ફિફા વર્લ્ડ કપ 2022ના વિજેતા આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીએ એવો સંકેત આપ્યો છે કે સમગ્ર ફૂટબોલ જગતમાં ખળભળાટ મચી ગયો છે. કેટલાક સમયથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે FIFA વર્લ્ડ કપ 2022 લિયોનેલ મેસ્સીના કરિયરનો છેલ્લો વર્લ્ડ કપ બની શકે છે. મેસ્સીએ 2022નો વર્લ્ડ કપ જીતીને પોતાનું સપનું પૂરું કર્યું હતું.
એક ઈન્ટરવ્યુમાં વાત કરતા, ફૂટબોલ લેજેન્ડ લિયોનેલ મેસ્સીએ કહ્યું- “આખરે મારી કારકિર્દીનો અંત આવી ગયો છે. સાચું કહું તો આ એક ક્લોઝિંગ સાયકલ છે. આખરે મેં મારી રાષ્ટ્રીય ટીમ સાથે જે જોઈતું હતું તે હાંસલ કર્યું. મારી આંખોમાં વર્લ્ડ કપ જીતવા માટે હંમેશાએક સપનું હતું. મેં મારી કારકિર્દીમાં હવે બધું જ હાંસલ કર્યું છે. વિશ્વ કપ જીતવો એ મારી કારકિર્દીનો અનોખો અંત હતો,” એમ મેસ્સીએ ઐતિહાસિક ટ્રોફી જીત્યાના એક મહિના બાદ ફાઈનલ વિશે વાત કરી હતી અને સાથે તેણે નિવૃત્તિનો સંકેત પણ આપ્યો હતો.
મેસ્સીએ આગળ કહ્યું હતું કે, “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારી સાથે આવું કંઈક થશે. મને કોઈ ફરિયાદ નથી અને હું બીજું કંઈ માંગતો નથી. અમે 2021માં કોપા અમેરિકા અને પછી 2022માં ફિફા વર્લ્ડ કપ જીત્યા, હવે મારા માટે કંઈ નથી બાકી રહ્યું.” મેસ્સીએ ક્લબ ફૂટબોલમાં ઘણી ટ્રોફી જીતી છે, જેમાં ઘણી યુઇએફએ ચેમ્પિયન્સ લીગ ટ્રોફીનો સમાવેશ થાય છે, ઉપરાંત કોપા અમેરિકા, ઓલિમ્પિક્સ અને વર્લ્ડ કપ બધું જ જીત્યું છે.
મેસ્સી 35 વર્ષનો છે. તેણે સ્થાનિક ક્લબ ગ્રાન્ડોલી માટે પાંચ વર્ષની ઉંમરે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું. મેસ્સીએ 1995માં તેના વતન રોઝારિયોમાં નેવેલના ઓલ્ડ બોયઝ માટે રમવાનું શરૂ કર્યું હતું. હજી પણ મેસ્સીનો ફૂટબોલ પ્રત્યેનો જુસ્સો ઓછો થયો નથી.
આગામી ફૂટબોલ વર્લ્ડ કપ વર્ષ 2026માં યોજાવાનો છે. હવે જોવાનું રહેશે કે મેસ્સી શું નિર્ણય લે છે. તેમના તરફથી નિવૃત્તિ અંગેની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સંકેત ચોક્કસ મળી ગયા છે.