ગરબા રસિકો અને ખેલૈયાઓમાંથી ભાગ્યે જ કોઇ હશે જે નૈતિક નાગડાને ઓળખતા ન હોય.
આજે આપણે ‘દાંડિયા કિંગ’ નૈતિક નાગડા અને એના પપ્પા વિશેની વાત કરવાના છીએ
પ્રિય પપ્પા… -નૈતિક નાગડા
સામાન્ય ઢોલક-તબલાવાદકથી ‘દાંડિયા કિંગ’ સુધીની મારી સફર ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહી. અમારું મૂળ વતન કચ્છનું સનોસરા ગામ. મને બચપણથી જ સંગીતનો શોખ હતો. તેથી નાનપણથી જ હું થાળી, તપેલા, ડોલ, ચમચી વગેરે પર તાલબદ્ધ વગાડતો. એમ કરતા-કરતા ઢોલક અને તબલાં વગાડતાં શિખ્યો. કલ્યાણજી-આનંદજીભાઇ કચ્છી અને અમે પણ કચ્છી એટલે એમની ઓળખાણ કાઢીને તેમને મળ્યાં. તેમણે મારી અંદર રહેલી ક્ષમતાને પારખી અને ‘લિટલ વન્ડર્સ’માં એમના ગ્રુપમાં મને મ્યુઝિશિયન તરીકે કામ આપ્યું. એમની સાથે મેં આશરે ૩૫૦થી ૪૦૦ શૉ કર્યાં છે. તેમના દ્વારા મારા સંગીતમય સફરની શરૂઆત થઇ. શૉની સાથે-સાથે મારું ભણવાનું પણ ચાલુ જ હતું.
જ્યારે મારા પપ્પાનું અવસાન થયું હતું, ત્યારે હું માંડ ૭-૮ વર્ષનો હોઇશ. પપ્પાના અવસાન બાદ અમે કપરા સમયમાંથી પસાર થઇ રહ્યા હતા. મમ્મી એની રીતે મહેનત કરતાં અને અમે (હું અને મારો ભાઇ) પણ શો કરતાં રહેતા. એ સમયે શોમાં પૈસા ખૂબ જ ઓછા મળતા હતા. શોમાં આવવા-જવા માટે અમને કોઇ ખાનગી વાહન પરવડી શકે એવી અમારી આર્થિક પરિસ્થિતિ નહોતી, તેથી લોકલ ટ્રેન કે બસમાં જ મુસાફરી કરતા. અમારી સાથે ઢોલક, તબલા તથા અન્ય વાજિંત્રો હોય એટલે લોકલ ટ્રેનમાં અમને સામાન્ય ડબ્બામાં પ્રવાસ કરવા દેવામાં આવતો નહોતો. સામાન્ય લોકો માટે અમારા એ વાજિંત્રો લગેજ હતાં, જ્યારે અમારા માટે એ વાજિંત્રો ‘સરસ્વતિ’ હતાં. લગેજ ડબ્બામાં ખૂબ જ દૂર્ગંધ આવતી હોવા છતાં, પણ અમારે એમાં મુસાફરી કરવી પડતી હતી, કારણ કે અમારી પાસે અન્ય કોઇ ઓપ્શન જ નહોતો. હું લોકોનો અપીલ કરવા માગું છું કે ટ્રેનમાં જો કલાકાર કોઇ વાજિંત્રો સાથે મુસાફરી કરતો હોય તો મહેરબાની કરીને એને સહયોગ આપજો. એ કંઇ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો હશે એ તમને ખબર નહીં હોય. હું મારા સંઘર્ષના એ દિવસો યાદ રાખીને આગળ વધ્યો છું, એના કારણે સફળતા મળ્યા બાદ પણ હું એકદમ સરળ રહી શકું છું.
ઢોલ અને તબલાં શીખવા માટે મેં કોઇ પ્રકારની તાલીમ લીધી નથી. એ મારામાં કુદરતી જ આવ્યું છે. મેં કોઇ પાસેથી કોઇ પ્રકારની તાલીમ લીધી નથી. પહેલાં હું ફક્ત ઢોલ અને ઢોલક જ વગાડતો હતો. હાલમાં હું પંદરથી વીસ પ્રકારનાં વાદ્યો વગાડી શકું છું. એના માટે પણ મેં કોઇ પણ પ્રકારની તાલીમ લીધી નથી. હું એવું માનું છું કે કદાચ મારી સફળતામાં મારા પપ્પાના પરોક્ષ અને મમ્મીના પ્રત્યક્ષ આશીર્વાદ કામ કરી ગયા છે. પપ્પાના અવસાન સમયે હું ખૂબ જ નાનો હતો. તો એમની સાથેની યાદો બહુ ઓછી અને ધૂંધળી છે. પણ મને યાદ છે કે પપ્પાનો ધીકતો ધંધો હતો. અમારી પાસે તમામ એશોઆરામનાં સાધનો હતાં, પરંતુ એમના અવસાન બાદ રાતો રાત અમારું જીવન બદલાઇ ગયું.
વર્ષ ૨૦૦૯ મારા માટે ટર્નિંગ પોઇન્ટ સમાન સાબિત થયો. એ વર્ષે ‘એમટીવી’ ચેનલ પર બેન્ડ બેઝ (મ્યુઝિશિયન માટે) ‘રોક ઓન’ નામનો રિયાલિટી શૉ આવ્યો હતો. એ વિશે મને મારી ગર્લ ફ્રેન્ડ ઇશિતા, જે હાલમાં મારી પત્ની છે તેણે મને જણાવ્યું હતું. સામાન્ય રીતે બેન્ડ કમ્પિટિશન કહીએ એટલે મગજમાં પહેલો જ વિચાર ડ્રમ, ગિટાર વગેરે વાદ્યોનો આવે પણ ભારતીય વાદ્ય ઢોલ, ઢોલક કે તબલાં એ બધુ ન આવે. ઇશિતાએ ‘રોક ઓન’ શૉમાં જવા માટે મને પ્રોત્સાહિત કર્યો. જૂન-જુલાઇમાં ભર વરસાદમાં પ્રથમ મેગા ઑડિશન હતું. ત્યાં સાતસો લોકો ઓડિશન આપવા માટે આવ્યા હતા. એમાંથી સો જણા સહિત મારું સિલેક્શન થયું. ત્યારબાદ ગાલા રાઉન્ડમાં અલગ-અલગ સંગીત ક્ષેત્રમાંથી કૈલાશ ખેર (ગાયક), રામ સંપત (સંગીતકાર) અને નિખિલ ચિન્નપ્પા (ડિજે) જજ તરીકે હતા. એમાં પણ હું સિલેક્ટ થયો અને ‘રોક ઓન’ની મારી સફર શરૂ થઇ. ફાઇનલમાં ‘એમ ટીવી રોક ઓન વિનર’નું ટાઇટલ હું જીત્યો. એના કારણે નેશનલ ટેલિવિઝન પર મારો ચહેરો જાણીતો થયો. લોકો મને ઓળખતા થયા. કૈલાશ ખેરજીના બેન્ડ સાથે મેં દસ વર્ષ કામ કર્યું. આ પહેલાં સમાજમાં મારા ઢોલ વગાડવાના વ્યવસાયને લોકો ગંભીરતાથી લેતા નહોતા પણ સફ્ળતા મળતા લોકોનો મારા તરફ જોવાનો નજરિયો બદલાઇ ગયો. હવે એ જ લોકો તેમનાં સંતાનોને ઢોલ શિખવાડવા માટે મારી પાસે લઇને આવે છે.
પપ્પાના અવસાન પહેલાં અમારી જીવનશૈલી ખૂબ જ ધનાઢય હતી. તેમના મૃત્યુ બાદ અમારે શૂન્યમાંથી સર્જન કરવાનું હતું. અમે એક ભાઇ અને મમ્મી સાથે ભોપાલથી મુંબઇ શિફ્ટ થયા. એ વખતે આર્થિક ઉપાર્જન માટે અમારી પાસે અન્ય કોઇ સાધનો ન હતાં. તેથી મારા મમ્મી ખાખરા, ચકરી, શરબત વગેરે જેવા અન્ય નાસ્તા બનાવતા. અમે મમ્મીને નાસ્તો બનાવવામાં મદદ પણ કરતા અને તે વેચવા પણ જતા હતા. પપ્પાના અવસાન બાદ મારા મમ્મીએ અમારો ઉછેર કરવામાં અને અમારું જીવન સારું બને એ માટે ખૂબ જ મહેનત કરી છે.
મારું પણ ધીરે-ધીરે નામ થતા ૨૦૧૦થી હું મારું પોતાનું ગ્રુપ બનાવીને ઘાટકોપરમાં નવરાત્રીમાં ગરબા કરતો થયો. ત્યારપછી એક-બે વર્ષની અંદર ઘાટકોપરમાં અન્ય બે-ત્રણ દિગ્ગજ લોકોના પણ ગરબા થવા લાગ્યા, એના કારણે લોકોમાં ચર્ચા થતી હતી કે આ બધા દિગ્ગજોની વચ્ચે હું ટકી નહીં શકું, પરંતુ થયું એનાં કરતાં ઊલ્ટું. હું જ્યાં ગરબા કરતો એ મેદાન હાઉસફૂલ થવા લાગ્યા અને ખેલૈયાઓ ગરબા રમવા માટે અંદર આવવા માટે બહાર રાહ જોતા, પરંતુ ભીડ એટલી બધી રહેતી કે અમારે ખેલૈયાઓ માટે એન્ટ્રી બંધ કરી દેવી પડી હતી એટલી ભીડ ઊમટી હતી. રોજ આશરે દસથી પંદર હજાર ખેલૈયાઓ ગરબા રમતા. ત્રીજે કે ચોથે નોરતે સવારમાં હું ઊઠયો અને પેપર હાથમાં લીધું તો પેપરના હેડિંગમાં મારા માટે ટેગ લાઇન હતી ‘રાઇઝિંગ સ્ટાર હેઝ બીકમ એ ન્યુ દાંડિયા કિંગ’ (ઊભરતો કલાકાર આજનો ‘દાંડિયા કિંગ’). આ નામ મને જનતા જનાર્દને જ આપ્યું છે. પપ્પાના આશીર્વાદ પણ મારી સાથે જ છે એવો અહેસાસ મને હંમેશાં થતો રહે છે.