અરવિંદ વેકરિયા
હું નયન ભટ્ટ સાથે રિહર્સલ કરી રહ્યો હતો, પણ વિચારો તો મને દેવયાનીબેનના જ આવી રહ્યા હતા. વિચારતો હતો કે માણસને લેશમાત્ર નાટકનું ટેન્સન નહિ થતું હોય?. એક વાત તો છે કે જીવનની સાચી મજા તો ભોળા અને સાચા લોકો જ લે છે, બાકી બુદ્ધિશાળી અને જુઠાડાઓને તો બોલવા માટે પ્લાન કરવો પડતો હોય છે. હું સાચો હતો છતાં દુ:ખી હતો અને જે બુદ્ધિશાળી હતા એમણે પ્લાન કરી પોતાનું શૂટિંગ ચાલુ રાખ્યું હતું. કોઈ પણ જાતની જાણ કર્યા વગર, ખબર નહિ કે શું પ્લાન હશે એમનો, મને હેરાન કરવાનો? કહેવત છે કે જેનું દુ:ખમાં મુખ હસતું, એના માટે સુખ હંમેશાં સસ્તું. …પણ આ વાત મારે માટે ખોટી જ હતી. મારું મુખ કઇ રીતે હું હસતું રાખી શકું?
આવા બધા આડા-અવળા વિચારો કરી રહ્યો હતો ત્યાં રિહર્સલ હોલ, શાંતિ નિવાસનાં ચપરાસીએ આવીને કહ્યું, અરવિંદભાઈ, કોઈ ખાલતી તુમ્હાલા બોલાવતે. મેં પૂછ્યું કોણ છે? તો મને કહે કે તે માલા માહિત નાહી, દોન માણુસ ગાડી મધી બસલે આહેત.
હું વિચારમાં પડ્યો કે કોણ હશે? જવું તો પડશે. ખરાબ અનુભવે ભલે મગજ તપતું હોય પણ ઉકળાટ બંધ કરવો પડશે નહિ તો ઉભરાઈ જવાશે. વિચારો પડતા મૂકી દાદર ઊતરી કોણ હશે એ વિચાર સાથે નીચે આવ્યો.
સહેજ બહાર આવ્યો તો રોડની સામેની સાઈડ ઉપર ઉભેલી ફિયાટ કારની બારીમાંથી એક હાથ દેખાયો જે મને બોલાવી રહ્યો હતો.
અંધારામાં સામેની બાજુથી મને એમનું મો દેખાયું નહિ. મેં આવું છું કહેવા માટે હાથનો ઈશારો કરી, રોડ ક્રોસ કરી, ઉભેલી ફિયાટ કાર પાસે પહોંચ્યો.
પાછલો દરવાજો ખોલી મને બેસવાનો ઈશારો કર્યો. હું બેઠો ત્યારે ખબર પડી કે બે નામી કલાકારો હતા. સ્ટીયરીંગ હતું કિશોર ભટ્ટનાં હાથમાં, અને એમની બાજુમાં હતા કિશોર દવે. બંને કિશોરો સામે હું તો બાળક હતો. મેં સ્વાભાવિક અને સંસ્કારગત હેલ્લો.. નમસ્તે.. કર્યું. પછી વિવેક કર્યો કે આપ બંને ઉપર આવોને…મારા રિહર્સલ ચાલે છે..
કિશોર ભટ્ટે કહ્યું કે રિહર્સલ બંધ કરી દે. હું હબક ખાઈ ગયો. મેં કહ્યું અમિત દિવેટિયા અને નયન ભટ્ટ રિહર્સલ કરી રહ્યા છે..બંને મારે માટે તમારી જેમ સિનિયર્સ છે અને… મારું વાક્ય અધવચ્ચેથી કાપતા કિશોર દવે બોલ્યા કે દેવયાની ઠક્કરનું રીપ્લેશમેન્ટ નયન ભટ્ટ પાસે કરાવે છે?
મેં કહ્યું હા.. પણ તમને કઈ રીતે ખબર પડી?
તો એ બોલ્યા.. જો દેવયાની ઠક્કર કાલે આવી જાય છે, અને એણે શરુ કરેલું નાટક એ જ કંટીન્યુ કરશે…એનો ફોન હતો કે જરા તપાસ કરો કે મારે બદલે દાદુ કોઈ બીજા સાથે તો રીહર્સલ નથી કરતો ને? અમે બિરલા માતુશ્રીમાં હતા ત્યારે તારા રિહર્સલની ખબર પડી. તને જાણ કરવા આવ્યા છીએ.
મેં મારી આખી કરમ-કહાણી એમને
કહી સંભળાવી. જો કે કહેવી જરૂરી નહોતી. પણ એમની સિનિયારિટીને ધ્યાનમાં રાખીને, હું સિદ્ધાંતિક રીતે સાચો છું એ વાત માંડીને કરી. તો તેઓ મને ખોટો
પાડવા રંગભૂમિના સિદ્ધાંતોની વાત આગળ કરી. મેં કહ્યું કે તમને ફોન કરી અહીં જાસૂસી કરવા માટે મોકલે છે તો એક ફોન મને કે એમના મમ્મીને કરી મેસેજ નથી આપી શકતા? સિદ્ધાંત બંને પક્ષે પળાવા જોઈએ.
નાટકનો ખરાબ થવાનો સમય ન આવે એટલે મેં એમના મેસેજની ખૂબ રાહ જોયા પછી રિહર્સલ શરૂ કર્યા. મારી જગ્યાએ તમે કોઈ નિર્માતા માટે નાટક કરતા હો તો એક દિગ્દર્શક તરીકે તમે શું પગલા ભરો?
મારી આ વાત, મને લાગ્યું કે એમને રુચિ નહિ. વધુ વિવાદને બદલે મને કહે જો દાદુ, રાત ગઈ બાત ગઈ..કાલથી દેવયાની આવે છે એ કરી લેશે. લોકો કેટલું સહેલાઇથી કહી દે છે કે રાત ગઈ, બાત ગઈ એમને કોણ કહે કે એમણે કરેલી વર્તણૂક ભૂલવામાં રાત નહિ નાટકનો ખો નીકળી જાય. મેં મન મક્કમ કરી લીધું હતું કે પગરખાં ભલે બદલ્યા પણ ચાલ તો નહિ જ બદલું. મેં બંને કિશોરોને જણાવી દીધું કે નાટક તો હવે નયન ભટ્ટ જ કરશે. કિશોર ભટ્ટ તરત બોલ્યા.. તો એ સારું નહિ થાય. હું પ્રોડ્યુસર્સ ગીલ્ડમાં તારી ફરિયાદ કરીશ.
ચાલ ઊતર ગાડીમાંથી…. એમને તો મારા નિર્ણયથી પોતાની મિત્ર માટે મને સમજાવી ન શક્યા એનું ખરાબ લાગ્યું હશે પણ..’ ઊતર ગાડીમાંથી..’ એ વાક્ય મને હાડોહાડ લાગી આવ્યું. (એ વખતે પ્રોડ્યુસર્સ ગીલ્ડ અસ્તિત્વમાં હતું. અને બીજું, મારી વિરુદ્ધ કોઈ ફરિયાદ નહોતી થઇ, એ માત્ર વાચકોની જાણ માટે.)
હું પાછો ઉપર રિહર્સલ માટે પહોંચ્યો. સ્વાભાવિક છે ‘કોણ હતું?’ એ જાણવાની બધાને ઇન્તેજારી હોય. ગાડીમાં મને મળવા કોણ આવ્યું હશે?કાર.
અત્યારે ભલે નેસેસીટી ગણાતી હોય પણ એ વખતે ગાડી હોવી એ લક્ઝરી ગણાતી. હું પહોંચ્યો ત્યારે વ્રજલાલ વસાણીના સુપુત્ર દીપક વસાણીને ત્યાં બેઠેલા જોયા. મને કોઈ વાંધો હતો નહિ.. થયું કે અમિત દિવેટિયાને કોઈ કામ અંગે મળવા આવ્યા હશે.
મેં રિહર્સલ ફરી શરૂ કરવાનું કહ્યું ત્યાં અમિતભાઈ મને સાઈડ પર લઇ ગયા. મને કહે..દાદુ, પ્રોબ્લેમ થયો છે..વસાણીકાકાએ આ રવિવારે સાંજે પ્રીત પીયુ ને પાનેતર નાટકનો શૉ રાખ્યો છે. મેં પહેલા પણ તને આવું ક્યારેક થશે એનો ઈશારો તો કરેલો જ હતો.
શૉ તારે કરવો પડશે. મારે એમના ઉપકાર ફેડવા પડે. મેં આજે બપોરે એમની ઓફિસે જઈ બધી વાત તો કરેલી. પણ એ શક્ય ન બન્યું એટલે ખાસ દીપકને એ જાણ કરવા મોકલ્યો છે. સોરી! મારી પરિસ્થિતિ તું સમજી શકશે.
હું ફરી હેબતાઈ ગયો. પણ મન મક્કમ હતું. સડક ક્યારેય સીધી નથી હોતી, થોડી વાર પછી વળાંકો જરૂર આવતા જ રહેછે.
નાટકનું પણ સડક જેવું જ છે. બસ. ધૈર્યની સાથે ચાલતા રહેવું પડે, સુખદ વળાંક કદાચ આવી પણ જાય…..
નથી હોતી અહીં ઊંચાઈ દરેકની એક સરખી,
કોઈ બહાર તો કોઈ અંદર પણ વિસ્તરતું હોય છે…
———
પગાર ઓછો કહીએ તો લોકો ઈજજત નથી કરતા અને વધારે કહીએ તો ઉછીના માગીને ઈજજત કાઢે છે. ખબર નથી પડતી કે ઈજજત બચાવવી કે પૈસા?