Homeપુરુષસફળતા મેળવવાની જીદ હોય તો સંઘર્ષ કરીને પણ આઈએએસ કે આઈપીએસ બની...

સફળતા મેળવવાની જીદ હોય તો સંઘર્ષ કરીને પણ આઈએએસ કે આઈપીએસ બની શકાય

જાણો, આ છ સિવિલ સર્વન્ટની સફળતાની પ્રેરણાદાયક કહાણી

કવર સ્ટોરી-રાજેશ યાજ્ઞિક

સિવિલ સર્વિસની પરીક્ષા ભારતની સૌથી અઘરી અને ખૂબ મહેનત માગી લેતી પરીક્ષાઓમાંથી એક છે. એક જાણકારી મુજબ સિવિલ સર્વિસ પરીક્ષામાં પાસ થનારની ટકાવારી માત્ર ૦.૨% છે! એટલે સૌથી પહેલા એ જ વિચાર આવે કે જેમની પાસે પૈસા અને સગવડતા હોય તેવા હોશિયાર વિદ્યાર્થીઓ જ આ પરીક્ષા પાસ કરી શકતા હશે. પણ, ના. હકીકતમાં સિવિલ સર્વિસની પરીક્ષા એ જ્ઞાનની પરખ છે. અને એવા કેટલાય કિસ્સાઓ છે જેમાં સંઘર્ષમય જીવન જીવતા પરિવારનાં બાળકોએ સફળતા પ્રાપ્ત કરી હોય. તેમના કિસ્સાઓ ખરેખર દરેક માટે પ્રેરણાદાયક છે. ચાલો, જાણીએ આવા છ લોકોની કહાણી.
——————–
ઊંટગાડી ચલાવતા પિતાનો દીકરો બન્યો આઈપીએસ ઑફિસર
ગુજરાત કેડરના આઇપીએસ પ્રેમ સુખ ડેલુ, રાજસ્થાનના બિકાનેર જિલ્લાના રહેવાસી છે. સાધારણ ખેડૂત પરિવારના પ્રેમના પરિવાર પાસે બહુ જમીન ન હોવાથી તેમના પિતા ઊંટગાડી ચલાવીને લોકોનો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરતા હતા. નાની ઉંમરમાં પ્રેમને સમજાઈ ગયું કે ગરીબીના આ દળદળમાંથી બહાર નીકળવાનો શિક્ષણ સિવાય અન્ય કોઈ રસ્તો નથી. તે વખતે પ્રેમના મનમાં સરકારી નોકરી કરવાનો વિચાર માત્ર હતો. તેમણે પટવારીની (આપણે ગુજરાતીઓ તેને તલાટી કહીએ છીએ) પરીક્ષા આપી અને સદનસીબે પાસ પણ થઇ ગયા. પણ પ્રેમ આટલેથી અટક્યા નહીં. સરકારી નોકરી મેળવી એટલે ખુશ થઈને બેસી રહેવાને બદલે તેમને તો હજી આગળ પ્રગતિ કરવી હતી. ત્યાર બાદ રાજસ્થાનમાં ગ્રામ સેવકના પદ માટેની પરીક્ષામાં બીજા નંબરે પાસ થયા. પછી સબ-ઇન્સ્પેકટર, આસિસ્ટન્ટ જેલર જેવાં પદો ઉપર પણ તેમની પસંદગી થઇ. એક કોલેજમાં પ્રોફેસર તરીકે પણ તેમની પસંદગી થઇ. પણ તેમણે પોતાને માટે હજી ઊંચું લક્ષ્ય બાંધ્યું હતું. તેમણે સાથોસાથ સિવિલ સર્વિસીસની પરીક્ષાની તૈયારીઓ ચાલુ રાખી હતી અને આખરે તેમની મહેનત અને ધગશના પરિણામે ૨૦૧૫માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી. ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં તેમને ૧૭૦મો ક્રમાંક મળ્યો હતો. અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જાણીતા પ્રેમ સુખ ડેલુ ગુજરાતની પ્રજામાં ‘બુલડોઝર’ ઑફિસર તરીકે જાણીતા બન્યા છે.
——————–
મા વેચતી હતી દારૂ, દીકરો બન્યો આઈએએસ
મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના રાજેન્દ્ર ભારુડ હજી તો માના પેટમાં હતા ત્યારે જ તેમના પિતાનું મૃત્યુ થયું હતું. ત્રણ સંતાનોના ભરણ-પોષણ અને શિક્ષણની જવાબદારી મા ઉપર આવી પડી. આવા સમયે હાથમાં મળ્યું એ કામ સમજીને તેમની માતાએ દારૂ વેચવાનો ધંધો શરૂ કર્યો. રાજેન્દ્ર થોડા મોટા થયા ત્યારે દારૂ પીવા આવવાવાળા તેમને નાસ્તો લાવી દેવા જેવા કામ કરવાના બદલે થોડા પૈસા આપતા. આ પૈસાથી જ પુસ્તકો ખરીદીને રાજેન્દ્ર પોતાનો અભ્યાસ કરતા હતા. દસમું અને બારમું ધોરણ સારા માર્કે પાસ કર્યા બાદ, ૨૦૦૬માં રાજેન્દ્રએ મેડિકલની પરીક્ષા પણ પાસ કરી. દારૂડિયાઓ માટે ‘ચખના’ લાવનારો છોકરો હવે ડૉ. રાજેન્દ્ર ભારુડ બની ગયો હતો! પણ રાજેન્દ્રને તો હજી આગળ વધવું હતું. તેમણે યુપીએસસીને પોતાનું લક્ષ્ય બનાવ્યું. જાત મહેનતથી તેમણે યુપીએસસીની પરીક્ષા પહેલા પ્રયત્નમાં પાસ પણ કરી લીધી અને કલેક્ટર ડૉ. રાજેન્દ્ર ભારુડ બની ગયા. રાજેન્દ્ર ૨૦૧૩ની બેચના ઑફિસર છે. ‘દારૂ વેચનારીનો દીકરો પણ દારૂ જ વેચશે’, તેવું કહેનારને રાજેન્દ્રએ પોતાની અથાગ મહેનતના જોરે જડબાતોડ જવાબ આપ્યો.
———————–
કેરળની આદિવાસી દીકરી બની પ્રથમ આઈએએસ
કેરળનું વાયનાડ પ્રવાસ માટે સુખ્યાત છે, પણ ત્યાં આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ પછાત લોકોનું પ્રમાણ ઘણું છે. આવા પ્રદેશની રહેવાસી છે શ્રીધન્યા સુરેશ. શ્રીધન્યા કેરળના આદિવાસી સમાજની પહેલી દીકરી છે જેણે યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવી હોય. પોતાના ત્રીજા પ્રયાસમાં સફળ થનાર શ્રીધન્યા ૨૦૧૯માં ૪૧૦મોં ક્રમાંક મેળવીને સફળ થયાં હતાં. એક આદિવાસી પરિવારની દીકરી માટે આ સફર આસાન તો નહોતી જ. શ્રીધન્યાના પિતા મનરેગામાં મજૂરી કામ કરીને પરિવારનું ભરણ-પોષણ કરતા હતા. બાકીના સમયમાં ધનુષ્ય-બાણ વેચવાનું કામ કરતા હતા. સરકાર તરફથી થોડી જમીન તેમને મળી હતી પણ ખરાબ આર્થિક સ્થિતિને કારણે પોતાનું ઘર બનાવી નહોતા શક્યા. પોતાના તૂટેલા-ફૂટેલા ઘરમાં જ માતા-પિતા અને બે ભાઈ-બહેન સાથે શ્રીધન્યા રહેતાં હતાં. પોજુથાના ગામની કુરીચીયા જાતિની શ્રીધન્યાને માટે સારી વાત એ હતી કે આવી પરિસ્થિતિમાં પણ પિતાએ તેને શિક્ષણ આપવાનું ચાલુ રાખ્યું હતું. કોઝીકોડની સેન્ટ જોસેફ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ એ જ કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું. તે પછી કેરળ અનુસૂચિત જનજાતિ વિભાગમાં કલાર્કની નોકરી મળી. ત્યાર બાદ વાયનાડની એક આદિવાસી હોસ્ટેલમાં વોર્ડનની નોકરી કરી. અહીં તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને આખરે સફળતા પ્રાપ્ત કરી. યુપીએસસીની લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ શ્રીધન્યા પાસે એટલા રૂપિયા પણ નહોતા કે તે દિલ્હી જઈને ઇન્ટરવ્યૂ આપી શકે. તેમના મિત્રોએ સાથે મળીને ૪૦,૦૦૦ રૂપિયા ભેગા ર્ક્યા ત્યારે તો એ દિલ્હી આવીને ઇન્ટરવ્યૂ આપી શક્યા. આજે શ્રીધન્યા મલપ્પુરમમાં રેવેન્યુ ડિવિઝનલ ઑફિસર તરીકે કાર્યરત છે.
———————————
ગરીબી અને પોલિયોને માત આપીને સર કર્યાં સફળતાનાં શિખર
રમેશ ઘોલપ, મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના વારસી તાલુકાના મહાગાંવના છે. તેમના પિતા સાઇકલ રિપેરીંગની દુકાન ચાલવતા હતાં. પિતાને દારૂની એટલી ખરાબ લત હતી કે તેની સામે પરિવારનો પણ તેઓ વિચાર કરતા નહોતાં. એવામાં બે ટંકનું ભોજન પણ મળવું મુશ્કેલ હતું. આટલું ઓછું હોય તેમ દોઢ વર્ષની ઉંમરે તેમના ડાબા પગે પોલિયો થઇ ગયો. રમેશની માતાને ઘર ખર્ચ પૂરો કરવા ઘરેઘરે જઈને બંગડીઓ વેચવી પડતી હતી. રમેશ પણ પોતાની માતાને સાથ આપવા તેમની સાથે બંગડીઓ વેચતો હતો.
પણ કાળા વાદળમાં રૂપેરી કોર એટલે રમેશનો ભણવાનો શોખ. શરૂઆતનો અભ્યાસ ગામના પ્રાથમિક વિદ્યાલયમાં કર્યા બાદ આગળ ભણવા તેઓ કાકાના ઘરે ચાલ્યા ગયા. પોતાની સખત મહેનતના ફળ રૂપે ૨૦૦૯માં તેઓ અધ્યાપક બની ગયા. પણ મંઝિલે અભી ઔર હૈને યાદ કરીને આગળ યુપીએસસીના અભ્યાસ માટે પુણે ગયા. આઈએએસ બનવાનું એવું ઝનૂન હતું કે પોતાની નોકરી પણ છોડીને માત્ર અભ્યાસ ઉપર ધ્યાન આપવા લાગ્યા. પોતાનો ખર્ચ પૂરો કરવા રમેશ પોસ્ટર પેઇન્ટિંગનું કામ પણ કરતા. આખરે મહેનત રંગ લાવી. ૨૦૧૧માં આઈએએસ માટે તેમનું સિલેક્શન થઇ ગયું! મા સાથે બંગડીઓ વેચનારો, પોસ્ટર પેઇન્ટિંગ કરનારો આજે આઈએએસ ઑફિસર રમેશ ગોરખ ઘોલપ તરીકે જાણીતો છે.
———————-
લાકડાં કાપતો મજૂર બન્યો આઈએએસ

તામિલનાડુના તંજાવુરના નિવાસી એમ. શિવાગુરુ પ્રભાકરનના પરિવારની હાલત બહુ ખરાબ હતી. રાજેન્દ્રના પિતાની જેમ પ્રભાકરનના પિતા પણ શરાબી હતા. ગુજરાન ચલાવવા તેમની માતા અને બહેન વાંસની ટોપલીઓ બનાવવાનું કામ કરતાં હતાં. પ્રભાકરન એન્જિનિયર બનવા માગતા હતા પણ ઘરની પરિસ્થિતિને કારણે બારમા ધોરણ પછી અભ્યાસ છોડવો પડ્યો. તે પછી લાકડા વહેરવાના કારખાનામાં લાકડાં કાપવાનું કામ કરવા લાગ્યા. પણ સપના જો જીવતાં રાખતા આવડે તો તેને પામતા કોણ અટકાવી શકે? કામના કલાકો પછી પ્રભાકરન રેલવે સ્ટેશનના અજવાળામાં અભ્યાસ કરવા જતા.
આ દરમ્યાન તેમના એક મિત્રે તેમને સેન્ટ થોમસ માઉન્ટ, કે જે ગરીબોને ટ્રેઇનિંગની સુવિધા આપે છે, તેના વિશે જણાવ્યું. અહીં ટ્રેઇનિંગ મેળવીને પ્રભાકરનની જિંદગીમાં સુખદ વળાંક આવ્યો. તેમને આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં એડમિશન મળ્યું. તેમણે એમ.ટેક. કર્યું, તે પણ પાછું ટોપ રેન્ક સાથે. પણ પ્રભાકરન યુપીએસસીમાં માટે પ્રયત્ન કરવા માગતા હતા. ત્રણ વખતના નિષ્ફ્ળ પ્રયાસ છતાં, હિંમત હાર્યા વિના ચોથો પ્રયાસ કર્યો. અને ૨૦૧૭માં ચોથા પ્રયાસે યુપીએસસી પરીક્ષા ૧૦૧મા ક્રમાંક સાથે સફળ થયા.
—————————–
અનાથાશ્રમમાં ભણેલો છોકરો બન્યો આઈએએસ
કેરળના રહેવાસી અબ્દુલ નસાર છ ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. તે માત્ર પાંચ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અચાનક મૃત્યુ થયું. ઘરની હાલત એટલી ખરાબ હતી કે માતા છ બાળકોનો ઉછેર કરવા સક્ષમ નહોતી. આખરે હૃદય ઉપર પથ્થર રાખીને પાંચ વર્ષના અબ્દુલને તેમણે અનાથાશ્રમમાં મૂકી દીધો. અહીં જ તેમનો પ્રાઈમરી સ્કૂલમાં અભ્યાસ શરૂ થયો. અનાથાશ્રમમાં રહેવા છતાં ક્યારેય હતાશ થયા વિના અબ્દુલે પોતાનું લક્ષ્ય હંમેશાં શિક્ષણ ઉપર રાખ્યું. તેમણે ઈંગ્લીશ લિટરેચરમાં ગ્રેજ્યુએશન અને પછી પોસ્ટ-ગ્રેજ્યુએશન કર્યું. તે પછી તેમની ફૂડ ઇન્સ્પેકટરના પદ પર વરણી થઇ. પણ તે સમયે જ તેમણે આઈએએસ બનવાનું નક્કી કરી લીધું હતું. ૧૯૯૪માં જયારે કેરળ પબ્લિક કમિશને ડેપ્યુટી કલેકટરના પદ માટે જાહેરનામું બહાર પાડ્યું તો નસારે આ પરીક્ષા માટે પ્રયત્ન કરવાનું નક્કી કર્યું, એમને જાણ હતી કે ડેપ્યુટી કલેકટરની સીધી ભરતી પછી પ્રમોશન મેળવીને આઈએએસ બની શકાય છે. અનેક કોશિશો પછી આખરે ૨૦૦૬માં તેઓ ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામ્યા. અને ૨૦૧૭માં એ દિવસ પણ આવી ગયો જયારે વર્ષોનું સપનું પૂરું થયું. નસારે આઈએએસ તરીકે પ્રમોશન મેળવ્યું! આ પ્રેરણાત્મક ઘટનાઓ જાણીને એક વાત તો સાબિત થાય છે, કે સફળતા મેળવવા તમારી પાસે કદાચ સાધનો ઓછા હશે તો ચાલશે, પણ જો હામ ઓછી હશે તો નહીં જ ચાલે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -