બોમ્બે હાઈકોર્ટે ICICI બેંક – વીડિયોકોન લોન કેસમાં વીડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂતને વચગાળાની રાહત આપી છે. 1 લાખની રોકડ રકમ રજૂ કર્યા બાદ તેઓ ન્યાયિક કસ્ટડીમાંથી બહાર આવી જશે.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 26 ડિસેમ્બર, 2022 ના રોજ ICICI લોન ફ્રોડ કેસમાં વીડિયોકોન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી હતી. આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિની પણ સીબીઆઈ દ્વારા આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની મદદથી કથિત રીતે ICICI બેંક સાથે છેતરપિંડી કરવાના સંબંધમાં CBI દ્વારા ધૂતની તપાસ કરવામાં આવી રહી છે.
આ કેસ બેંક દ્વારા વીડિયોકોન ગ્રુપની કંપનીઓને મંજૂર કરવામાં આવેલી લોનમાં કથિત છેતરપિંડી અને અનિયમિતતા સાથે સંબંધિત છે.
તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે ICICI બેંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, RBI ગાઈડલાઈન્સ અને બેંકની ક્રેડિટ પોલિસીનું ઉલ્લંઘન કરીને વેણુગોપાલ ધૂત દ્વારા પ્રમોટ કરાયેલ વીડિયોકોનની કંપનીઓને રૂ. 3,250 કરોડની ક્રેડિટ સુવિધાઓ મંજૂર કરી હતી.