મુંબઈઃ વિરોધ પક્ષના નેતા અજિત પવાર ભાજપમાં જોડાશે એના અંગે ઘણી બધી ચર્ચાઓ થઇ રહી છે, જેમાં ગઈકાલે જ સામાજિક કાર્યકર્તા અંજલી દમાનિયાએ દાવો કર્યો હતો કે અજિત પવાર ભાજપમાં જશે. આ દાવાને અજિત પવારે ફગાવી નાખ્યો હતો. આ જ બાબતને આગળ વધારતા રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (એ)ના પ્રમુખ રામદાસ આઠવલેએ કહ્યું હતું કે અજિત પવાર જો મારા પક્ષમાં આવે તો મને ખુશી થશે.
જોકે, રામદાસ આઠવલેએ કહ્યું કે અજિત પવાર ભાજપમાં જોડાશે એમ મને લાગી રહ્યું છે. અજિત પવાર શરદ પવારના ભત્રિજા છે. તેમણે અજિત પવારને અનેક પદ આપ્યાં છે. આ ઉપરાંત અજિત પવાર દેવેન્દ્ર ફડણવીસના સારા મિત્ર પણ છે. એમણે આ પહેલાં શપથ પણ લીધી હતી, પણ જો એ અમારા પક્ષમાં આવે તો મને આનંદ થશે. અને જો એમને મુખ્ય પ્રધાન પદ માટે તક મળશે તો એ તક અમે અજિત પવારને આપશું. આઠવલેના આ વિધાન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરુ થયો છે.
એકનાથ શિંદે વિશેના આદિત્ય ઠાકરેના વિધાન અંગે વાત કરતાં રામદાસ આઠવલેએ કહ્યું કે આદિત્ય ઠાકરેએ કરેલો આક્ષેપ સદતંર ખોટો છે. એકનાથ શિંદે રડ્યાં એટલે ઉદ્ધવ ઠાકરે પડ્યાં એવો કટાક્ષ પણ તેમણે કર્યો હતો. એકનાથ શિંદે મજબૂત માણસ છે એ ક્યારેય રડે નહીં. આટલા બધાં સાંસદો ઉદ્ધવ ઠાકરેને છોડીને એકનાથ શિંદે સાથે ઉભા છે, કારણ કે તેઓ ઠાકરે જૂથથી કંટાળી ગયા હતાં એવી પણ તેમણે ટીકા કરી હતી.