તેલંગણામાં માનવતાને લજાવતી ઘટના બની છે. મળતી માહિતી અનુસાર કોલ્ડ ડ્રિંકની ચોરી કરવા બદલ રોષે ભરાયેલા એક દુકાનના માલિકે નવ વર્ષના બાળકને ઢોરમાર મારીને તેના પ્રાઈવેટ પાર્ટ પર લાલ મરચું નાંખ્યું હતું. પીડામાં બાળક કરગતો હતો, પરંતુ દુકાનદારને બિલકુલ દયા આવી નહીં. તેણે આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. આ ઘટના નામપલ્લી વિસ્તારનો છે, જ્યાં એક બાળક દુકાનમાંથી કોલ્ડ ડ્રિંકની ચોરી કરીને ભાગતો હતો ત્યાં દુકાનદારે તેને પકડી પાડ્યો હતો. રોષે ભરાયેલા દુકાનદારે તેને ઢોરમાર માર્યો હતો. એટલું જ નહીં તેના કપડાં ફાડી નાંખીને હાથ-પગ રસ્સીથી બાંધી નાંખ્યા હતા અને પ્રાઈવેટ પાર્ટ પર મરચું નાંખી દીધું હતું. આ ઘટનાની જાણ જ્યારે બાળકના માતા-પિતાને થઈ ત્યારે તેમણે દુકાનદાર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી.