પીઢ નેતા ગુલામ નબી આઝાદે બુધવારે એક સ્ટેટમેન્ટ આપતાં કહ્યું હતું કે મેં કોંગ્રેસ છોડી એ માટે પ્રાથમિક કારણ રાહુલ ગાંધી હતાં. જેમના કારણે માત્ર મેં નહીં પણ અનેક લોકોએ કોંગ્રેસ છોડી છે. તેમણે દાવો કર્યો કે દેશની સૌથી જૂની પાર્ટીમાં જો તમારે રહેવું હોય તો તમારે સ્પાઇન લેસ થવું પડે. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી કે મલ્લિકાર્જુન ખડગે કોઇ હવે તેમને મનાવીને કોંગ્રેસમાં પાછા નહીં લાવી શકે.
આઝાદે ભાર આપીને કહ્યું કે પોતે રાહુલ ગાંધી પણ જો તેમને પાછા આવવાનું કહેશો તો કદાચ એ ખૂબ મોડા પડ્યાં હશે. કોંગ્રેસમાંથી અલગ થઇને પોતાની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (ડીપીએપી) બનાવનાર આઝાદે કહ્યું કે આજકાલ રાજકારણમાં કોઇ અછૂત નથી. પોતે સરકાર બનાવવા કોઇ પણ પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે. તેમણે ભારતીય જનતા પાર્ટી સાથેના ગઠબંધનની વાતને પણ નકારી નથી.
આ તમામ વાતો ગુલામ નબી આઝાદે તેમના પુસ્તક આઝાદ : એન ઓટોબાયોગ્રાફિના વિમોચન પ્રસંગે બોલ્યા. તેઓ બોલ્યા કે ટ્વીટરના માધ્યમથી કામ કરનારા નેતાઓની સરખામણીમાં તેઓ 2000 ટકા વધુ કોંગ્રેસી છે. જ્યારે તેમને પૂછવમાં આવ્યું કે શું રાહુલ ગાંધી કોંગ્રેસ છોડવા પાછળનું કારણ છે? તો એમણે જવાબ આપ્યો કે, હા, માત્ર મારા માટે નહીં પણ ડઝનથી વધારે યુવા અને પિઢ નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળનું કારણ રાહુલ ગાંધી જ છે. જો તમારે કોંગ્રેસમાં રહેવું હશે તો તમારે સ્પાઇન લેસ બનવું પડશે.
જ્યારે પૂછવામાં આવ્યું કે જો સોનિયા ગાંધી તેમને કોંગ્રેસમાં પાછા આવવાનું કહે તો તેઓ જશે તો તે બોલ્યા કે જો સોનિયા ગાંધીના હાથમાં આ બધી વાતો હોત તો અમે કોંગ્રેસ છોડી જ ન હોત. સોનિયા ગાંધી કાંઇ જ નક્કી કરી શકતાં નથી.