ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવ ટોપ પર
દુબઇઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ નવા રેન્કિંગની જાહેરાત કરી છે, જેમાં ભારતીય ઓપનર શુભમન ગિલ વન-ડેમાં બેટ્સમેનોની રેન્કિંગમાં તેના કરિયરના સર્વશ્રેષ્ઠ ચોથા સ્થાને પહોંચ્યો છે. ગિલના સિવાય વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ ટોપ ટેનમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. કોહલીને પણ એક સ્થાનનો ફાયદો થતાં સાતમા સ્થાને પહોંચી ગયો છે જ્યારે રોહિત શર્મા બેટ્સમેનોની રેન્કિંગમાં આઠમા સ્થાને યથાવત છે. આ યાદીમાં પ્રથમ નંબરે પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ છે.
વન-ડેના બોલરની યાદીમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ટોપ ટેનમાં યથાવત છે, જ્યારે આ યાદીમાં સ્થાન મેળવનાર એક માત્ર ભારતીય બોલર છે. તે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ અને ન્યૂ ઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ પછી ત્રીજા નંબરે છે.
દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન એડન માર્કરામ બેટ્સમેનોની યાદીમાં 13 સ્થાનની છલાંગ લગાવીને 41મા સ્થાને પહોંચી ગયો છે અને ઓલરાઉન્ડરોની યાદીમાં 16 સ્થાનનો ફાયદો ઉઠાવીને 32મા સ્થાને પહોંચી ગયો છે. જોહનિસબર્ગમાં ત્રણ મેચની શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાએ નેધરલેન્ડ્સને 2-0થી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડના હેનરી નિકોલ્સ બે સ્થાનની છલાંગ લગાવીને બેટ્સમેનની યાદીમાં 69મા સ્થાને પહોંચી ગયો છે.
ટી-20માં બેટ્સમેનોના રેન્કિંગમાં ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પ્રથમ સ્થાને યથાવત છે. સૂર્યકુમાર યાદવના 906 પોઇન્ટ્સ છે. જ્યારે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં બીજુ સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. બાંગ્લાદેશના બેટ્સમેન લિટન દાસને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં નંબર 21 પર પહોંચી ગયો છે.