વાયુ સેનાના બે યુદ્ધ વિમાન સુખોઈ 30 અને મિરાજ 2000ના અકસ્માતને લઈને અત્યાર સુધીમાં નક્કર કારણ જાણવા મળ્યું નથી. આ બંને વિમાન મધ્ય પ્રદેશના ગ્વાલિયર બેઝથી ઉડ્યા હતા અને મુરૈના જિલ્લામાં અકસ્માત થયો હતા, જેમાંથી એક વિમાનનો કાટમાળ રાજસ્થાનના ભરતપુરમાંથી મળ્યો હતો. આ ગંભીર અકસ્માત અંગે વાયુ સેનાએ ‘કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’નો આદેશ આપ્યો છે, જેમાં આ બંને વિમાન પરસ્પર કઈ રીતે ટકરાયા હતા એની તપાસ કરશે. આ ઉપરાંત, શું વિમાનમાં ટેક્નિકલ ખામી હતી? કઈ રીતે અકસ્માત થયો? અથવા આ અકસ્માતમાં માનવીય ભૂલનું કારણ છે અથવા બર્ડસને કારણે ટક્કર થઈ હતી? એમ એક કરતા અનેક કારણોની તપાસ કરવામાં આવશે.
આ અકસ્માત અંગે કોઈ પણ વાતનો ઈનકાર કરી શકાય નહીં. આ બંને વિમાન ટ્રેનિંગ મિશન પર ફ્લાઈ કરી રહ્યા હતા ત્યારે તેમાં કોઈ દાવપેચનું પણ રિસ્ક હોય છે. વાયુસેનાના જણાવ્યા મુજબ તપાસ કરનારી ટીમને જે કોઈ પણ સાબિતી-પુરાવાઓ મળશે એના આધારે નક્કર મૂલ્યાંકન કરવામાં આવશે. આ અકસ્માતમાં મિરાજના પાઈલટનું મોત થયું હતું, જ્યારે સુખોઈના બંને પાઈલટને પણ ઈજા પહોંચી છે, પરંતુ તેમની સ્થિતિ સ્થિર છે. કહેવાય છે કે મિરાજે 1999માં કારગિલ યુદ્ધમાં એલઓસી પાર કર્યા વિના પાકિસ્તાનના ઘૂસણખોરોના બંકર તોડી નાખ્યા હતા. 2019માં બાલાકોટમાં જૈશના આતંકવાદીઓની છાવણીઓને ધ્વંસ્ત કરી હતી. ઉપરાંત, સુખોઈનો પણ જવાબ નથી. આ બંને વિમાનના અકસ્માતને કારણે કરોડો રુપિયાનું નુકસાન તો થયું છે, પરંતુ એક પાઈલટે જીવ ગુમાવ્યો એ પણ સૌથી મોટો આચંકો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.