પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર શાહવાઝ શરીફ સરકાર પર પ્રહારો કર્યા છે. અને આઈએસઆઈને ખુલ્લેઆમ ચેતવણી આપી છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાન અને આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા, આઈએસઆઈ ચીફ નદીમ અંજુમ વચ્ચે ખુલ્લો વિવાદ ચાલી રહ્યો છે.
ઈમરાને ભારતની વિદેશ નીતિના વખાણ કર્યા છે અને આઈએસઆઈને ખુલ્લેઆમ ચેતવણી આપી છે. ઈમરાને કહ્યું કે હું આઈએસઆઈનો પર્દાફાશ કરીશ. હું કોઈ કાયદો તોડતો નથી. ઈમરાને આર્મી ચીફ બાજવાને મીર જાફર અને દેશદ્રોહી કહીને સંબોધ્યા હતા. ઈમરાને કહ્યું કે હું નવાઝ શરીફની જેમ દેશ છોડીને ભાગવાનો નથી. હું દેશમાં જ છું અને કાયદાનો સામનો કરીશ.
પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પ્રમુખ ઈમરાન ખાન અને પાર્ટીના કાર્યકરોએ લાહોરના લિબર્ટી ચોકથી ઈસ્લામાબાદ સુધી ‘હકીકી આઝાદી લોંગ માર્ચ શરૂ કરી છે, જે દરમિયાન ઇમરાન ખાને લોકોને સંબોધન પણ કર્યું હતું. ઈમરાને કહ્યું- ડીજી આઈએસઆઈ, કાન ખોલીને સાંભળો, હું ઘણું જાણું છું પરંતુ હું માત્ર એટલા માટે ચૂપ છું કારણ કે હું મારા દેશને નુકસાન પહોંચાડવા માંગતો નથી. હું વધુ સારા માટે રચનાત્મક ટીકા કરું છું, અન્યથા હું ઘણું કહી શકું છું.
પાકિસ્તાનમાં ઈમરાન ખાન અને આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા, આઈએસઆઈ ચીફ નદીમ અંજુમ વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઇમરાન બાજવાને ગદ્દાર કહી રહ્યો છે. ઇમરાનના હુમલાનો જવાબ આપવા માટે આઇએસઆઇના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ નદીમ અંજુમે મીડિયા સમક્ષ હાજર થવું પડ્યું હતું. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર કોઇ આઇએસઆઇ ચીફ મીડિયા સમક્ષ આવ્યો છે. આજ પહેલા ક્યારેય કોઈએ કોઈ આઈએસઆઈ ચીફનો ચહેરો સાર્વજનિક બનતો જોયો નથી. આઈએસઆઈના કોઈ વડાએ ક્યારેય પ્રેસ કોન્ફરન્સ કરી નથી કે ક્યારેય કેમેરા સામે આવ્યો નથી. આઇએસઆઇ ચીફ હંમેશા કેમેરાથી દૂર જ રહ્યો છે, પરંતુ નદીમ અંજુમે મીડિયા સમક્ષ આવીને ઇમરાન ખાનને જુઠ્ઠો કહ્યો છે. એક સમયે આર્મી ચીફ બાજવાની નજીક ગણાતા ઇમરાન ખાને આજે બાજવા સામે બાંયો ચઢાવી છે. શાહબાઝ હવે આર્મી ચીફની સાથે ઉભા છે. શાહબાઝ સરકારના ગૃહ અને સંરક્ષણ મંત્રી ઈમરાન પર ગુસ્સે થઈ રહ્યા છે.
પાકિસ્તાનની સેનાએ જાહેરમાં ખુલાસો કર્યો છે કે તેને રાજકારણ સાથે કોઇ લેવાદેવા નથી, કારણ કે કેન્યામાં પાકિસ્તાની પત્રકાર અરશદ શરીફની હત્યા કરવામાં આવી હતી અને ઈમરાને તેની પાછળ સેનાની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા. તેની હત્યાને લઈને પાકિસ્તાનમાં ભારે હોબાળો મચી ગયો છે. 70 વર્ષીય ઈમરાન ખાન 4 નવેમ્બરે ઈસ્લામાબાદ પહોંચવાની યોજના ધરાવે છે. તેમણે તેમની પાર્ટીને વિરોધ રેલી યોજવા દેવા માટે સરકાર પાસેથી ઔપચારિક પરવાનગી માંગી છે.
સરકાર અને સેનાને ઘેરવાની ઇમરાનની રણનીતિના શું પરિણામો આવશે એ જોવું રહ્યું.