પુણે: એનસીપીના નેતા અજિત પવારે શુક્રવારે મહારાષ્ટ્ર સરકારને પડકાર ફેંક્યો હતો કે 17મી સદીના શાસક સંભાજી મહારાજ અંગેના તેમના નિવેદનો દ્રોહ સમાન હોય તો તેમની સામે ગુનો નોંધવામાં આવે. અહીં ઉલ્લેખનીય છે કે સંભાજી મહારાજને ધર્મવીર તરીકેનું સંબોધન કરવાનો અજિત પવારે ઈનકાર કર્યો હતો અને તેમને સ્વરાજ્ય રક્ષક સંબોધવાની ભલામણ કરી હતી, જેને પગલે તેમની ટીકા કરવામાં આવી રહી હતી.
ગુરુવારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું હતું કે સંભાજી મહારાજ ધર્મવીર નથી એવું કહેવું તે દ્રોહ સમાન છે.
ફડણવીસના આ નિવેદન બાબતે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ભાજપના નેતાઓએ જે કહેવું હોય તો કહેવા દો. તેઓ સત્તામાં છે. જો તમને આમાં દ્રોહ સમાન કશું લાગતું હોય તો મારી સામે ગુનો નોંધો. જુઓ કે તેમાં કોઈ કેસ બને છે કે નહીં.