Homeમેટિનીસિદ્ધાંત વિરુદ્ધનું કામ મને પણ ક્યારેય પસંદ નથી

સિદ્ધાંત વિરુદ્ધનું કામ મને પણ ક્યારેય પસંદ નથી

અરવિંદ વેકરિયા

દેવયાની બેન એક લાક્ષણિક અદામાં…
નાટકના ટેન્સનમાં આવી જઈ દેવયાનીબેનને રાત્રે ફોન કર્યો. એમની મમ્મીએ ધમકીભર્યા સૂરે મને કહ્યું કે “આ કઈ ફોન કરવાનો સમય છે? ખરેખર, એમની ઉંમરને ધ્યાનમાં લેતા રાતનો એ સમય યોગ્ય તો નહોતો પણ જો મને દેવયાનીબેનના કોઈ ખબર ન મળે તો મારે શું કરવું? રવિવારનો ગેપ લઇ બીજા રવિવારે કરવું? નાટકના ફેરફાર તો જરૂરી હતા જ… ફરી પાછું એમના વર્તનનું પુનરાવર્તન નહિ થાય એની ક્યા ગેરંટી હતી. મારો સમય બગડી રહ્યો હતો.મને લાગ્યું કે જિંદગી બહુ અઘરું વ્યાકરણ બનતી જાય છે. તત્ત્વ લેવા જાવ છું તો સત્ત્વ નીકળતું જાય છે અને બંને લેવા જાવ તો જાણે અસ્તિત્વ છટકતું લાગે… હું મારો આ બળાપો ફોન ઉપર કાઢતો રહ્યો પણ પછી ખબર પડી કે માત્ર હું જ બોલતો હતો એમની મમ્મીએ તો ફોન ક્યારનો મૂકી દીધો હશે, ગાંડાની જેમ હું જ મારા રિસીવરમાં બકબક કરતો હતો. જે મને એલાવ…એલાવ.. કર્યું અને કોઈ પ્રતિભાવ ન મળ્યો ત્યારે ખબર પડી. તકલીફ હંમેશાં સાચા માણસને જ પડે છે બાકી ખોટા માણસનું તો કામ જ તકલીફ આપવાનું હોય છે એની પ્રતીતિ મને હાડોહાડ થઇ ગઈ.
મેં મનોમન નક્કી કર્યું કે હવે મારે ‘ગેપ’ ન લેવો હોય અને નાટક ચલાવવું હોય તો એમનું રિપ્લેશમેન્ટ કરવું જ પડશે. દેવયાનીબેન નાટકનો જીવ હતાં, શક્ય હતું કે સીધા શોમાં આવીને ઊભા રહે, પણ પછી પહેલા જેવો જ શો જાય તો હું તો ઉભો જ ન રહી શકું.
મેં સમય જોયા વગર ‘રિપ્લેશમેન્ટ’ ના નિર્ણય સાથે સંકટ સમયની સાંકળ એવા નયન ભટ્ટને ફોન કર્યો..ફોન એમના પતિદેવ, સલીલ ભટ્ટે ઉપાડ્યો…
સલીલભાઈ: હેલ્લો…
હું: હેલ્લો સલીલ્ભાઈ, હું દાદુ બોલું છું..
સલીલભાઈ: અરે, દાદુ! અત્યારે?
હું: સોરી, ડિસ્ટર્બ તો નથી કર્યા ને?
સલીલભાઈ: જરા પણ નહિ..
હું: ઊંઘમાંથી તો નથી જગાડ્યા ને?
સલીલભાઈ: શું દાદુ.. અમે મોડા સૂઇએ છીએ.. કઈ કામ હતું? હશે જ….
હું: કામ પડ્યું એટલે જ આ સમયે ફોન કર્યો.. નયનબેનને ફોન આપશો?
સલીલભાઈ: ડેફીનેટલી…એક મિનીટ…
એમણે ફોન નયનબેનને આપ્યો. મેં નયનબેનને “ઘેર ઘેર મમ્મીનું રાજ નાટકની દેવયાનીબેન વિષેની આખી રામાયણ મેં એમને કહી સંભળાવી. એમનો રોલ કરી નાટક સંભાળી લેવા વિનંતી કરી. એમણે કહ્યું કે બરાબર છે, પણ મારે દેવયાનીબેન સાથે વાત તો કરવી પડે કે એમને કોઈ વાંધો તો નથી ને? મેં કહ્યું કે નયનબેન, મારે જો એમની જોડે વાત થઇ ગઈ હોત તો આ સમયે તમને ફોન પણ ન કર્યો હોત. તમારા એથીક્સ ૧૦૦% સાચા, પણ એમને એવી કોઈ ચિંતા નથી નાટકની કે મને ફોન કરી કહી શકે. પોતાના અપ-ડેટ આપી શકે. સિદ્ધાંત વિરુદ્ધનું કામ મને પણ ક્યારેય પસંદ નથી. અરે! ગુજરાતી ફિલ્મ માટે મને ગુજરાતમાં વસતા કલાકારો માટે ડબિંગ કરવા બોલાવતા. એ કલાકારોને માત્ર ડબિંગ માટે મુંબઈ બોલાવવા પોષાતા ન હોય, ત્યારે હું નિર્માતાને પૂછી લઉં કે જે ગુજરાતના કલાકાર માટે હું મારો અવાજ આપું છું એનું વળતર ચૂકવાઈ ગયું છે? માત્ર એટલું નહિ એ કલાકાર સાથે એ બાબત ફોન પર વાત પણ કરી ક્ધફર્મ લેતો. આ વાત કરી મેં કહ્યું કે નયનબેન, આ તો નાટક છે, થોડી જ કાપકૂપ હોત તો રવિવારે (જો આવત તો) પણ એમને સમજાવી શકાયા હોત. ફેરફાર ઘણા છે..બુધથી શનિ, આ ચાર દિવસ પણ જો મને ઓછા લાગતા હોય તો તમે વિચારો…કદાચ ફિલ્મ-નિર્માતા એમને રવિવારે પણ ન છોડે એ શક્ય છે..અને એમના તરફથી કોઈ મેસેજ પણ નથી..હું મારા નાટ્ય-નિર્માતાની આંખમાંથી પડી જાવ એનું દુ:ખ તો થાય, નિર્માતા કોઈ પણ જાતના વાંક-ગુના વગર ખર્ચના ખાડામાં ઊતારી જાય.
નયનબેન મને શાંતિથી સાંભળી રહ્યાં.. મને કહે “તમારી વાત હું સમજી શકું છું પણ ભવિષ્યમાં અમારા સંબંધો પણ ખરડાયને? મેં કહ્યું મારે સમય સાચવવો છે. સમય મારા ઉપર ‘સર’ થઇ જાય એ પહેલા મારે ‘સમયસર’ નિર્ણય લેવો જરૂરી છે. અને બીજું, હું સ્ક્રીપ્ટ તમને સવારે તમારે ઘરે આપી જઈશ. સાંજના ૫ વાગ્યા સુધી રાહ જોઇશ, ઇનફેક્ટ સવારે દેવયાનીબેનના ઘરે જઈ એમની મમ્મી પાસેથી પૂરતી માહિતી મેળવી, એવું લાગશે તો તમને ફોન કરીશ. મને અને મારા નાટકને માટે એ પછી જ ઘરેથી નીકળી મને સહાય કરવા ચર્નીરોડની સામે ‘શાંતિ નિવાસ’માં રિહર્સલ માટે પહોંચી જજો, પ્લીઝ.
થોડો સમય શાંત રહ્યો.. પછી “કહે ઠીક છે.. અરવિંદભાઈ હું તમને નાં નથી પાડી શકતી. કદાચ પરિસ્થિતિ એવી થાય તો તમે સંભાળી લેજો અને મને છુટ્ટી કરી દેજો. પછી દેવયાનીબેને ‘પપ્પાની સેક્રેટરી’ માં, જે દિનેશ કોઠારીએ ડિરેક્ટ કરેલું, નિર્માતા હતા શિરીષ પટેલ. એની વાત કરી. એ વખતે કઈક (બરાબર યાદ નથી) આવું જ બનેલું. કચ્છીમાં દેવયાનીબેન રોલ કરતાં હતાં. કોઈ કારણસર નિર્માતાએ એમનું રિપ્લેશમેન્ટ પુષ્પા શાહ પાસે કરવાનું નક્કી કર્યું. ત્યારે દેવયાનીબેન તેજપાલ થીયેટરમાં ચાલુ નાટકે સ્ટેજ ઉપર ધસી જઈને કેવા ત્રાગા કરી નાટક અટકાવવાનો પ્રયત્ન કરેલો..શિરીષ પટેલને કેવા હેરાન-પરેશાન કરેલા..એ બધી વાત મને નયનબેને માંડીને કરી. બે ઘડી આ વાત સાંભળી મને પણ કંપારી છૂટી ગઈ.મેં હિંમત કરી કહ્યું, નયનબેન એવો સમય તો નહિ જ આવે.એથીકલી ભૂલ તો એમની જ છે.મેં તો ગાઈ-વગાડીને એમને કહેલું છતાં કોઈ મેસેજ પણ નહિ…સાવ નામક્કર… મારે માટે આ પહેલો આવો અનુભવ, ભગવાન કરે કે છેલ્લો હોય !
નયનબેને કહ્યું “ઠીક છે. સવારે મને ચેન્જ કરેલી સ્ક્રીપ્ટ આપી જાવ. હું બૅન્કમાં લઇ જઈશ. ત્યાં વચ્ચે સમય મળતા શક્ય એટલી વાંચી લઈશ. પણ હા, માત્ર આપણા સંબંધ સાચવવા આ નાટક કરવા તૈયાર થઇ છું.બાકી કોઈ અણછાજતી પરિસ્થિતિ ઊભી થાય તો એની પૂરી જવાબદારી તમે સ્વીકારી લેજો.
મેં હા પાડી અને ‘હાશકારો’ અનુભવી ફોન મુક્યો. મનોમન ખૂબ આભાર પણ માની લીધો. રંગભૂમિ ઉપર મારા તરફ આંગળીઓ
ઘણાએ ચીંધી છે પણ હાથ બહુ ઓછાએ પકડ્યો છે.
મેં નયનબેનની વિકટ પરિસ્થિતિ, જો ઉભી થાય તો, એ જવાબદારી પ્રેમે સ્વીકારી લીધી. મારો સ્વાર્થ તો હતો જ અને એમાં હું ક્યા ઘસાય જવાનો હતો? મારા કામ માટે કોઈ સિદ્ધાંતો મૂકી મને સહકાર આપે તો ઊભી થતી પરિસ્થિતિ માટે મારે જવાબદારી લેવી જ જોઈએ. આપણા પડછાયા પાસે જ આપણે જીવતા શીખવાનું છે, ક્યારેક નાના તો ક્યારેક મોટા થઈને !
બીજે દિવસે સવારે દશ વાગે હું નયનબેનને સ્ક્રીપ્ટ આપી દેવયાનીબેનના ઘરે પહોંચી ગયો. દેવયાનીબેનના મમ્મી થોડા હેબતાઈ ગયા. રાતે કરેલા ફોનની વાત એમણે કરી. મેં કહ્યું કે મેં તમારી માફી પણ માગેલી પણ વધુ વાત કરું એ પહેલા તમે ફોન મૂકી દીધેલો. ખેર, મારો હરીફરીને તમને એક જ સવાલ છે, કે દેવયાનીબેનનો કોઈ મેસેજ?
એમણે પણ એવો જ જવાબ આપ્યો કે કોઈ ફોન કે મેસેજ આવ્યો નથી..
હવે?
મને થયું કે મનની વાત સીધેસીધી કહી દેવી જોઈએ કારણ કે કહેવાથી નિર્ણય આવશે અને નહિ કહેવાથી ‘નાટકનો અંત’?
મેં કહ્યું “મમ્મી, હું ત્રણ વાગે ફોન કરીશ. ત્યાં સુધીમાં જો કોઈ ખબર ન આવ્યા તો એમને કહી દેજો કે ફિલ્મનું શુટિંગ ચાલુ રાખે હું એમનું રિપ્લેશમેન્ટ કરી નાખીશ.
કદી માગવું હોય છે બીજું પણ, તમે આપી દોછો વચન,
થશે એમનું શું નથી જે ભલા, થતા હોય છે ભલભલાના પતન.
——–
ભીખાના લગ્ન થવાના હતા. લગ્નના આગલા દિવસે એની થવાવાળી પત્નીનો મેસેજ આવ્યો.. આપણા લગ્ન હવે નહિ થઇ શકે. મારા લગ્ન બીજે નક્કી થઇ ગયા છે. ‘ભીખો ટેન્સન’માં આવી ગયો. ત્યાં બીજો મેસેજ આવ્યો સોરી, સોરી ! મેસેજ ભૂલથી તમને મોકલાય ગયો. ‘ભીખો પાછો ટેન્સન’માં આવી ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -