યશસ્વી જયસ્વાલે ત્યાર બાદ પાછું વળીને જોયું નથી…
રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન યશસ્વી જયસ્વાલ હાલમાં શાનદાર ફોર્મમાં છે. IPLની 1000મી મેચમાં ભલે રાજસ્થાન રોયલ્સને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ મુંબઈ વિરુદ્ધ યશસ્વી જયસ્વાલની ઈનિંગને ભાગ્યે જ કોઈ ભૂલી શકશે.
યશસ્વીએ મુંબઈ સામે રમતા 62 બોલમાં 16 ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 124 રન બનાવ્યા હતા. તે હાલમાં આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે અને ઓરેન્જ કેપ તેના નામે છે. યશસ્વી ભલે રાતોરાત ફેમસ થઈ ગયો હોય પરંતુ તેની પાછળ તેના સંઘર્ષ અને મહેનતની લાંબી કહાણી છે.
મુંબઈના આઝાદ મેદાનની બહાર ગોલગપ્પા વેચવાથી લઈને આઈપીએલમાં સેન્ચુરિયન બનવા સુધીની યશસ્વીની સફર સરળ નહોતી. યશસ્વી ઉત્તર પ્રદેશના ભદોહીની રહેવાસી છે. તેમનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું. 11 વર્ષની ઉંમરે યશસ્વી ક્રિકેટર બનવા મુંબઈ પહોંચ્યો હતો. મુંબઇમાં તેની કસોટી શરૂ થઇ. તેના માટે બધું સરળ ન હતું, પણ યશસ્વીને મુંબઈ જેવા મોટા શહેરમાં પોતાનું નામ બનાવવું હતું.
મુંબઈમાં કમાણી કરવા માટે આઝાદ મેદાનમાં રામ લીલા દરમિયાન યશસ્વી ગોલગપ્પા અને ફળો વેચતો હતો. ક્યારેક તે ખાલી પેટે પણ સૂઈ જતો. યશસ્વીએ એક ડેરી ફર્મમાં પણ કામ કર્યું હતું. ત્યાં એક દિવસ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. આ દરમિયાન ક્લબે યશસ્વીને મદદની ઓફર કરી હતી, પરંતુ તેની સામે એક શરત રાખવામાં આવી હતી કે જો તે સારું રમશે તો જ તેને ટેન્ટમાં રહેવાની જગ્યા આપવામાં આવશે. યશસ્વી તંબુમાં રોટલી બનાવતો. ત્યાં તેને બપોરે અને રાત્રે ખાવાનું મળતું અને રાતે સૂઈ જતો. ખર્ચ કાઢવા માટે યશસ્વીએ ક્લબમાં પરફોર્મ કરવાનું શરૂ કર્યું.
યશસ્વીએ પૈસા કમાવવા માટે બોલ શોધવાનું પણ કામ કર્યું. આઝાદ મેદાનમાં ઘણીવાર બોલ ખોવાઈ જતો હતો. યશસ્વીને તેને શોધવા માટે પૈસા મળતા હતા. એક દિવસ કોચ જ્વાલા સિંહની નજર યશસ્વી પર પડી. યશસ્વીની જેમ જ્વાલા સિંહ પણ ઉત્તર પ્રદેશના છે. તેમણે આ ડાબા હાથના બેટ્સમેનને તૈયાર કર્યો. યશસ્વી હંમેશા જ્વાલા સિંહના વખાણ કરે છે. તેણે એકવાર કહ્યું હતું કે, “હું તેમનો દત્તક પુત્ર છું. તેમણે મને આ સ્થાન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આપણે યશસ્વી જયસ્વાલને અભિનંદન આપીએ અને આશા રાખીએ કે એ ઉન્નતિના આવા અનેક શિખરો સર કરે અને માતા-પિતાનું નામ રોશન કરે.