માનસ મંથન -મોરારિબાપુ
આ પાવનધરા પર જ્યાં પૂજ્યપાદ-મારી દ્રષ્ટિએ કેવળ પ્રાત:સ્મરણીય જ નહિ, અંતરસ્મરણીય-મહાત્મા ગાંધીનાં જ્યાં ચરણ પડ્યાં છે એ પવિત્ર ધરા પર આજથી રામકથાના પ્રારંભનો વિશેષ આનંદ છે. આ પાવનધરા પર રામકથા પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોને પ્રણામ કરું છું. પૂર્વગ્રહ મટી જાય તો ગાંધી સર્વગ્રાહ્ય છે. બાપુ કહે છે કે મારો ધર્મ સત્ય છે અને એ સત્યરૂપી ધર્મને પામવાનો રસ્તો અહિંસા છે. બાપુ કહે છે કે હું તલવારમાં શ્રદ્ધા નથી રાખતો. મેં ક્યારનો તલવારનો વિચાર છોડી દીધો છે. ક્યાં ગાંધીબાપુ અને ક્યાં મોરારિબાપુ ! પરંતુ વિચારમાં મેળ બહુ બેસે છે. એટલા માટે તો તલગાજરડાના રામમંદિરમાંથી રામના હાથમાંથી પ્રણામ કરીને મેં હથિયાર ઉતારી લીધાં છે કે હવે આપ શસ્ત્ર ન રાખો. હવે આપ આશીર્વાદક મુદ્રામાં ફૂલ ધારણ કરો અને સૌને ખુશ્બૂ પ્રદાન કરો. શસ્ત્રોનો સમય વીતી ગયો છે. ધર્મોમાં હિંમત હોય તો શસ્ત્રોને શાસ્ત્ર બનાવી દે. ઉપનિષદનો મંત્ર આપણે બોલીએ છીએ, ૦ખ/ ૠ૫ઊં -૫’ જો બધા ધર્મના આપણા આચાર્યોમાં આત્મજાગૃતિ આવી જાય તો એ સૌથી નજીક લાગે. જ્ઞેય સ નિત્ય સંન્યાસી…ભગવદ્ ગીતાકાર કહે છે હે, અર્જુન તું એને નિત્ય સંન્યાસી માન જે કોઈનો દ્વેષ નથી કરતો અને પોતે કરેલી સેવાના બદલામાં કોઈ કામના નથી રાખતો. અને એવા સંન્યાસી ગાંધીજી હતા. ગાંધીજીના જીવનની કેટલીક વાતો જે મને ગમે છે તે હું મારી ભાષામાં તમારી પાસે મૂકવાનો પ્રયત્ન કરું છું.
મેં સાબરમતી આશ્રમમાં કહ્યું છે કે ગાંધીબાપુના ચંપલમાં કોઈનોયે પગ પડી શકે નહીં, એમનાં પગમાં કોઈનોયે પગ ન આવે. ફોલ્લા પડે, ડંખ લાગે ! સત્ય-અહિંસાના માર્ગ પર જે પગલાં પડ્યાં તેના પર ચાલવાનો મારે આનંદ લેવો હતો. હું અહીં પ્રતિષ્ઠા માટે નહીં પણ ગાંધીબાપુનાં ચરણોમાં મારી નિષ્ઠા છે એટલે આવ્યો છું. આપણે કથાના માધ્યમથી એ બાપુનું સ્મરણ કરવું જે રામને જીવ્યા. જેમણે લક્ષ્મણની જેમ સમાજમાં નવી નવી લક્ષ્મણરેખાઓનું નિર્માણ કર્યું. આપણાં શાસ્ત્રોમાં મહાત્માનાં લક્ષણો આપ્યાં છે-એ ગાંધીજીમાં પૂરેપૂરાં જોવા મળે છે. ઘણા લોકોને ગાંધીજીને મહાત્મા કહેવામાં તકલીફ પડતી હતી. બાપુ કહેવામાંયે તકલીફ થતી હતી. પણ સત્ય, સત્ય જ રહે છે. એક પુસ્તકમાં મેં વાંચેલું. પુસ્તકનું નામ યાદ નથી. જો મહાત્મા ગાંધી કૃષ્ણના સમય પહેલા અવતર્યા હોત, કુરુક્ષેત્ર હોત, પછી તેમાં ગીતાજ્ઞાન આવ્યું હોત, અને ગીતામાં વિભૂતિયોગ આવત, તો એક નામ ઉમેરવું પડ્યું હોત‘મહાત્મામાં મોહન હું છું.’ હિન્દુસ્તાન કેવું ગૌરવ લઈ શકે, આ પૃથ્વી ગ્રહ કેટલું ગૌરવ લઈ શકે કે મહાત્મા અહીં અવતર્યા. ગાંધીચરણોમાં મારી નિષ્ઠા વ્યક્ત કરવા આ કથા કરું છું. જે સાચા અર્થમાં મહાત્મા હોય છે તેઓ જાગૃતિપૂર્વક આપણી જેમ જીવતા હોય છે. અને એમાં ગાંધીબાપુ બહુ આગળ નીકળી ગયેલા મહાપુરુષ દેખાય છે. આપણી દ્રષ્ટિમાં તેઓ મહાત્મા છે, પરંતુ એમણે પોતે ક્યારેય એવું નથી વિચાર્યું કે હું મહાત્મા છું. ક્યારેક કોઈ કવિ બોલે તો અન્યના આનંદ માટે કહેતા કે, હું મહાત્મા છું. બાકી તો તેઓ સામાન્ય સ્તર પર જ જીવતા. અને સામાન્ય બનીને જીવવું એ જ વ્યક્તિની મોટાઈ છે. તો મેં ‘રામચરિતમાનસ’ના સાત કાંડમાં મહાત્માનાં જે લક્ષણો જોયાં છે એમાં ‘બાલકાંડ’માં હૃદયની આરપારતા એ મહાત્માનું એક લક્ષણ છે. હૃદયની વિશુદ્ધિ, જે એક મહાત્મામાં હોવી જોઈએ. ‘માનસ’નું ત્રીજું સોપાન છે, ‘અરણ્યકાંડ’. ગાંધીબાપુના સંદર્ભમાં એમાં મેં કહ્યું હતું કે તપસ્યા એ મહાત્માનું ત્રીજું લક્ષણ છે. ગાંધીજી એમની પ્રાર્થના સભાઓમાં એમ કહેતા કે મારે સવાસો વર્ષો સુધી જીવવું છે. મારે મરવું નથી, પરંતુ જે પ્રકારનું આજે વાતાવરણ જોઉં છું તો એમ થાય છે કે હું જીવી નહીં શકું ! સાહેબ, મહાત્માપણાનો જેને અનુભવ થયો હોય તે જ આમ કહી શકે. એમણે કહી રાખ્યું હતું કે મારી હત્યા થશે. અને જ્યારે હું મરું ત્યારે જો મારા મુખમાંથી ‘રામ’ નીકળે તો માનજો કે આ વ્યક્તિએ ઉપાસના કરી હતી, મેં સત્યની પૂજા કરી હતી.
બે-ત્રણ વસ્તુ યાદ રાખજો. એક, મારી સમજ મુજબ ગાંધીની ચેતના જાગૃત છે. આ બૂઢો સૂતો નથી,જાગી રહ્યો છે. અને કદાચ સમાધિમાંથી આપણને કહી રહ્યો છે કે જાગતા રહો. બીજી વાત, રાજઘાટ એ રાજધર્મની પાઠશાળા બની શકે છે. અહીં કોઈ એક દિવસની ચર્ચા નથી. મારી આ નવ દિવસની સર્વધર્મ પ્રાર્થના છે. તો આ છે કથાના કેટલાંક બિંદુ અને કથાનું નામ છે ‘માનસ રાજઘાટ’. મારી દ્રષ્ટિએ રાજઘાટનાં પાંચ લક્ષણ છે. એ હું આગામી દિવસોમાં કહીશ મેં જે સવારની પ્રાર્થનામાં વાંચ્યા હતા એ વિચારોનો કાગળ લઈને હું આવ્યો છું. તમને એ કહેવાની ઈચ્છા છે. બાપુના વિચારો આજના વિશ્ર્વમાં કેટલા પ્રાસંગિક છે ! કેટલા મૂળ વિચારો આ મહામાનવે આપ્યા છે ? હું ફરી એક વાર વ્યાસપીઠ પરથી વાંચવા માંગું છું. ધ્યાનથી સાંભળજો.
બાપુ કહે છે, હું બધા ધર્મોના મહાન સંતો અને પયગંબરોમાં વિશ્ર્વાસ કરું છું. રજનીશજી, મને તો લાગે છે કે એક-એક સૂત્ર લઈને હું નવ દિવસ બોલું. અને ‘રામચરિતમાનસ’ નો ક્યાં-ક્યાં સંદર્ભ મળે છે, ક્યાં તુલસી વિશાલ દ્રષ્ટિકોણથી પ્રવેશે છે, એ કહેવાની ઈચ્છા થાય છે. એક, હું બધા ધર્મોના મહાન સંતો અને પયગંબરોમાં વિશ્ર્વાસ કરું છું. હું ઈશ્ર્વરને નિરંતર પ્રાર્થના કરું છું કે મને શક્તિ આપે જેથી જે મને ગાળો આપે છે એના પ્રત્યે પણ ક્રોધ ન કરું. આવું સંત જ બોલી શકે. આવું મહાત્મા જ બોલી શકે. પ્રતિશોધની દુનિયામાં સાધુની જબાન બોલી રહી છે. આગળ કહે છે, એ લોકોનું પણ અહિત વિચાર્યા વિના એમના હાથે જ મરવા માટે તૈયાર રહું. મારા મનમાં ક્યારેય દ્વેષ ન થાય, એમના પ્રત્યે કટુતા ન થાય, પરંતુ એમના હાથે જ મરવા માગું છું. હું દાવો કરું છું કે હિન્દુત્વ સૌનો સમાવેશ કરનારો ધર્મ છે; સૌનો સમન્વય છે. બીજું, ધર્મની રક્ષા એના અનુયાયીઓનાં નેક કાર્યો અને એની પવિત્રતા-શુદ્ધતા દ્વારા જ કરી શકાય છે. અન્ય ધર્માવલંબીઓ સાથે ઝઘડો કરીને ક્યારેય નથી કરી શકાતી. ત્રીજું, જે ઈશ્ર્વરમાં આસ્થા રાખે છે એમના માટે બધા ધર્મો સમાન અને સારા છે. વિભિન્ન ધર્મોમાં માનનારા જ્યારે આપસમાં લડે છે ત્યારે એ પોતપોતાના ધર્મોની જ અવહેલના કરે છે. ચોથું, બધા ધર્મોનો સાર એ છે કે માણસ સૌની સાથે સેવા કરે અને સૌની સાથે દોસ્તી કરે. આ હું મારી માતાના ખોળામાં શીખ્યો છું. સ્વતંત્ર ભારત હિંદુરાજ નહીં હોય, બલ્કે ભારતીય રાજ હશે. એ કોઈ ધાર્મિક સમુદાયની બહુમતી પર આધારિત નહીં હોય, પરંતુ ધર્મોમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના બધા લોકોના પ્રતિનિધિનું રાજ હશે. આવા પાંચ ગાંધીવિચારોને આજના ગાંધીજીના યાદગાર દિન પર વાંચવા માટે લીધા. એક-એક સૂત્ર પર ‘માનસ’ને આધારે ઘણું બધું કહેવાની ઈચ્છા થાય. તો, ગાંધી વિચારને કેન્દ્રમાં રાખીને નવ દિવસ માટે આપણે અહીં એકત્રિત થયા છીએ. આ હતી ‘માનસ-રાજઘાટ’ની નાની એવી ભૂમિકા.
(સંકલન : જયદેવ માંકડ)