દિલ ચાહતા હૈ -પાર્થ દવે
દિવંગત અભિનેતા ઇરફાન ખાનની અદાકારી અને ભાવસભર આંખો હંમેશાં સિનેચાહકોના દિલોદિમાગમાં અકબંધ રહેશે. ૭ જાન્યુઆરીએ ઇરફાન ખાનની જન્મતિથિ પર સૌએ તેમને અંજલિ આપી અને સૌથી વધારે કોઈના શબ્દોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હોય, તો એ ઇરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન છે. બાબિલ ખાન સોશિયલ મીડિયા પર અવારનવાર ઇરફાન ખાનની યાદોં શેર કરે છે અને ચાહકોને દરેક વખતે જુદા જ ઇરફાન વિશે જાણવા મળે છે. બાબિલે જાણીતાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘કલા’થી ઍક્ટિંગ ડેબ્યુ કર્યું છે અને આ ફિલ્મમાં પણ તેને જોઈને ઘણાંને ઇરફાન ખાનની યાદ આવી ગઈ હશે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન બાબિલે પોતાના પિતાના મૃત્યુ અંગે ભાવુક કરનારી વાત કહી હતી. બાબિલ ખાન કહે છે કે, ‘પપ્પાના મૃત્યુના પહેલા દિવસે મને બિલકુલ વિશ્ર્વાસ નહોતો આવ્યો. એક અઠવાડિયું પૂરું થયું અને ત્યારે મેં સ્વીકાર્યું કે આવું કંઈક થયું છે અને હું સાવ ભાંગી પડ્યો. લગભગ ૪૫ દિવસ સુધી મેં પોતાને રૂમમાં બંધ કરી નાખ્યો હતો.’ બાબિલે ઉમેર્યું કે, એ દિવસોમાં તેઓ એટલું બધું શૂટ કરતા હતા કે લાંબા શૂટિંગ શેડ્યુલ પર જતા રહેતા. જ્યારે તેમનું મૃત્યું થયું ત્યારે મેં પોતાને સમજાવાનો પ્રયત્ન કર્યો કે તેઓ શૂટિંગ પતે એટલે પાછા ફરશે. અને ધીમે-ધીમે મને સમજાયું કે તેઓ એવા શૂટિંગ પર ગયા છે જ્યાંથી તેઓ ક્યારેય પાછા નહીં ફરે. મેં મારો સૌથી સારો મિત્ર ગુમાવ્યો.’ બાબિલે એવું પણ કહ્યું કે હવે પિતાની યાદ તેને વધુ પોઝિટિવ બનાવે છે.
——-
મીત હુડ્ડાનું પાત્ર વધુ મજબૂત થવાનું છે: આશી સિંહ
હાલ ચાલી રહેલા શો ‘મીત’માં એક વર્ષનું લીપ જોવા મળવાનું છે. મીત હુડ્ડાનું મુખ્ય પાત્ર અભિનેત્રી આશી સિંહ ભજવે છે. સિરિયલનું આ લીપ પણ ટ્વિસ્ટ સાથે જોવા મળશે. એક આતંકવાદી હુમલા બાદ શોમાં એક વર્ષનો ગેપ બતાવવામાં આવશે. મીત હુડ્ડાના પ્રેમી તરીકે મીત અહલાવત છે, જે પાત્ર અભિનેતા શગુન પાંડે ભજવે છે. એક ઇન્ટરવ્યૂમાં આશી સિંહ કહે છે, આ શોમાં આતંકવાદી ઘટના બાદના, એક વર્ષનો લીપ દેખાશે. તેમાં મીત પોતાના પ્રેમી મીતને ગુમાવી ચૂકી છે. મીત હુડ્ડાનું મારું પાત્ર હવે વધુ મજબૂત જોવા મળશે. તે પોતાના સ્વર્ગસ્થ પતિની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરવા ફેક્ટરી ખોલવા માગે છે.
અભિનેતા શગુન પાંડેએ જણાવ્યું હતું કે મારું પાત્ર મૃત્યુ પામે છે. એટલે દર્શકો બે મિત વચ્ચેની કેમેસ્ટ્રી મિસ કરશે. જોકે, આવનારા એપિસોડ્સમાં રસપ્રદ વળાંકો જરૂર જોવા મળશે.
———
રોહિત શેટ્ટીને લાગ્યો બીજો આંચકો!
એક તો રોહિત શેટ્ટીની ‘સર્કસ’ ફિલ્મ ઊંધા માથે પટકાઈ છે. અને બીજી ઘટના ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ નામ’ની વેબ સિરીઝના શૂટિંગ દરમ્યાન બની, જે સિદ્ધાર્થ મલ્હોત્રાએ શેર કરી..
દમદાર ઍક્શન અને કોમેડી ફિલ્મો બનાવવા માટે જાણીતાં ફિલ્મમેકર રોહિત શેટ્ટી હાલ બે કારણોસર ચર્ચામાં છે. એક તો તેમની ફિલ્મ ‘સર્કસ’ની કોઈ ચર્ચા નથી એટલા માટે અને બીજું શૂટિંગના સેટ પર થયેલી ઈજાને કારણે. રોહિત શેટ્ટીએ રણવીર સિંહ સહિતની મસમોટી કાસ્ટને લઈને બનાવેલી ‘સર્કસ’ ઊંધામાથે બોક્સ ઑફિસ પર પટકાઈ છે અને તેના ગીત સુદ્ધાંની કોઈ નોંધ લેવાઈ નથી એટલે મેકર્સ સહિત સૌને આંચકો લાગ્યો છે. બીજો આંચકો રોહિત શેટ્ટીને હૈદરાબાદમાં ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ નામની વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન લાગ્યો. રોહિત શેટ્ટી હાલ સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી, વિવેક ઓબેરોયને ચમકાવતી સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સ’નું શૂટિંગ કરી રહ્યા છે. આ સિરીઝથી રોહિત શેટ્ટી ડિજિટલ ડેબ્યુ કરવાના છે. એક ડિરેક્ટર તરીકે, ખાસ કરીને ઍક્શન સીન્સ માટે રોહિત શેટ્ટી સેટ પર કેટલા ઉત્સુક અને ઇન્વોલ્વ રહે છે તેનો વીડિયો અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ થોડા સમય પહેલા શેર કર્યો હતો. સ્ટંટને પડદા પર બખૂબી દર્શાવવા માટે રોહિત શેટ્ટી પોતે પણ એટલો જ રસ લે છે અને હૈદરાબાદમાં કાર સ્ટંટના શૂટિંગ દરમિયાન તેમને આંગળીઓમાં ઈજા પહોંચી હતી. જો કે, હૉસ્પિટલાઈઝ્ડ થયાના ૧૨ કલાકની અંદર જ તેઓ સેટ પર પાછા ફર્યા અને કામ શરૂ કર્યું.
તેમના આ કમિટમેન્ટની દાદ આપતાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ રોહિત શેટ્ટી સાથેનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં રોહિતે હાથમાં પાટો બાંધ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા કહે છે કે, ઓરિજનલ ઍક્શન માસ્ટર આપણી સાથે છે. ગઈ કાલે તેમની સાથે દુર્ઘટના થઈ હતી. અમે રોહિત સર સાથે શૂટિંગ કરવા સેટ પર આવી ગયા છીએ. હજુ તો ૧૨ કલાક પણ નથી થયા અને સર સેટ પર આવી ગયા. રોહિત શેટ્ટી કહે છે કે, ‘મને વધુ કંઈ નથી થયું. બસ બે ટાંકા આવ્યા છે. મારા માટે પ્રાર્થના કરનાર તમામ લોકોનો આભાર.’ સિદ્ધાર્થ મલ્હોત્રાએ કેપ્શનમાં લખ્યું હતું કે, સર, તમે દરેક માટે પ્રેરણા છો.