ફેશન -દર્શના વિસરીયા
શર્ટ… પુરુષોના આઉટફિટ્સનો એક અભિન્ન અંગ બની ચૂક્યો છે. મોટાભાગના પુરુષો શર્ટ પહેરે છે, પણ ક્યારેય શર્ટના કૉલર પર ધ્યાન આપ્યું છે? શર્ટનો કૉલર કેવો હોવો જોઈએ? કેવો કૉલર તમારા પર સૂટ થશે? આવા સવાલો ક્યારેય તમે પોતાની જાતને પૂછ્યા છે? નહીં ને? શર્ટ જોયું, કલર ગમ્યો, પેટર્ન ગમી અને ખરીદી લીધી… બસ ને? પણ આવું કરીને તમે તમારી પર્સનાલિટી સાથે કોમ્પ્રોમાઈઝ કરી રહ્યા છો એનો તમને ખ્યાલ છે ખરો? તો હવે જ્યારે પણ નવો શર્ટ ખરીદો તો એના કૉલર પર ચોક્કસ ધ્યાન આપજો, કારણ કે માત્ર શર્ટ જ નહીં પણ કૉલર પણ તમારી પર્સનાલિટીને સૂટ કરવો જોઈએ. બજારમાં એક નહીં અનેક પ્રકારના કૉલરવાળા શર્ટ મળે છે. એમાંથી તમારા માટે કયો શર્ટ બેસ્ટ છે એ જાણવું તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. આવો જોઈએ કયા પ્રકારનો કૉલર તમારા માટે બેસ્ટ છે એ જાણીએ.
શર્ટનો કૉલર પસંદ કરવો એ ખૂબ અઘરું કામ નથી, પણ તેને જોઈને સમજીને શર્ટ ખરીદવો જોઈએ, જેથી તમારો મોંઘો શર્ટ અને લૂક બંનેને ફૂલ માર્ક્સ મળે.
——————-
બટન ડાઉન કૉલર
આ ખૂબ જ કેઝયુઅલ ઓપ્શન છે અને તેને પહેલાં પોલો ખેલાડી પહેરતા હતા. જેમાં કૉલરના ટિપ પર બટન માટે કાણુ રાખવામાં આવતું હતું. અને તેની નીચે શર્ટ પર પણ બટન લગાવેલા હોય છે. આ ફોર્મલ શર્ટની સ્ટાઈલ છે, જેમાં બટન બંધ કરવાની સલાહ આપવામાં આવે છે અને કોઈ પણ પ્રકારના ફેસ શેપ સાથે આ શર્ટ પરફેક્ટલી મેચ કરે છે.
———————
વાઈડ સ્પ્રેડ કૉલર
નામ પરથી જ ખ્યાલ આવી ગયો હશે કે આ કૉલર ખૂબ જ પહોળા હોય છે અને તેની પહોળાઈ ચાર ઈંચથી છ ઈંચ સુધીની હોય છે. ૪૦ ડિગ્રીથી લઈને ૬૦ ડિગ્રી સુધીના આ કોલર પર ટાઈ નૉટ ખૂબ જ સુંદર લાગે છે. આ સિવાય તેની સાથે જાડા મટેરિયલની ટાઈ પણ દિપી ઉઠે છે. જો તમારો ચહેરો પાતળો અને લાંબો છે તો તેના માટે આ કૉલર ટાઈપ એકદમ પરફેક્ટ છે.
——————–
કલબ કૉલર
આ કૉલરનો લૂક રાઉન્ડ હોય છે એટલે સ્મોલ ફેસ કટ ધરાવનારા પુરુષો પર તે ખૂબ જ શોભી ઊઠે છે. આ સ્ટાઈલના કૉલરવાળા શર્ટ પહેરવાને કારણે ચહેરો જરા વધારે મોટો લાગે છે એટલે જો તમને પણ તમારો ચહેરો નાનો લાગતો હોય તો આ ક્લબ કૉલર તમારે એક વખત ચોક્કસ ટ્રાય કરવો જોઈએ.
———————
વાઈડ સ્પ્રેડ કૉલર
નામ પરથી જ ખ્યાલ આવી ગયો હશે કે આ કૉલર ખૂબ જ પહોળા હોય છે અને તેની પહોળાઈ ચાર ઈંચથી છ ઈંચ સુધીની હોય છે. ૪૦ ડિગ્રીથી લઈને ૬૦ ડિગ્રી સુધીના આ કોલર પર ટાઈ નૉટ ખૂબ જ સુંદર લાગે છે. આ સિવાય તેની સાથે જાડા મટેરિયલની ટાઈ પણ દિપી ઉઠે છે. જો તમારો ચહેરો પાતળો અને લાંબો છે તો તેના માટે આ કૉલર ટાઈપ એકદમ પરફેક્ટ છે.
——————–
પોઈન્ટ કૉલર:
આ કૉલર સૌથી વધુ પસંદ કરવામાં આવે છે અને તે એક ઈંચથી ત્રણ ઈંચ સુધી ફેલાયેલો હોય છે, તેમ જ ૫૦થી ૭૦ ડિગ્રીના એંગલનો હોય છે. આ કૉલર ટાઈપ આમ તો રાઉન્ડ ફેસ સાથે વધારે સારો લાગે છે, પણ તેમ છતાં આ એક એવો યુનિવર્સલ ટાઈપ છે કૉલરનો કે કોઈ પણ પહેરે તેના પર તે શોભી ઊઠે છે.
————————
વિંગ કૉલર:
આ કૉલર ફોર્મલ ઈવેન્ટ માટે પરફેક્ટ ચોઈસ છે અને આ કૉલરને તમે બો ટાઈ, નેક ટાઈની સાથે પહેરી શકો છો. આ પ્રકારના કૉલરવાળા શર્ટને કારણે તમને વિન્ટેજ લૂક મળે છે અને કોઈ પણ ફોર્મલ ઈવેન્ટ પર તમે આ શર્ટ પહેરી શકો છો. તમારો લૂક એકદમ પરફેક્ટ લાગશે આ વિંગ કોલરને કારણે.
———————-
કટવે કૉલર:
આ ટાઈપના કૉલર સ્પ્રેડ કૉલર હોય છે, પણ તેના કૉલર પોઈન્ટસમાં ખૂબ જ વધારે અંતર હોય છે. આ અંતર ઘણી વખત છ ઈંચ જેટલું પણ હોય છે. આ કૉલરમાં ઘણી વખત ૧૮૦ ડિગ્રીનો એંગલ પણ જોવા મળે છે અને તેની સાથે જ એક સીધી હોરિઝેન્ટલ લાઈન બને છે.