Homeઉત્સવમનની મીઠપ હોય, ભોજનમાં ભાજી ભલી અંગે ઉમળકો ન હોય, કડવા ઘેબર...

મનની મીઠપ હોય, ભોજનમાં ભાજી ભલી અંગે ઉમળકો ન હોય, કડવા ઘેબર કિશનિયા

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

દુહો છંદનો એક પ્રકાર હોવાની સાથે સાથે લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ સુધ્ધાં છે. ઝવેરચંદ મેઘાણીના કહેવા અનુસાર ‘લોકવાર્તાઓમાં દુહા વચ્ચે વચ્ચે ટાંકવામાં આવે છે. પરિણામે વાર્તા કે કથાપ્રસંગ રસમય અને સંવેદનસભર બને છે.’ લોકસાહિત્યના સ્વરૂપોમાં સૌથી વધારે લોકપ્રિય સ્વરૂપ દુહાને ગણવામાં આવે છે કારણ કે દુહાની દુનિયા સંસાર જેટલી વિશાળ છે. સંસારના તમામ ભાવસંવેદનોના પડઘા દુહામાં સાંભળવા મળે છે. દુહા સ્વરૂપે રજૂ થતી કહેવતો પણ વિશિષ્ટ પ્રભાવ છોડી જાય છે. શેણી – વીજાણંદ (ગિરના ચારણની પુત્રી શેણી અને બીન વગાડતા ચારણ યુવાન વીજાણંદની લોકકથા જાણીતી છે)ની કથાનો એક દુહો અત્યંત જાણીતો છે: વરસ વળ્યાં વાદળ વળ્યાં, ધરતી લીલાણી, એક વિજાણંદને કારણે, શેણી સુકાણી. કથાના આ દુહામાં આનંદની વાત સાથે વિરહની વાત પણ કેવી પ્રભાવી રીતે વણાઈ ગઈ છે. દુકાળ પૂરો થયો, મેઘ વરસ્યા અને ધરતી લીલીછમ બની પણ વિજાણંદના વિયોગને કારણે શેણી તો દુ:ખથી સુકાઈ ગઈ છે. એક જ પંક્તિમાં છેડાના બે ભાવ કેવા આબાદ રીતે પ્રગટ થયા છે. અતિથિ દેવો ભવ:ની ભાવના આપણા દેશમાં કેવું અને કેટલું મહત્ત્વ ધરાવે છે એ સમજાવીને કહેવાની જરૂર ખરી? આગતા સ્વાગતા એ આપણું વિશિષ્ટ લક્ષણ રહ્યું છે. ભગવાન ભોજનના નહીં, ભાવના ભૂખ્યા હોય છે એમ કહેવાય છે. આપવામાં આવેલા આમંત્રણમાં સાથે જો મનની મીઠાશ ભળી હોય તો ભોજનમાં પીરસાયેલી ભાજી પણ પકવાન જેવી સ્વાદિષ્ટ લાગે, પણ જો મનમાં કડવાશ કે ઝેર હોય તો ખાવામાં ઘેબર જેવી મીઠાઈ પણ કડવી લાગે એ વાત મનની મીઠપ હોય, ભોજનમાં ભાજી ભલી, અંગે ઉમળકો ન હોય, કડવા ઘેબર કિશનિયા એ દુહામાં અસરકારક રીતે વ્યક્ત થાય છે. આ દુહામાં માણસ પ્રેમનો ભૂખ્યો છે ભોજનનો નહીં એ વાત મહાભારતના પ્રસિદ્ધ પ્રસંગ કૃષ્ણવિષ્ટિ દ્વારા સમજાવ્યું છે. સંધિ કરવા આવેલા શ્રીકૃષ્ણ મનમાં ઝેર રાખતા દુર્યોધનના બત્રીસ ભાતના પકવાનોને બાજુ પર મૂકી હૈયે ઉમળકો ધરાવતા વિદુરજીને ત્યાં ભાજી જમે છે. સમાજમાં પણ માણસ માણસ વચ્ચેના પ્રેમથી બીજી એકપણ મોટી વસ્તુ નથી. ઈશ્ર્વરને પણ પ્રેમથી જીતી શકાય છે. એ દુહામાં સમજાવ્યું છે. ગમે એટલા હોશિયાર કે કાબેલ માણસના જીવનમાં એવો પ્રસંગ આવતો હોય છે જ્યારે શું કરવું એનો નિર્ણય એ નથી લઈ શકતો. એવે સમયે એને સલાહની જરૂર પડે છે. અલબત્ત સલાહ કોની માનવી અને કોની નહીં એનું વિવેકભાન હોવું જરૂરી ગણાય છે. સમજદાર વ્યક્તિની સલાહ મુશ્કેલીમાંથી બહાર કાઢે છે જ્યારે અયોગ્યની સલાહ મુશ્કેલીનો ગુણાકાર કરવા સમર્થ હોય છે. આ વાત કર વિચારી કાજ, જરૂર એવા જાણિયા, ગયું રાવણનું રાજ, વણ પ્રધાને વાણિયા દુહા દ્વારા સચોટ રીતે વ્યક્ત થાય છે. સારો પ્રધાન ન હોવાથી રાવણે રાજ ગુમાવ્યું હતું એ વાતથી સલાહ કોની મહત્ત્વની ગણાય એ સમજાય છે. વીંધતાં ભાંગી ગયેલું મોતી, કડવાં વેણથી ભાંગેલું હૃદય અને પલોટતાં ભાંગી પડેલો ઘોડો એ ત્રણ એક વાર ભાંગ્યા પછી ફરી સાંધી શકાતાં નથી એ વાત મોતી ભાંગ્યું વીંધતાં, મન ભાંગ્યું કવેણ, તાજી (અરબી ઘોડો) ભાંગ્યો તોળતાં, (એને) સાંધો ન કે રેણ દુહા દ્વારા કેવી સોંસરવી દિલ – દિમાગમાં ઉતરી જાય છે ને. સોરઠની ભૂમિ દુહાપ્રધાન કહેવાય છે અને ગિરનારમાં યોજાતા રામનવમીના મેળામાં દુહાની રમઝટ માણવા જેવી હોય છે.
———-
NEW YEAR AND NEW BEGINNINGS
આપણે નૂતન વર્ષાભિનંદન કહીએ અને અંગ્રેજીમાં Happy New Year કહેવામાં આવે જે પહેલી જાન્યુઆરીએ શુભેચ્છાના પ્રતીક તરીકે વ્યક્ત કરવામાં આવે. ન્યૂ યરના દિવસે વર્ષ તો બદલાય જ છે, પણ સાથે સાથે નવા સંકલ્પનો પણ નિર્દેશ છે. નવું, નવતર અર્થ ધરાવતા અંગ્રેજી ભાષાના રૂઢિપ્રયોગ અને કહેવતો જાણવા – સમજવા જેવા છે. To Turn Over A New Leaf એટલે કોઈ નવી વાતની શરૂઆત ખાસ કરી કોઈ વાત – ઘટના વિસરી જઈ નવી શરૂઆત કરવાનો પ્રયોગ આ ભાવાર્થમાં સમાયેલો છે. જીવનમાં કંઈક અજુગતું બની ગયા પછી પોઝિટિવ બદલાવ લાવવાની વાત છે. Even though he lost his job, this year Mohnish decided to turn over a new leaf, and look for something new. નોકરી ગુમાવી એનું દુ:ખ મોહનીશને જરૂર થયું પણ એનો અફસોસ કરવાને બદલે તેણે નવી નોકરી શોધી આગળ વધવાનું નક્કી કર્યું. જીવનનું નવું પ્રકરણ શરૂ કરવાના સંકલ્પ જેવી આ વાત છે.To Start A New રૂઢિપ્રયોગમાં પણ નવી શરૂઆતના સંકલ્પની જ વાત છે. નવી ગિલ્લી નવો દાવ, પુનશ્ર્ચ હરિ ઓમ જેવો ભાવાર્થ. કોઈ કામ નવી રીતે શરૂ કરવાની વાત છે. After seeing how much weight she put on over the holidays, she decided to start her diet a new this month. રજાના દિવસોમાં વજન ખાસ્સું વધી ગયા પછી તેણે ડાયેટમાં નવેસરથી ફેરફાર કરવાનો સંકલ્પ કર્યો. Nothing Ventured, Nothing Gained. નવા પ્રયોગ, અખતરા કરવાની ઈચ્છા અનેક લોકોને થતી હોય છે પણ એમાં રહેલા જોખમ લેવા કે નહીં એ વિશે અવઢવ, ગડમથલ ચાલતી હોય છે. અજાણી જગ્યા, અજાણ્યા કામમાં જોખમ લીધા વિના છૂટકો નથી હોતો અને આ તૈયારી હોય તો જ એના મીઠાં ફળ ચાખવા મળે છે એ વાત પર અહીં ભાર આપવામાં આવ્યો છે. I decided to take horse-riding lessons, even though I’d never ridden a horse before. After all, nothing ventured, nothing gained! અગાઉ ક્યારેય ઘોડેસવારી કરી ન હોવા છતાં હું એ શીખવા તૈયાર થઈ ગયો, કારણ કે પ્રયત્ન કર્યા વિના પરિસ્થિતિ સમજાય નહીં.To break new ground એટલે ક્રાંતિકારી બદલાવને પગલે નવા સૂર્યનું આગમન થવું. ટૂંકમાં અગાઉની પરિસ્થિતિ સમૂળગી બદલાઈ જવી. The director’s latest film really breaks new ground – it’s the first time a film has been made in this way. દિગ્દર્શકની નવી ફિલ્મ જૂના ધોરણોને ફગાવી દેનારી છે. આ રીતે કોઈ ફિલ્મ પહેલી જ વાર બનાવવામાં આવી છે. Winds of change એટલે નવો પવન ફૂંકાશે એવી અપેક્ષા. બદલાવનો અણસાર.
After the student protests were shown online, you could feel the winds of chan ge all over the country. વિદ્યાર્થીઓનો વિરોધ જોયા પછી દેશભરમાં બદલાવનો અણસાર વર્તાય છે.
———-
अवस्थाच्या म्हणी
જીવનમાં અવસ્થા – પરિસ્થિતિ કાયમ એક સરખા નથી રહેતા. સમય સાથે બધું બદલાતું હોય છે. તડકા પછી છાંયડો આવે એમ દિવસો અને એને પગલે માનવીની અવસ્થા – પરિસ્થિતિ પણ બદલાય છે. આજે આપણે અવસ્થા સંબંધિત મરાઠી રૂઢિપ્રયોગો – કહેવતોની એક ઝલક જોઈએ અને જાણીએ. अग्निदिव्य करणे એટલે જીવ મુઠ્ઠીમાં રાખી સાહસ કરવું, કોશિશ કરવી. मोठमोठया क्रांतिकारकांनी अग्निदिव्य केल्यामुळेच आपल्याला મહાન ક્રાંતિકારોએ જીવની પરવા કર્યા વિના કરેલી કોશિશને પગલે જ આપણને સ્વતંત્રતા મળી. अडकितयात सापडण એટલે બંને બાજુથી સંકટનો સામનો કરવો, મુસીબતથી ઘેરાઈ જવું. भारतीय सैनिकानी दोन्ही बाजूंनी मारा केल्यामुळे दुश्मनांची स्थिति अगदी अडकितयात सापडल्यासारखी झाली। ભારતીય સૈનિકોએ બેઉ બાજુથી હુમલો કરતા દુશ્મનની અવસ્થા સાણસામાં સપડાઈ જવા જેવી થઈ ગઈ. गगनात मावेनासा એટલે રાજીના રેડ થઈ જવું, ખુશીની કોઈ સીમા ન રહેવી. मनासारखी नोकरी मिळाल्यामुळे पार्थचा आनंद अगदी गगनात मावेनासा झाला।જોઈતી હતી એવી જ નોકરી મળવાને કારણે પાર્થની ખુશીનો કોઈ પાર ન રહ્યો. इंगा दाखविणे એટલે પાઠ ભણાવવો. मस्तीखोर मुलांना चांगला इंगा दाखविल्याशिवाय ती अभ्यास करीत नाहीत. તોફાની છોકરાઓને પાઠ ભણાવો નહીં ત્યાં સુધી તેઓ સરખી રીતે અભ્યાસ નથી કરતા. उदक सोडणे એટલે ત્યાગ કરવો, પરવા ન કરવી. आपल्या संसारावर उदक सोडून सैनिक देशासाठी रणांगणावर लढत असतात. ઘર – પરિવારનો ત્યાગ કરી સૈનિકો સરહદ પર લડી દેશનું રક્ષણ કરતા હોય છે. ऊखळ पांढरे होणे એટલે ભરપૂર ધનસંપત્તિ મેળવી, ખૂબ કમાણી થવી.या वर्षी प्रवास आयोजकांचे ऊखळ पांढरे झाले।આ વર્ષે ટૂર ટ્રાવેલ્સવાળાને તડકો પડ્યો અને બહુ સારી કમાણી થઈ.
———
गांव की कहावते
ગામડું એટલે શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને ખેતરમાં ઉગાડેલી શુદ્ધ ખાદ્ય સામગ્રી. ગામવાસીઓ પણ સીધાસાદા અને ખુશમિજાજી હોય છે. ગ્રામ્ય વાતાવરણ અને ગ્રામ્ય ભાષાની મહેક અનેરી હોય છે. ગમ્મે એવી મોટી કે ગહન વાત ઓછા શબ્દોમાં અને એ પણ મીઠાશથી કહેવાની આવડત તેમની પાસે હોય છે. રૂઢિપ્રયોગ તેમજ કહેવતના માધ્યમનો ઉપયોગ તેમની વાતમાં નિયમિતપણે જોવા મળે છે. આજે આપણે ગ્રામીણ વિસ્તારની ભાષાની ખાસિયતનો આનંદ લઈએ. પહેલી કહેવત છે जेकर जेतन जतन, वोकर वतन पतन. વધુ પડતી સુખ સગવડ નુકસાનકારક સાબિત થાય એ એનો ભાવાર્થ છે. શ્રીમંત નબીરાનો પુત્ર ઉત્તમ ખાનપાન મળવા છતાં અને સુખ સગવડ મેળવતો હોવા છતાં બીમાર રહેતો હોય અને ગરીબ પરિવારનું સંતાન માટીમાં રમતું હોય, એને સમયસર ભોજન સુધ્ધાં ન મળતું હોવા છતાં એ સ્વસ્થ રહેતું હોય, એને નખમાંય રોગ ન હોય એવી પરિસ્થિતિ દર્શાવવા આ કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે. વધુ પડતી સગવડ હાનિકારક હોય છે. गुरु गुड ही रह गयेन, चेला चीन हो गयेन કહેવતમાં ગોળ અને સાકરની વાત આવે છે. ગળપણમાં સાકર ગોળ કરતા ચડિયાતી હોય છે એ જાણીતી વાતનો આધાર લઈ શિષ્ય ગુરુ કરતા સવાયો સાબિત થયો એ વાત પર ભાર દેવામાં આવ્યો છે. ગુરુ જ્યારે શિષ્યને શિક્ષણ આપે અને એ પ્રાપ્ત કરી શિષ્ય વધુ સફળતા મેળવે ત્યારે આ કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે. काम के ना काज के, दुश्मन अनाज क કહેવત આળસુ વ્યક્તિના લક્ષણ વ્યક્ત કરે છે. ગામ હોય કે શહેર, દરેક ઠેકાણે એવા કેટલાક લોકો હોય છે જે સવાર – સાંજ નિયમિત ભોજન કરી લેવાનું ચુકતા નથી, પણ કામકાજને નામે મીંડું હોય છે. દિવસ આખો ખાતા રહેવું અને ઊંઘતા રહેવું એ જેમનો જીવનમંત્ર બની ગયો છે એવા લોકો માટે આ કહેવત વપરાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -