ્દ મૂળ સ્વરૂપમાં છે જ્યારે પહેલાને વિભક્તિ લાગી છે. કેટલાક દ્વિરુક્ત શબ્દોમાં પુનરાવર્તન પામેલા શબ્દનો વિશિષ્ટ અર્થ નથી હોતો. એ કાં તો ભાવ પર ભાર – વજન મૂકે છે અથવા ભાષાની સજાવટ કરે છે. જેમ કે ગરમ ગરમ જમવા બેસી જાઓ. ફરસાણ તો ખાઈ લીધું, મિષ્ટાનમાં લાડુબાડુ જેવું કંઈ છે કે નહીં? મોઢુંબોઢું તો મીઠું થવું જોઈએ ને. લીધેલા પૈસા પરત કરવાના હોય ત્યારે ઘણા લોકોને ગલ્લાંતલ્લાં (બહાના બતાવવા) કરવાની આદત હોય છે. બાળકો વેકેશનમાં રખડપટ્ટી કરે એ સારું, પણ થોડો સમય તેઓ જો ચોપડીબોપડી વાંચે તો તેમના જ્ઞાનમાં વધારો જરૂર થાય. ઘરમાં પેનબેન રાખો છો ખરા? ક્યારેક ગીતબીત ગાવાનો શોખ ખરો? કહેતા હો તો એક બેઠક કરી નાખીએ. ભજનબજન હોય તોય આનંદ આવે. થોડી વાર પહેલા જોયું તો ગલીના નાકે લોકો દોડાદોડી બહુ કરી રહ્યા હતા. પૂછ્યું તો ખબર પડી કે બે ટોળાં વચ્ચે પહેલા ગાળાગાળી થઈ, વાત વણસી અને પછી પહોંચી મારામારી સુધી અને પોલીસ આવતા થઈ ભાગાભાગી. (ક્રમશ:)
————–
PEOPLE IN BUSINESS
ભાષામાં કટાક્ષ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અંગ્રેજીમાં કટાક્ષ SARCASM તરીકે ઓળખાય છે. ઉપહાસ કે વ્યંગમાં કહેવાતા વચનો શાબ્દિક ચાબુકની ગરજ સારે છે. ક્યારેક એ વાગે એવા હોય છે તો ક્યારેક લાચારી કે ગેરૂપયોગના પ્રતીક તરીકે આંખ ઉઘાડનારા હોય છે. આજે આપણે વિવિધ વ્યવસાય સંબંધિત એવા કેટલાક ઉદાહરણ તપાસી એના અર્થ અને ઉપયોગથી વાકેફ થઈએ. પહેલો પ્રયોગ છે ARMCHAIR CRITIC. આ રૂઢિપ્રયોગને ચેર એટલે કે ખુરશી સાથે સીધો નહીં, પણ આડકતરો કટાક્ષયુક્ત સંબંધ છે. Armchair Critic means a Theoretical Person who criticises the way other Handle Problems without Trying to Do Anything to Solve the Problem Himself/ Herself. સરળ ભાષામાં કહી શકાય કે ખુરશીમાં બેઠા બેઠા હાથ પગ હલાવ્યા વિના, સમસ્યાનો ઉકેલ લાવવાના કોઈ પણ જાતના પ્રયત્નો કર્યા વિના સમસ્યાનું નિરાકરણ લાવવા કોશિશ કરતી વ્યક્તિની ટીકા કરવી. ક્રિકેટની રમતમાં આવા આર્મચેર ક્રિટીક (ખુરશીના ખેરખાં) અઢળક હોય છે. ‘બોલને આડા બેટથી ફટકો મારવાની શું જરૂર હતી? બાઉન્સર નખાય? પેલો તો છગ્ગો જ મારે ને? ૨૦મી ઓવર ઓછા અનુભવી બોલરને અપાતી હશે?’ વગેરે વગેરે ટિપ્પણીઓ તમે સાંભળી હશે. આવી ટિપ્પણી કરનારા મોટાભાગના લોકોને બોલ કે બેટ કેમ પકડાય એની ગતાગમ નથી હોતી. ડ્રોઈંગ રૂમમાં આરામદાયક સોફામાં બે પગ લંબાવી પોપકોર્ન ખાતા ખાતા લોકો આવી કોમેન્ટ કરતા હોય છે જે સાચા અર્થમાં „ ARMCHAIR CRITIC કહેવાય. CASH COW means a product or service that brings in a regular source of income. ગુજરાતીમાં દૂઝણી ગાય પ્રયોગથી તમે વાકેફ હશો. એ જ અર્થ છે. જે કોઈ વસ્તુ કે સર્વિસને કારણે નિયમિત આવક થતી હોય એ અંગ્રેજીમાં ઈઅજઇં ઈઘઠ તરીકે ઓળખાય છે.The IT industry has turned out CASH COW in the twenty first century. . ઇન્ફર્મેશન ટેકનોલોજી વ્યવસાય એકવીસમી સદીમાં દૂઝણી ગાય સાબિત થયો છે. SITTING DUCK means a person who is an easy victim, open to attack, influence, or deception because of his/her weaknesses. કૌવતના અભાવને કારણે કે નબળાઈને લીધે પ્રતિસ્પર્ધી કે દુશ્મનના આક્રમણ સામે સહેલાઈથી ભાંગી પડતી વ્યક્તિ કે જૂથ સિટિંગ ડક તરીકે ઓળખાય છે. ઇBefore 1983 Indian Cricket Team was a SITTING DUCK for the opposition. ૧૯૮૩ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ પ્રતિસ્પર્ધી માટે
મગતરું હતી.
———–
निवडक म्हणी
કહેવતો અને રૂઢિપ્રયોગોમાં પરંપરાનું પ્રમાણ પણ ખાસ્સું જળવાયું છે. જૂની માન્યતાઓ પણ એમાં ડોકિયાં કરતી હોય છે. આજે આપણે એવા કેટલાક પ્રયોગોની મજા માણીએ. પહેલી કહેવત છે ,,बाजारात तुरी, भट भटणीला मारी. તુરીના એકથી વધુ અર્થ છે પણ અહીં તુવેરની દાળનો અર્થ સમજવાનો છે. તુવેરની દાળ લેવા તો બજારમાં જવું પડે પણ એ લીધા વિના જ એ કેટલી બનાવવી, કેમ બનાવવી વગેરે વિવાદ ભટ – ભટણી એટલે કે બ્રાહ્મણ પતિ – પત્ની વચ્ચે થાય એવી વાત છે. કોઈ વસ્તુ મેળવ્યા પહેલા કે હાથમાં આવ્યા વિના જ એના વિશે કંકાસ કરવો એ એનો ભાવાર્થ છે. આ કહેવતમાં એક ઉમેરો પણ છે કે ,बाजार तुरी, भट भटणीला मारी, घट्ट का पातळ करती. वीसल મતલબ કે દાળ બનશે એ ગાઢી હશે કે ‘દે દામોદર દાળમાં પાણી’ જેવી હશે એવો કટાક્ષ છે. તુરીનો આધાર લઈ એક કહેવત બનાવવામાં આવી છે કે हातावर तुरी देउुन पळणे તુવેરના આખા દાણા જો હથેળીમાં મૂક્યા હોય અને જો મુઠ્ઠી વળી ન હોતો એ દાણા નીચે સરકી જતા હોય છે. કોઈને ફસાવીને, ભોળવીને કે ઉલ્લુ બનાવીને ભાગી જતી વ્યક્તિ માટે हातावर तुरी देउन पळणे પ્રયોગ વપરાય છે. चोराने पोलीसांच्या हातावर तुरी देऊन पळ काढला या वाक्याचा अर्थ पोलिसांच्या ताब्यात असलेल्या चोरीच्या आरोपीने लधुशंकेचा, पाणी पिण्याचा किंवा आजारपणाचा बहाणा निमित सांगून पोबारा केला असा-पळून गेला असा होईल.પોલીસના તાબામાં રહેલો ચોર લઘુશંકા કરવાને બહાને કે પછી પાણી પીવાના બહાને કે માંદગીનું બહાનું કાઢી પલાયન થઈ જાય એ દર્શાવવા આ પ્રયોગ વપરાય છે. ગુજરાતીમાં કહેવત છે ને કે આંગળી આપતા પહોંચો પકડવો. જરા હાથ દેનારનું બધું જ પચાવી પાડવા મથવું એ એનો ભાવાર્થ છે. અસ્સલ એ જ ભાવાર્થ
भटाला दिली ओसरी, भट हातपाय पसरी કહેવતમાં પ્રગટ થાય છે.
————–
पत्थर की कहावते
માનવ સદૈવ પ્રકૃતિ પ્રેમી રહ્યો છે અને આપણો દેશ ખેતીપ્રધાન હોવાથી કુદરત માટે આપણને વિશેષ લગાવ હોય છે. કવિતા – ગઝલમાં પ્રકૃતિપ્રેમ વણાઈ ગયેલો છે જ, કહેવતો અને રૂઢિપ્રયોગોમાં પણ એને મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત થયું છે. પ્રાકૃતિક કહેવતો અને રૂઢિપ્રયોગોમાં પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ એ પ્રકૃતિના પાંચ મુખ્ય તત્ત્વ – પંચ મહાભૂતની હાજરી હોય છે. આ ઉપરાંત પથ્થર, નદી, સમુદ્ર વગેરે તેમજ આંધી – તોફાન જેવા પ્રાકૃતિક પ્રકોપ સુધ્ધાંની હાજરી કહેવતોમાં જોવા જાણવા મળે છે. આજે આપણે પથ્થરના ઉપયોગથી પરિચિત થઈએ. પથ્થર ભારેખમ હોય છે અને એના પર જલદી કોઈ વસ્તુની અસર નથી થતી. પથ્થરની કહેવતો અને રૂઢિપ્રયોગમાં આ બે બાબતો ખાસ કરીને નજરે પડે છે. पत्थर की नाव पर चढना એટલે ઈરાદાપૂર્વક , જાણીજોઈને ખોટું કામ કરવું એવો અર્થ છે. पत्थर के नीचे दबे हाथ को निकालना એટલે સંકટની પરિસ્થિતિમાંથી કે મુશ્કેલીમાંથી મુક્તિ મળવી કે છુટકારો થયો એવો ભાવાર્થ છે. पत्थर को जोंक लगाना જોંક એટલે પાણી અને કાદવમાં થતું અને લોહી ચૂસી લેતું કૃમિના આકારનો જીવડો. આ જીવ પથ્થર પર તો રહે જ નહીં. મતલબ કોઈ કંજૂસ પાસેથી ઈનામ મેળવવાની આશા રાખવી કે પથ્થર દિલ વ્યક્તિ પાસે નરમાઈની આશા રાખવી એ એનો ભાવાર્થ છે. લગભગ એવો જ અર્થ ક્ષટ્ટઠફ રુણખળજ્ઞજણળ શબ્દ પ્રયોગમાં વ્યક્ત થાય છે. पत्थर से पारस होना કહેવતમાં પારસ એટલે
સોનુ. નિર્ધન વ્યક્તિ ધનવાન બની જાય કે મહત્ત્વહીન વ્યક્તિ અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવતી થઈ જાય એ દર્શાવવા આ કહેવત વપરાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -