અમદાવાદમાં કાળઝાળ ગરમીએ શહેરને બાનમાં લેતા શહેરમાં બીમારીનું પ્રમાણ વધી રયું હતું. બુધવારે ઈમરજન્સી સર્વિસ 108ને ગરમી સંબંધિત બીમારીના 192 ફોનકોલ્સ આવ્યા હતા. રાતના સમયના આઠ કલાકને બાદ કરતાં દર છ મિનિટે સરેરાશ એક કૉલ દર કલાકે 11 કૉલ કરવામાં આવ્યા હતા.
જોકે આખા ગુજરાતમાં સરેરાશ જોઈએ તો દર 1.4 મિનિટે એક ગરમી સંબંધિત ઈમરજન્સી કોલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
અમદાવાદમાં ગુરુવારે મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચતાં તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થયો હતો. ગરમી-સંબંધિત બીમારીમાં કે પેટમાં દુખાવો એ સૌથી સામાન્ય ફરિયાદ હતી, ત્યારબાદ બેભાન થઈ જવું, ઉલટી અથવા ઝાડા, ખૂબ તાવ અને માથાનો દુખાવો વગેરેની ફરિયાદો થઈ હતી. ગુજરાતમાં મે મહિનામાં અત્યાર સુધીમાં હીટસ્ટ્રોકના 12 કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, ત્યારબાદ કેશોદમાં 44.1 ડિગ્રી સેલ્સિયસ, અમરેલી અને કંડલામાં 44 ડિગ્રી સેલ્સિયસ અને વડોદરા અને રાજકોટમાં 43.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ગુજરાત અને અમદાવાદમાં આ મહિને 8 મેના રોજ ગરમી સંબંધિત કેસોમાં સૌથી વધારો જોવા મળ્યો હતો. મે મહિનામાં રાજ્યમાં દરરોજના સરેરાશ 690 કેસની સરખામણીએ, 8 મેના રોજ 813 કેસ અથવા 18% વધારો થયો હોવાનું જાણવા મળે છે. અમદાવાદ માટે આ વધારો 31% હતો કારણ કે 215 કેસ નોંધાયા હતા, જે દરરોજ સરેરાશ 164 કેસ છે.
શહેરમાં અને રાજ્યમાં હજુ આ રીતે જ ગરમી પડવાની શક્યતા છે ત્યારે લોકો પૂરતા પ્રમાણમાં પાણી પીવે, બહાર નીકળતા સમયે શરીરને ઢાંકી દે અને વધારે પડતા ઠંડાપીણા ન પીવે તેમ જ બહારની અશુદ્ધ વસ્તુઓ ન ખાય તેવી સલાહ ડોક્ટરો આપી રહ્યા છે. આ સાથે ઠંડક માટે ઘરગથ્થુ ઉપચારો જેવા કે તખમરીયા, કાકડી, કેરીનો પલ્લો, ફ્રૂટ તેમ જ સહેલાઈથી પચે તેવો ખોરાક લેવાનો પણ આગ્રહ કરે છે.