એક રાજાને તેના પ્રધાનને સજા આપવાની ફરજ પડી ત્યારે…
સુખનો પાસવર્ડ -આશુ પટેલ
કોરોનાને કારણે ઘણા બધા માણસો તકલીફમાં મુકાયા. કેટલાય માણસોના ધંધાને મોટો ફટકો પડ્યો, ઘણા માણસોએ નોકરીઓ ગુમાવી, કેટલાય માણસોને આર્થિક ફટકો પડ્યો એને કારણે તેઓ નિરાશામાં સરી પડ્યા. આવી જ રીતે એક પરિચિત યુવાને પણ કોરોનાને કારણે નોકરી ગુમાવી. તેણે મને કહ્યું કે હું ખૂબ આર્થિક મુશ્કેલી સહન કરી રહ્યો છું એટલે તમે મને મદદ અપાવો. મેં કેટલાક મિત્રોને અને પરિચિતોને કહીને તેને આર્થિક સહાય અપાવી, પરંતુ તેને કોઈ નિયમિત આવક નહોતી એટલે તે હતાશામાં સરી પડ્યો હતો. તેણે મને કહ્યું કે મને ક્યાંક નોકરી અપાવી દો. કોઈ પણ પ્રકારની નોકરી મળશે તો ચાલશે. મેં મારા મિત્રવર્તુળમાં બધાને કહ્યું કે આ યુવાન માટે કોઈ સારી નોકરી હોય તો ધ્યાનમાં રાખજો.
થોડા દિવસો પછી એક મિત્રએ કહ્યું કે હું ફલાણા શ્રીમંત માણસની કંપનીમાં નોકરી માટે આ યુવાનની ભલામણ કરી શકું એમ છું. તેમણે જે માણસને ભલામણ કરવાનું કહ્યું હતું તે અત્યારે ખૂબ સફળ થઈ ચૂક્યો છે, પરંતુ એક સમય એવો હતો કે તે આ યુવાનના હાથ નીચે કામ કરતો હતો. તે માણસે કહ્યું કે હું તે યુવાનને સારી રીતે ઓળખું છું. હું તેને નોકરી આપીશ. તે યુવાનને દર મહિને જેટલા પૈસાની જરૂર હતી એટલા પૈસા પગારપેટે આપવા માટે પણ તે તૈયાર થયો, પરંતુ મારા પરિચિત યુવાને સાફ શબ્દોમાં કહી દીધું કે એ માણસ તો કાલે સવારે મારી સામે ઊભો થયો છે અને મેં જ તેને મોટો કર્યો છે! તે મારા જુનિયર તરીકે નોકરી કરતો હતો. હવે એના હાથ નીચે હું નોકરી નહીં કરું. તેના હાથ નીચે નોકરી કરવા કરતાં તો હું ભૂખ્યા રહેવાનું પસંદ કરીશ. તેની જીદને કારણે તેણે એ નોકરી ન સ્વીકારી.
તે યુવાન હજી નોકરી શોધી રહ્યો છે, નાનાં મોટાં કામ કરી રહ્યો છે, પરંતુ પેલા સફળ માણસને ત્યાં કામ કરવા માટે તે તૈયાર ન થયો. નોકરી શોધીને થાક્યા પછી થોડા સમય અગાઉ તેણે કોલ કરીને મને કહ્યું કે ઠીક છે, મને જરૂર છે એટલે હું તે બેવકૂફ શ્રીમંતના હાથ નીચે કામ કરવા તૈયાર છું.
જો કે હવે પેલો સફળ માણસ તેને ઊભો રાખવા ય તૈયાર નથી.
તે યુવાનના કિસ્સાને કારણે મને બુદ્ધના જીવનની એક વાત યાદ આવી ગઈ.
બુદ્ધને એક વાર તેમના એક શિષ્યએ પૂછ્યું કે “મુક્તિ મેળવવાનું આટલું અઘરું કેમ છે?
બુદ્ધે તે શિષ્યને એક દ્રષ્ટાંત આપ્યું.
એક વાર એક રાજા માટે ધર્મસંકટ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ. તે રાજાના પ્રધાન સામે કોઈ આરોપ મુકાયો. અને એ આરોપ સાચો સાબિત થયો. તે પ્રધાનના રાજા ઉપર ઘણા બધા ઉપકાર હતા, પરંતુ પ્રધાને અપરાધ કર્યો એટલે નાછૂટકે ન્યાયપ્રિય રાજાએ તેને સજા કરવાની ફરજ પડી.
બીજો કોઈ અપરાધી હોત તો રાજાએ તેને કારાવાસમાં ધકેલી દીધો હોત કે શૂળીએ ચડાવી દીધો હોત, પરંતુ પોતાના પર ઘણા બધા ઉપકાર કરનાર પ્રધાનને કારાવાસમાં ધકેલવાના વિચારથી રાજાને તકલીફ થઈ.
તેણે પ્રધાનને કહ્યું “તમે મારા વિશ્ર્વાસુ અને વફાદાર રહ્યા છો, પરંતુ અત્યારે તમારી સામે આરોપ મુકાયો છે તમે ભૂલ કરી છે એ માટે મારે તમને સજા તો આપવી જ પડશે. જોકે તમારા મારા પર અનેક ઉપકાર છે એટલે હું તમને કારાવાસમાં પૂરવાનો આદેશ નહીં આપું. હું તમને એક વિશાળ મહેલમાં રાખીશ. એ મહેલના હજાર દરવાજા છે એમાંથી નવસો નવ્વાણું દરવાજા હું બંધ કરાવી દઈશ. માત્ર એક દરવાજો ખુલ્લો રાખીશ. તમારી આંખે ચોવીસ કલાક પાટા બાંધેલા રહેશે અને તમારા પર સૈનિકો નજર રાખશે. તમને એ મહેલમાં તમામ સુખ-સગવડ મળશે અને તમારે છૂટવું હોય તો એ માટે હું એક દરવાજો ખુલ્લો રાખીશ. તમારે એ વિશાળ મહેલની દીવાલોને ચકાસતા ચકાસતા એમાંથી દરવાજા શોધવાના રહેશે અને એક હજાર દરવાજાઓ વચ્ચે એક દરવાજો ખુલ્લો હશે એ દરવાજા સુધી તમે પહોંચી જાઓ તો તમે બહાર નીકળી શકશો. પછી તમે મુક્ત હશો, પણ ત્યાં સુધી તમે તમારી આંખ પરના પાટા નહીં ખૂલે. તમે ખુલ્લો દરવાજો શોધીને એમાંથી બહાર નીકળી ગયા તો સૈનિકો તમારી આંખના પાટા ખોલી નાખશે અને હું તમને મુક્ત કરી દઈશ.
પોતાના માનીતા પ્રધાનને બચાવવા માટે રાજાએ આ રસ્તો વિચાર્યો. પ્રધાનને એક હજાર દરવાજાવાળા વિશાળ મહેલમાં પૂરી દેવાયો. એ મહેલના નવસો નવ્વાણું દરવાજા બંધ કરી દેવાયા અને એક દરવાજો ખુલ્લો રખાયો.
એ મહેલમાં પ્રધાનને તમામ સુખ-સગવડની ઉપલબ્ધિ કરાવાઈ, પરંતુ પ્રધાનને એ સુખ-સગવડ ભોગવવા કરતા મુક્તિની ઝંખના હતી. એ રોજ સવારે ઊઠે ત્યારથી રાત પડે ત્યાં સુધી બહાવરો બનીને દીવાલો ફંફોસતો રહેતો અને એમાં એ દરમિયાન જે દરવાજો મળે એ દરવાજાને ધક્કો મારે, પરંતુ એ દરવાજો બંધ જ હોય.
આ રીતે તે નવસો નવ્વાણું બંધ દરવાજા ચકાસી ચૂક્યો. એ પછી એક વાર તે એક માત્ર ખુલ્લા દરવાજા પાસેથી પસાર થયો, પણ એ વખતે જ તેના ગાલ પર એક માખી બેઠી તે એને ઉડાડવાની લાહ્યમાં ખુલ્લો દરવાજો ચૂકી ગયો. તે ખુલ્લા દરવાજા પાસેથી પસાર થઈ ગયો અને ફરી હજાર દરવાજાઓમાંથી એક માત્ર દરવાજો શોધવાનો તેનો સંઘર્ષ શરૂ થયો!
સાર એ છે કે ઘણી વખત માણસ સામે આવેલી તક ગુમાવી દેતો હોય છે અને એને કારણે તેને દુ:ખી થવું પડતું હોય છે.