Homeઈન્ટરવલઆઈ ઊજળી કથિત દુહા: ઉદ્ભવેલા ભાવને જાળવતું-જીરવતું વૃત્તાંત (ર)

આઈ ઊજળી કથિત દુહા: ઉદ્ભવેલા ભાવને જાળવતું-જીરવતું વૃત્તાંત (ર)

દુહાની દુનિયાનનડૉ. – બળવંત જાની

મેહ-ઉજળીની મૂળ કથા, છેક ઈ.સ. ૧૯૧પમાં જગજીવન કા. પાઠકે ગુજરાતીના દિવાળી અંકમાં ને પાછળથી મકરધ્વજવંશી મહીપમાલા પુસ્તિકામાં મુક્તિ કરેલી. જો કે એમાં બરડા ડુંગર નહીં પણ ઠાંગા ડુંગરામાં ઘટના સ્થળ દર્શાવાયેલ છે. પછીથી મેઘાણીએ સોરઠી ગીતકથાઓમાં જો કે આ બધી દુહામૂલક કથાઓને ‘બેલેડ-કથાગીત’ તરીકેનું નામકરણ મને સમુચિત નથી જણાતું. આનું હકીક્તે કથાગીત સ્વરૂપ એક પદ્યકથા જેવું છે. ઈ.સ.૧૯૩૧માં ત્યારબાદ સંવર્ધિત આવૃતિ ૧૯૭૯, ૧૯૯૩માં મેહ ઉજળીને દુહાબદ્ધ ગીતકથા તરીકે સંપાદિત કરી છે. પણ મને ઓકટોબર ૧૯૭૧ના ઊર્મિ નવરચનાના દીપોત્સવીના ખાસ નારી વિશેષ્ાાંકમાંના રતુદાન રોહડિયા, મણિભાઈ વોરાના લેખો અને જયમલ્લ પરમારના ‘દુહો દશમો વેદ’ ગ્રંથમાંથી મૂળુભાઈ પાલિયા, જયમલ્લ પરમારના સંપાદિત દુહા અને કથાનક પણ પ્રાપ્ત થયા. પછીથી રતુદાન રોહડિયાના ‘ગુજરાતના ચારણી’ સાહિત્યનો ઈતિહાસ, અંબાદાન રોહડિયાના ‘અવગાહન’માંના ‘ચારણ’ ક્વયિત્રીઓ : સત્ય, સમર્પણ અને સાહિત્યનો ‘ત્રિવેણી સંગમ’ લેખનાં સંદર્ભોમાંથી પસાર થઈને ઉજળીકૃત દુહાઓ ઓથરશીપ અને ઓથેન્ટિસિટિ – ર્ક્તૃત્વ અને શ્રદ્ધેયતાની તપાસ માટેનાં ધોરણો દર્શાવતું એક શોધપત્ર તૈયાર કરેલું. એમાં મેહ અને ઉજળીની ખરી મૂળભૂત હકીક્તવાળા કથાંતર્ગત પ્રસંગોને અનુસંગે ચારણી વળોટ અને વાતાવરણ સંદર્ભે કથાને સ્પર્શતા દુહાને મેં ત્રણ ચરણમાં વર્ગીકૃત કરીને ૩૦ દુહાઓ તારવેલા તેમાંના બીજા ચરણ-સોપાનના નવ દુહાઓને આસ્વાદીએ.
બરડાના નેસમાં યુવાન કુમારિકા ઉજળી પોતાનું સર્વસ્વ જેને સમર્પિત કરવા તત્પર છે એ રાજકુંવર મેહજી જાડેજા વડીલોની આમન્યા અને કૂળ સંસ્કારને કારણે ચારણ આઈ સાથે સંપર્ક ન રાખવા મજબૂર બને છે. આ અંગેની પોતાની પરિસ્થિતિને પાઠવતા મેહજીએ કહેલા દુહાઓ પણ પરંપરામાં પ્રચલિત છે. બે-એક અવલોકીએ.
‘તમે છોરું ચારણ તણાં, લાજુ લાજુ લોપાય નૈ;
મન બગાડું અમે, (તો) આભપરો લાજે ઉજળી…’ (૧)
પછી બીજા દુહામાં કહે છે,
‘ચારણ એટલા દેવ, જોગમાયા કરી જાણીએ;
લોહીના ખપ્પર ખપે,(તો) બૂડે બરડાનો ધણી…’ (ર)
આ દુહા વચનને આઈ ઉજળીએ સત્ય માન્યું-જણાતું નથી. ખૂબ રાહ જૂએ છે. એને ઊંડે-ઊંડે શ્રદ્ધા છે. મારા પિતાશ્રીએ મને કુંવરને સોંપેલી.મારો દેહધર્મ તો હવે મેહકુંવરને વરવાનો જ છે, એવું માની-ધારીને પોતે સ્વયં આભપરા નગરે જેઠવાની રાજધાની (ઘૂમલી) આવવા નીકળે છે. મેહજી જેઠવાને ગઢની રાંગેથી-દરવાજેથી સાદ પાડે છે, એમને (મેહજીને) મળવા, મોઢું બતાવવા આવ કહીને પોતાનો પરિચય પ્રારંભે દુહામાં બતાવે છે. એ આભપરેથી ઉજળીઆઈએ કથેલા બીજા ચરણના નવ દુહા પણ ભારે ચોટદાર છે.
‘અમરા કાજની હું ઉજળી, તું ભાણ જેઠવાનો મેહ;
જે દિના પોઢેલ સાથ રે, તે દિનો બાંધેલ નેહ… ’(૧૧)
હું અમરા કાજા ચારણની ઉજળી નામની ક્ધયા, તું ભાણ જેઠવાનો કુંવર મેહ. બેભાન અવસ્થામાં જે દિવસે તને પડખામાં-સાથરે-રાખીને પોઢેલી, ત્યારથી તારા પરત્વે સાચો સ્નેહ મારામાં પ્રગટેલો-બંધાયેલો છે.
‘આભપરે આવી ઉજળી, ચારણ્ય ભૂખી છઉં;
મારી મત મુંજાયેલ, જાઉ ક્સિે જેઠવા…’ (૧ર)
હે મેહજી જેઠવા હું ઉજળી ચારણ્ય ક્ધયા ભુખી-તરસી બરડા નેસથી આભપરે આવી છું. મારી મતિ-વિચારશક્તિ-મુંજાયેલ છે. હવે હું બીજે ક્યાં જાઉ.
‘ઠાંગે રહેતી ઠેઠ, આઘે પણ ઓરે નહીં;
આવ્યું બરડા બેટ, પાંજર દાણેપાણીએ…’ (૧૩)
હું ઠેઠ ઠાંગા વિસ્તાર-પાંચાળ-માં ખૂબ દૂર, જરા પણ નજીક નહીં એમ આઘે રહેતી હતી ત્યાંથી બરડા બેટ વિસ્તારમાં આપણાં લેણદેણને કારણે આ દેહ રૂપી પાંજરું તમ આંગણે પધાર્યું છે.
હકીક્તે બન્નેનાં મિલનની ઘટના ચોમાસામાં બની પછી શિયાળામાં બે-ચાર વખત મેહજી જેઠવા રાજકુંવરનું નેસમાં આવવાનું-મળવાનું બન્યુ હોય. બાદમાં- પછીથી રાજકૂળની આમન્યા, લોકમાનસ સંદર્ભો અને વડીલોનું માન રાખીને પછીથી મળવા આવવાનુંં બંધ કરીને-છાંડીને મૌન થયો, એ સમય ઉનાળાનો છે. અને ચોમાસાના આરંભ પૂર્વે તો ઉજળીઆઈ ઉનાળાના આકરા તાપમાં આભપરા આવવા નીકળી પડેલાં. અર્થાત્ ચોમાસાની મેઘલી રાતના મિલન પછી, છૂટક-ત્રૂટક મુલાકાતોના ત્રણેક મહિનાના બરડા નેસડામાં વિરહ તાપથી તપીને ઉનાળે આભપરે પહોંચે છે. ત્યાં જઈને કથેલા આ દુહા ભારે અસરકારક અને હૃદયદ્રાવક છે. એક વખત મોઢા-મોઢ થવા રડવડતી-કળકળતી, પરબેથી પ્યાસી-તૃષ્ાાતૂર રહી, એવી આઈ ઉજળીનો વિરહી, પીડિત સંદર્ભ એમાં ઉત્કૃષ્ટ રીતે અભિવ્યક્તિ પામેલ છે, તે અવલોકીએ.
‘ઉનાળે અમણેં લાબા દિ સહેવાય નહીં;
તોણ્યું દઈ તમણે જીવતાં રાખો જેઠવા…’ (૧૪)
હે મેહજી જેઠવા, ઉનાળાના આ લાંબા લૂ ઝરતા દિવસો અમારાથી સહેવાતા નથી. અમારી તૂટને-અધૂરપને પૂરી કરીને અર્થાત્ અમને મળીને તમો અમને જીવતાં રાખો.
‘વાડી માથે વાદળાં, મેડી માથે મે;
ઉભી અરદાસા કરું, એક હોંકારો દે…’ (૧પ)
પાણી સુકાઈને વાદળાં બંધાયેલાં છે, મેહજી મેડી માથે બીરાજેલા છે. હું ઊભી-ઊભી વિનવણી-પ્રાર્થના કરું છું મને એક હોંકારો તો ભણો-આપો-દ્યો.
અહીં ઉજળીએ પોતાના સુકાવાથી-વરાળમાંથી વાદળાને વર્ણવવામાં વિરહની ઉત્કટ અવસ્થિતિને મેહ-શ્ર્લેષ્ા-રૂપે આલેખન ર્ક્યું છે એ તથા વ,મ અને પછીના દુહાનું મ, ઉ, ભ વર્ણનું આવર્તન રચીને ઉભી કરેલી વર્ણસગાઈ એમની ક્વયિત્રી પ્રતિભાનો પરિચય કરાવે છે. દુહામાં પહેલી પંક્તિનું પૂર્વાધના ચરણનું તથા બીજી પંક્તિની પહેલી પંક્તિમાં પ્રાસ મેળવવાનું વલણ અને ચારણી-બારાડી
લોકબોલીનો વિનિયોગ ઉજળીના ક્તૃત્વનું પરિચાયક છે.
‘મુંજવમાં તું મેહ, ઊંડા જળમાં ઉતારીને;
મોઢું દેખાડ એહ(મેહ), ભોંઠપ ન દે ભાણના…’(૧૬)
હે મેહજી મને ઊંડા પાણીમાં ઉતારીને હવે મૂંઝવો નહીં, મને તારું મોઢું બતાવ, મને ભોંઠી-લાચાર-ઓશિયાળી-બનાવ નહીં.
‘મરડાઈશ નહીં મેહ, ભાણના અમને ભાળીને ;
નગણાં સાથે નેહ, બોલે નહીં બરડાનો ધણી…’(૧૭)
હે ભાણના મેહજી તમે અમને જોઈને-ભાળીને મોઢું મચકાડો માં. મને લાગે છે કે અમે નગુણા સાથે સ્નેહ-નાતો-બાંધ્યો, હવે એ બરડાનો ધણી બોલતો નથી, બોલાવતો નથી.
‘ઓશિયાળા અમે, ટોડાજલ ટળિયા નહીં;
મેણિયાત રાખ્યા મેહ, જામોકામી જેઠવા…’(૧૮)
હે જેઠવાજી અમને ઓશિયાળા, સદાય ટોડલાને ટેકે અડકી ઊભા રહેનારાં આશ્રિત જેમ જ દયામણાં રાખ્યા.મને મેણાં ખાનારી કરી મૂકી.
‘બાળોતિયાના બળેલ, થાનું માંયે ઠર્યા નહીં;
તેને તરછોડયા તમે, જામોકામી જેઠવા…’ (૧૯)
હું નાનપણથી જ બળેલ-દુ:ખી-હતી. બચપણમાં માનું દૂધ પણ પામી શકી નહોતી. તેને હે જેઠવાજી તમે તરછોડયાં-તરફડાવ્યાં.
આભપરેથી કથેલા બીજા ચરણના આઈ ઉજળીના આ દુહાઓ ભારે હૃદયદ્રાવક છે. એની વેદનશીલ અવસ્થિતિ એમાંથી એ દ્રવેલ-ટપકેલ છે. રાજકુમારની પરિસ્થિતિ પણ ભારે કરુણ છે. એના દ્વારા ઉજળીને તરછોડી કે ત્યાગ કરી દીધો હોય એવું પણ નથી. પોતાને જીવતદાન આપનાર, ઉજળીએ ભવિષ્યને હોડમાં મૂકી દીધેલુંં. આવી ચારણ યોવનાનો વિલાપ, ભાવકને કરુણનો અનુભવ કરાવે છે. બન્ને ચરિત્રોની કરુણ અવસ્થિતિ છે એનાથી ભાવક અવગત હોઈ એમ્બિવલન્સનો ભાવ પ્રગટે છે.
કુંવર મેહજી ન મળ્યા એનો વસવસો કદાચ ઉભય પક્ષ્ો છે. પણ અહીં તો દારુણ અને દુર્નિવાર વેદનશીલ સ્થિતિમાં શ્ર્વસતી નાયિકા અને એનું ભાવવિશ્ર્વ કેન્દ્રસ્થાને છે. ક્યાંય શરીર સુખની, શૃંગારની છાંટ નથી. નર્યો સંયમ, નર્યું સમર્પણભાવથી સભર પણ દુ:ખી વ્યક્તિમત્તા, ભાવક હૃદયને પણ ભીંજવી જાય છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -