મુંબઈ: દેશ અનાજ બાબતે આત્મનિર્ભર થઇ ગયો હોવા છતાં ખાદ્યતેલની હજી પણ આપણે આયાત કરવી પડે છે. થોડા સમય પહેલાં જ રાયનાં તેલીબિયાં પર જિનેટિકલી મોડિફાઈડ (જીએમ) સંશોધન કરવામાં આવ્યું છે. આ જીએમ સંશોધનને સરકાર જો પરવાનગી આપે તો આપણે ખાદ્યતેલની આયાત કરવાની જરૂર નહીં રહે. દેશ ખાદ્યતેલની બાબતે સ્વયંપૂર્ણ થશે, એવો વિશ્ર્વાસ એનસીપીના અધ્યક્ષ શરદ પવારે વ્યક્ત કર્યો છે.
યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન તરફથી આપવામાં આવનારા શિક્ષણ, કૃષિ, સાહિત્ય ક્ષેત્રે સ્કોલરશિપનું વિતરણ શરદ પવારની હાજરીમાં રવિવારે મુંબઈમાં થયું હતું. દેશના કૃષિપ્રધાન તરીકે પદભાર સ્વીકાર્યા બાદ મારી પાસે પહેલી જ ફાઈલ અન્નધાન્ય આયાત કરવા સંદર્ભે આવી હતી. દેશમાં ગોડાઉનોમાં અનાજ માટે સ્ટોરેજની ખાતરી કરીને મારે તેના પર નાઈલાજ હસ્તાક્ષર કરવા પડ્યા હતા. ત્યાર બાદ પરિસ્થિતિ બદલાઇ ગઇ. આપણે અનાજ બાબતે આત્મનિર્ભર થયા. જોકે દેશમાં હજી પણ આપણે ખાદ્યતેલની આયાત કરવી પડે છે. આથી કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલા સંશોધનને માન્યતા મળવી જોઇએ. આ હેતુથી જ યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન કેન્દ્રએ સ્કોલરશિપ આપવાનો ઉપક્રમ હાથ ધર્યો હતો.