એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ઉત્તરાખંડના જોશીમઠમાં જમીનમા તિરાડો પડતાં ૬૦૦ જેટલાં મકાનો જમીનમાં ગરકાવ થઈ જાય એવો ખતરો છે, તેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દોડાદોડી કરી રહી છે ત્યાં આ મકાનોની સંખ્યા વધી રહી છે. બુધવાર સવાર સુધીમાં જે મકાનોમાં તિરાડો પડી છે તેની સંખ્યા ૬૦૦ હોવાનું કહેવાતું હતું ત્યારે હવે એવા સમાચાર આવ્યા છે કે, જોશીમઠમાં કુલ ૭૨૩ બિલ્ડિંગમાં તિરાડો પડી છે અને આ ઈમારતો ધરાશાયી થઈ જાય એવો ખતરો છે.
આ ખતરાના કારણે કેન્દ્ર સરકારે જોશીમઠમાં પોતાની ટીમ દોડાવી છે અને રાજ્ય સરકાર તો અઠવાડિયાથી લાગેલી જ છે. બંને મળીને આપત્તિનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યાં હવે ઉત્તરાખંડનાં બે બીજાં નગર કર્મપ્રયાગ અને તેહરી જિલ્લાના ચામ્બામાં પણ મકાનોમાં તિરાડો દેખાતાં લોકોમાં ફફડાટ વધ્યો છે. કર્મપ્રયાગના બહુગુણા નગરમાં ૫૦ મકાનમાં તિરાડો પડી છે અને નાના નાના પહાડો તૂટીને ભૂસ્ખલન પણ શરૂ થઈ રહ્યું છે.
તેહરી સરોવરની આસપાસનાં ગામોમાં પણ મકાનોમાં તિરાડો પડવા માંડી છે. ચામ્બામાં ૪૪૦ મીટર લાંબી એક ટનલ બાંધવામાં આવી છે. આ ટનલની પાસે આવેલાં મકાનોમાં તો તિરાડો પડી જ છે પણ ચામ્બામાં ટનલથી થોડે દૂર આવેલા મુખ્ય બજારમાં આવેલા મકાનોમાં પણ તિરાડો પડી ગઈ છે. ટનલનું બાંધકામ શરૂ થયું ત્યારે જ તિરાડો પડવા માંડેલી પણ તેને અવગણવામાં આવી હતી. હવે તેનાં ખરાબ પરિણામ દેખાવા માંડ્યાં છે ને જોશીમઠની જેમ ચામ્બામાં પણ મોટો ખતરો છે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર હજુય લોકોને ચિંતા નહીં કરવા સધિયારો આપ્યા કરે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ અને પર્યાવરણ નિષ્ણાતોએ ફરી ચેતવણી આપી છે કે, આ મુદ્દાને હળવાશથી લેવાની ભૂલ ભારે પડશે. નિષ્ણાતો તો હિમાલયના અન્ય વિસ્તારોમાં પણ આ જ હાલત થશે ને સરકાર જાગશે નહીં તો આ વિસ્તારો પણ નામશેષ થઈ જશે એવી ચેતવણી આપી રહ્યા છે.
ભૂસ્તરશાસ્ત્રીઓ અને પર્યાવરણ નિષ્ણાતોનું કહેવું છે કે, જોશીમઠ, કર્મપ્રયાગ અને ચામ્બા પછી ઉત્તરકાશી. ચંપાવત અને નૈનીતાલનો વારો આવી શકે છે. ઉત્તરકાશી, ચંપાવત અને નૈનીતાલમાં પણ ભૂસ્ખલનનો ખતરો છે તેથી અત્યારથી સરકાર નહીં જાગે તો ભવિષ્યમાં આ નગરો પણ ખતમ થઈ જશે. ઉત્તરકાશી, ચંપાવત અને નૈનીતાલમાં જમીનના સ્તરને નુકસાન પહોંચાડાયું છે, સ્થાનિક ભૂસ્તર બંધારણની અવગણના કરાઈ છે તેમાં ગમે ત્યારે આખેઆખાં નગરો બેસી જશે.
નિષ્ણાતો માને છે કે ભૂસ્ખલન જેવાં પર્યાવરણીય પરિણામોને ધ્યાનમાં લીધા વિના આડેધડ બાંધકામની પ્રવૃત્તિઓ ચાલુ છે તેથી આ પાંચ-સાત નગરો નહીં પણ આખા ઉત્તરાખંડમાં આ હાલત થઈ શકે છે. ઉત્તરકાશી, કર્મપ્રયાગ અને નૈનિતાલના આ વિસ્તારો ફોલ્ટલાઈન પર આવેલા છે. તેના કારણે બાંધકામ પ્રવૃત્તિઓ માટે અત્યંત સંવેદનશીલ છે. આ શહેરોનો પાયો પહેલેથી જ ખરાબ છે અને આડેધડ બાંધકામ તેને વધારે નબળો બનાવી રહ્યો છે તેથી બહુ મોટો ખતરો છે.
જોશીમઠમાં અત્યારે જે તિરાડો પડી છે એ પાછળનું કારણ ‘મેઈન સેન્ટ્રલ થ્રસ્ટ’ લાઈન ફરી સક્રિય થઈ એ છે. મુખ્ય સેન્ટ્રલ થ્રસ્ટ ભૂસ્તરશાસ્ત્રીય સમસ્યા છે. આ લાઈન કે ઝોન ફરી સક્રિય થતાં જોશીમઠમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. ભૂસ્તરશાસ્ત્રીઓ બે દાયકાથી સરકારોને આ અંગે ચેતવણી આપી રહ્યા હતા પણ તેની અવગણના કરવામાં આવી હતી. જોશીમઠની જેમ નૈનીતાલમાં પણ પર્યટનના દબાણને કારણે અનિયંત્રિત બાંધકામ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેથી ત્યાં પણ આ સ્થિતિ સર્જાઈ શકે છે.
ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે એ બધી ટેકનિકલ વાતો છે તેથી તેનું બહુ પિષ્ટપિંજણ કરતા નથી પણ ટૂંકમાં વાત એટલી જ છે કે કુદરત સાથે ચેડાં ભારે પડી રહ્યાં છે. રાજકારણીઓ પોતાના ફાયદા માટે ગમે તેવા નિર્ણયો લે છે અને નિષ્ણાતોને ગણકારતા નથી તેની કિંમત લોકો ચૂકવી રહ્યાં છે. બે દાયકા પહેલાં અપાયેલી ચેતવણીને ધ્યાનમાં લીધી હોત તો આ સ્થિતિ ના સર્જાઈ હોત.
આપણે બહુ આગળ ન જઈએ પણ છેલ્લા દાયકામાં બનેલી બે ઘટનાને પણ ધ્યાનમાં લેવાઈ હોત તો પણ સ્થિતિ અલગ હોત. ૨૦૧૩માં આવેલા કેદારનાથના વિનાશક પૂરે આપણને પહેલી ચેતવણી આપેલી. કેદારનાથમાં ભયંકર પૂર આવેલું ને તેમાં કેદારનાથ આખું સાફ થઈ ગયું હતું. લગભગ ૬૦૦૦ લોકો સત્તાવાર રીતે મરાયાં હતાં.
બરાબર એક વર્ષ પહેલાં ચમોલી જિલ્લામાં આવેલા પૂરે બીજી ચેતવણી આપેલી. ગયા વરસના ફેબ્રુઆરીમાં ચમોલી જિલ્લામાં હિમાલયની પર્વતમાળામાં બરફની મોટી શિલા તૂટતાં અલકનંદા અને ધૌલીગંગા એ બે નદીમાં આવેલા પૂરે તબાહી તબાહી કરી નાખી હતી. પૂરના કારણે બંને નદીના કિનારે આવેલાં મકાનો તો સાફ થઈ જ ગયાં પણ રીશીગંગા પાવર પ્રોજેક્ટને પણ નુકસાન થયું. આ પૂરના કારણે દિવસો લગી લોકો તકલીફોમાં રહ્યા કેમ કે ચોતરફ પાણી જ પાણી હતું. બાકી હતું તે ઉપરથી પાણી આવ્યા જ કરતું હતું તેથી દિવસો લગી લોકો કેવી હાલતમાં જીવ્યાં હશે તેની કલ્પના જ ન કરી શકાય. આ પૂરમાં ઓછામાં ઓછાં ૧૫૦ લોકોનાં મોત થયાં હતાં. પાણીના ધસમસતા પ્રવાહમાં આખેઆખાં ઘર તણાઈ ગયાં હતાં. આ ઘરોમા રહેનારાં લોકોનો પત્તો ના લાગ્યો તેથી મૃતકોનો આંકડો બહુ વધારે હતો.
આ પૂર વખતે જ કહેવાયેલું કે, છેલ્લાં કેટલાંક વરસોથી ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં ભૂસ્તરીય સંતુલન ખોરવાય એવી પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલી રહી છે. તેના કારણે આ પ્રકારની ઘટનાઓ વધી છે. આપણે કુદરત સાથે છેડછાડ કરી રહ્યા છીએ તેની કિંમ ચૂકવી રહ્યા છીએ.
કમનમસીબી એ કહેવાય કે ભૂતકાળની ઘટનાઓમાંથી આપણે કશું શીખતા નથી. ભૂસ્તર સાથે ચેડાંની પ્રવૃત્તિ હજુ ચાલુ જ છે. હજુય બેફામ બાંધકામો થાય જ છે ને તેના કારણે જોશીમઠમાં આ આ સ્થિતિ સર્જાઈ છે.
ઉત્તરાખંડને બચાવવું હોય તો સરકારે અત્યારથી જાગી જવું પડે. ઉત્તરાખંડમાં તમામ પ્રકારની બાંધકામ પ્રવૃત્તિઓ બંધ કરીને તેને કુદરતે જે સ્વરૂપમાં બનાવ્યું છે એ સ્વરૂપમાં રાખવું જોઈએ. પ્રવાસનની લાલચમાં બધું ખતમ થઈ જાય એવું જોખમ લેવા જેવું નથી.