‘એકલા પ્રવાસ કરવા જવું’ એ એવું કાર્ય છે જે હવે ઘણા લોકોના ટુ ડુ લિસ્ટમાં સામેલ થઇ ચૂક્યું છે. કેટલાય લોકો બસ સામાન પેક કરીને એકલા ફરવા નીકળી પડે છે. એક વાર જે એકલપંથી પ્રવાસનો સ્વાદ ચાખે છે તે વારંવાર આવા પ્રવાસ કરે છે,કારણ કે તેના ફાયદા પણ છે. સોલો ટ્રાવેલિંગનો સૌથી મોટો ફાયદો મળે છે માનસિક સ્વાસ્થ્યને. આ જાતના પ્રવાસથી માત્ર નવો અનુભવ કે લાઇફમાં ચેન્જ જ નથી મળતો પણ મનને ઘણા ફાયદા થાય છે. આ ફાયદા ત્યારે વધુ સમજાય જ્યારે તમે એક વાર આનો અનુભવ કરો.
જ્યારે તમે બહાર ફરવા જાવ છો ત્યારે જાણે-અજાણ્યે નવા સંબંધો બનાવી જ લો છો. આ નવા સંબંધો જૂની માનસિક હેરાનગતિથી વિપરીત બિલકુલ નવી ઘટનાઓ જીવનમાં લાવે છે. આનાથી કશુંક નાવિન્ય જીવનમાં આવે છે સાથે જૂનાં દરદોને ભૂલવાની હિંમત પણ આવે છે. સોશિયલ ઇન્ટરેક્શનથી જિંદગીમાં ખુશીઓ વધારનારા હોર્મોન્સ ઑક્સિટોસિન અને સેરોટોનિનનું પ્રમાણ વધે છે. એકલા હોવ ત્યારે સોશિયલ ઇન્ટરેક્શન વધે જ છે, કારણ કે તમારી આસપાસ વાતો કરવાવાળું બીજું કોઇ હોતું નથી.
એકલા પ્રવાસ કરો ત્યારે તમને મૂલવવા (જજ કરવા) કોઇ આસપાસ હોતું નથી. આવા સંજોગોમાં તમારો ખોવાયેલો આત્મવિશ્ર્વાસ પાછો આવવા લાગે છે. વાસ્તવમાં આપણે જ્યારે મુશ્કેલીમાં હોઇએ છીએ કે દુ:ખી હોઇએ છીએ ત્યારે પહેલો વિચાર એ આવે કે લોકો શું કહેશે? બીજાઓ શું વિચારશે? પણ જ્યારે તમે એકલા બહાર નીકળી ગયા તો અજાણ્યા લોકો વચ્ચે આવી મૂંઝવણ સતાવતી નથી.
સોલો ટ્રાવેલિંગથી જૂના દુ:ખ પાછળ રહી જાય છે, તેને ભૂલવામાં સહાયતા મળે છે. મન તાજગી અનુભવે છે. જૂની સમસ્યાઓમાંથી બહાર નીકળી જવાના રસ્તા મળી આવે છે. અનેક મૂંઝવણોના ઉકેલ જડી આવે છે.
એકલા ફરવા જવામાં બીજો ફાયદો એ છે કે તમે કોઇના ભરોસે ન રહેતા આત્મનિર્ભર બનો છો. તમે પોતે પણ દરેક કાર્યો કરી શકો છો તેવી અનુભૂતિ થશે. તમે એકલા જ તમારા માટે પૂરતા છો તેવી લાગણી થશે. આ સમયે સોલો ટ્રાવેલિંગ અને મેન્ટલ હેલ્થનો સંબંધ તમે વધુ સારી રીતે અનુભવી શકશો. આ ઉપરાંત વધુ પડતા વિચારવાયુ અર્થાત્ ઓવરથિંકિંગથી મુક્તિ મળે છે. જ્યારે જૂની પરિસ્થિતિમાંથી બહાર આવો ત્યારે વિચારતા રહેવા માટે તમારી પાસે ઝાઝું નથી હોતું, જે તમારા મનને ઘણી શાંતિ અને સ્વસ્થતા પ્રદાન કરે છે.