અરવિંદ વેકરિયા
બીજે દિવસે શો… કપડાં, જે અમિતભાઈનાં નાટક માટે સીવડાવેલા એ મને થાય એમ નહોતા. એક સૂટની જરૂર હતી. મેં મારા લગ્ન વખતનો સૂટ કાઢ્યો, બીજા બે પેન્ટ, બે શર્ટ વગેરે ભેગા કર્યા. બહુ ફેમસ, અંધેરી (ઇસ્ટ) મારા મિત્ર શરદ શાહના “EXPART”કોચિંગ ક્લાસ હતા. ત્યાં એક એકાંકી ભજવેલ. હું અને ભૈરવી મહેતા (હવે વૈદ્ય) મુખ્ય હતા. મુળરાજ રાજડાનું એકાંકી હતું, “પરણવા. મેં એક સામાન્ય ‘કૂતરીવાલો’ની ભૂમિકા ભજવેલી જેમાં મને મસ્ત વી.આઈ.પી. ની બ્રીફ-કેસ ઇનામ રૂપે મળેલી. બ્લ્યુ કલરની હતી. ઉપર જણાવેલ બધા કપડા મેં એમાં ગોઠવી દીધા.
બીજે દિવસે હું શો ઉપર પહોંચ્યો. મને શંકા હતી કે કદાચ દેવયાનીબેન ત્યાં આવી ગયાં હશે. બીક હતી કે કચ્છીમાં તેજપાલ થિયેટરમાં ભજવાયેલ ‘પપ્પાની સેક્રેટરી’માં જે હોબાળો મચાવેલો એવું દ્રશ્ય ફરી નયન ભટ્ટ વિરુદ્ધ ભજવાશે, પણ એવું કઈ થયું નહિ. ખુશ રહેવા માટે અમુક વાતો અને અમુક લોકો ભૂલવા જરૂરી છે, મેં મારું ધ્યાન નાટક “ઘેર ઘેર મમ્મીનું રાજમાં જ પરોવી દીધું.
શો સારો ગયો. લગભગ રાત્રે ૧૦.૪૫ વાગે પૂરો થયો. નયન ભટ્ટે સરસ સંભાળી લીધું. આટલા ઓછા સમયમાં એમણે શો બ-ખૂબી અદા કર્યો. સારા કલાકારોની આ જ તો મજા હોય છે. શો પૂરો થતા ટ્રેઈન પકડી. બધું સેટલ કરી હું થોડો મોડો નીકળ્યો. ઘનશ્યામભાઈ નિર્માતાની કારમાં નીકળી ગયા. મેં વી.આઈ.પી. ની મારી બ્રીફકેસ ટ્રેઈનમાં ઉપર મૂકી નાટક વિષે વિચારતો રહ્યો. મલાડ આવતા જરા આંખ લાગી ગઈ. કાંદિવલી આવતા ગભરાટમાં હું સ્ટેશન પર ઊતરી પડ્યો. પેલી બ્રિફકેસ મારાથી ટ્રેઈનમાં જ ભુલાય ગઈ. ગાડીએ કાંદિવલી સ્ટેશન છોડ્યું અને મને યાદ આવ્યું. ટ્રેઈન તો નીકળી ગયેલી. મેં બીજી બોરીવલી તરફ જતી ટ્રેઈન પકડી. બોરીવલી ઊભેલી ટ્રેઈનમાં તપાસ કરી. ફરતા રેલવેના પોલીસોને પણ પૂછ્યું. પરિણામ શૂન્ય. લગ્ન-દિવસની મધુર યાદ સમો એકમાત્ર સૂટ અને ઇનામમાં મળેલી વી.આઈ.પી.ની બ્રિફકેસ, બંને હાથમાંથી ગયા. સાલું, નસીબમાં અંધારું લખાયું હોય તો ‘રોશની’ નામની છોકરી પણ દગો આપી જાય.
બીજે દિવસે તુષારભાઈનો ફોન આવ્યો. પોતાની પારડીની વાત કરી કહ્યું કે નાટક માટે થોડો સમય રોકાઈ જવું પડશે. મને અને રાજેન્દ્રને તો કોઈ ઉતાવળ હતી જ નહિ. મને તો ખાસ ! ઘનશ્યામભાઈને કારણે હું સળંગ એક જ વસ્તુમાં અટવાય ગયેલો એટલે લાગેલા માનસિક થાક માટે મારે આરામની જરૂર તો હતી જ…
“ઘેર ઘેર મમ્મીનું રાજ નાટકને ‘ફ્લોપ’નું લેબલ લાગી ગયું. આડા-અવળા થોડા શો કર્યા. અમે ક્યારેક હિન્દુજા થિયેટરમાં ભેગા થતા. કૌસ્તુભ, ભૌતેશ, શરદ શર્મા, નટવર પંડ્યા.. લગભગ રોજ મળતા..હું ક્યારેક ટપકતો. તે દિવસે હું હિન્દુજા થિયેટર પહોંચ્યો. થોડીવાર થઇ હશે કે દેવયાની ઠક્કર ત્યાં પ્રવેશ્યાં. “ઘેર ઘેર મમ્મીનું રાજ નાટકના પહેલા શો પછી, પહેલીવાર સન્મુખ પ્રગટ થયાં. એમણે મને સાઈડ પર બોલાવી, પોતાની ભૂલ અને મને પડેલી તકલીફ બદલ માફી માગી. એ જે ફિલ્મ માટે અટકી ગયેલા એ ફિલ્મ-નિર્માતાની હેરાનગતિ કેવી હતી એનો ચિતાર આપ્યો. આર્થિક કેટલો લાભ થયો એ પણ સહજ જણાવ્યું. મેં કહ્યું કે મારા ગુરુ મને કહેતા કે કોઈના વગર કઈ અટકતું નથી. દુનિયા ચાલતી જ રહે છે, અવિરત. ઇટ્સ ઓ.કે. .. મારી થયેલી હેરાનગતિ હું પળમાં ગળી ગયો. બધાને પોતાનાં કર્મોની ખબર જ હોય છે, બાકી ગંગા કાંઠે આટલી ભીડ થોડી હોય? હા…હા… હા…
ત્યારે ખોલી શકાતી ગાંઠ પર મેં કાતરનો ઉપયોગ કર્યો નહીં અને મળ્યા ત્યાર પછી થઇ ગયેલી બિના ક્યારેય ઉખેળી પણ નહિ. મળીએ ત્યારે આંખ મેળવી શકીએ એવા સંબંધ કાયમ રાખ્યા. હવે તો એ દુનિયામાં રહ્યાં નથી પણ જે જગતમાં હશે પ્રભુ એમના આત્માને શાંતિ બક્ષે એવી પ્રાર્થના છે અને કાયમ રહેશે.
હિન્દુજામાં રાજેન્દ્ર પણ હાજર હતો. દેવયાનીબેન સાથેની સકારાત્મક ચોખવટ પછી હું તો શાતા અનુભવતો હતો, કદાચ દેવયાનીબેન પણ અનુભવતાં હશે જ. રાજેન્દ્ર મારા ખભા પર હાથ મૂકી કહે કે ચાલ, ભૂલી જા બધું…કુદરતે આપણને આનંદ આપ્યો છે, દુ:ખ તો આપણી શોધ છે. આપણે એવી શોધના વૈજ્ઞાનિક નથી બનવું, ચાલ નવા નાટકનું વિચારીએ.
અમે બંને હિન્દુજા થિયેટરની બહાર નીકળી સામે આવેલા એક બારમાં બેઠા. ઘેર ઘેર.. નાટકના છુટા-છવાયા એક-બે પ્રાયોજિત શો હતા. બાકી બુકિંગ ઉપર નિરાશાજનક આંકડા નિર્માતાની કમર તોડી નાખતા હતા. નાટક સફળ બને એ માટે મેં પૂરતી કોશિશ કરેલી પણ….ઘનશ્યામભાઈએ મારા પર મૂકેલા વિશ્ર્વાસને હું પુરવાર ન કરી શક્યો એનો
વસવસો ઠેઠ સુધી રહ્યો. આંકડા તમે લખો અને સરવાળા કોઈ બીજું કરી જાય એનું નામ નસીબ. ઘનશ્યામભાઈ પણ નિર્માતા પાસે ખોટા પડ્યાની લાગણી અનુભવતા હશે.
રાજેન્દ્રએ વાત શરૂ કરી કે મેં એક નાટક જેમ્સ હેડલી ચેસ ની વાર્તા ફોર પ્રાઈઝ ટેક ..પરથી લખેલું. જેમાં નરહરિ જાની માટે ‘પરફેક્ટ’ રોલ હતો. તને તો ખબર છે મારા અને ભાભાના સંબંધ. (જાણીને પ્રેમથી ‘ભાભો’ કહેતા…જેમ મને ‘દાદુ’..) મેં ખાસ એને ધ્યાનમાં રાખીને લખેલું નાટક છે. હા, ઘણા સમય પહેલા લખેલું એટલે એના લેખનમાં થોડા ફેરફાર કરવા બેસવું પડશે. વચ્ચે એણે ડ્રિન્કનો ઓર્ડર આપ્યો. પાણી પીધું. શ્ર્વાસ લીધો અને વાત આગળ ચલાવી…
જે રોલ જાની કરી શકે એ તું પણ કરી જ શકે
મેં શંકા કરતા કહ્યું જેમ તારા અને નરહરિ જાનીનાં સંબંધ છે, એમ જાની સાથે મારા ‘બહુરૂપી’ સંસ્થાથી સંબંધ છે. વિજય દત્ત અને લાલુ શાહ જયારે પ્રેમપૂર્વક જુદા થયા ત્યારે વિજય દત્તે પોતાના નવા બેનરમાં ‘ડૉ. અનુરાધા’ રજૂ કર્યું અને લાલુ શાહે ‘બહુરૂપી’નાં નેજા હેઠળ ‘માંડવાની જુઈ’ રજૂ કરેલું. જે વિષ્ણુકુમાર વ્યાસે ડીરેક્ટ કરેલું. લેખક હતા હરિન મહેતા. જેમાં હું અને જાની બંને રોલ કરતા હતા. એ નાટકમાં શ્રી અજીત મર્ચન્ટે પહેલીવાર અનુરાધા પોડવાલ પાસે ગુજરાતી ગીત ગવડાવેલું. ભૂલતો ન હોઉં તો એ વેણીભાઈ પુરોહિતે લખેલું.. મારી વાત લાંબી ચાલત પણ એ અટકાવતા રાજેન્દ્ર કહે ભાઈ, તારી અને જાનીની દોસ્તીનું પુરાણ બંધ કર. જાણીને મેં, હું અમદાવાદ હતો ત્યારે ફોન કરીને પૂછેલું ત્યારે જ એણે મને કહેલું કે દાદુ કરતો હોય તો બિન્દાસ એને કરવા દે, એટલે એ બાબત તું નિશ્ર્ચિંત થઇ જા
મેં કહ્યું કે તુષારભાઈ અઠવાડિયા માટે પારડી ગયા છે. તો રાજેન્દ્ર કહે સરસ..ત્યાં સુધીમાં હું નાટક મઠારી લઈશ..
જીવવું થોડું ને મનમાં શું લેવું?
છે બધું આપણું એ ભ્રમમાં શું રહેવું?