થાણે: ડોમ્બિવલીમાં લોખંડનો સળિયો ફટકારી પતિની હત્યા કર્યા બાદ મૃતદેહને કસારા ઘાટ પરથી ખીણમાં ફેંકી દેવાના કેસમાં પોલીસે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી.
શાહપુર ડિવિઝનના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ વિકાલ નાઈકે જણાવ્યું હતું કે મુંબઈ-નાશિક હાઈવે પર કસારા ઘાટની ખીણમાં એક મંદિર પાછળથી ૨૪ એપ્રિલે અજાણ્યા શખસનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતકની ઓળખ સુનીલ કોથેરે (૨૮) તરીકે થઈ હતી. શાકભાજી વેચનારો સુનીલ ડોમ્બિવલીના ચોલેગાંવ ખાતે રહેતો હતો.
આ કેસમાં પોલીસે મૃતકની પત્ની કોમલ સુનીલ કોથેરે (૨૪) અને તેના પ્રેમી મોનુકુમાર ત્રિલોકનાથ ખારવાર (૨૮)ની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ સુનીલ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને આ મુદ્દે દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. પરિણામે કોમલે પ્રેમી મોનુકુમાર અને તેના સાથીની મદદથી હત્યાની યોજના બનાવી હતી.
તપાસમાં જણાયું હતું કે ૧૨ એપ્રિલની રાતે લોખંડના સળિયાથી હુમલો કરી સુનીલની હત્યા કરવામાં આવી હતી. બાદમાં તેનો મૃતદેહ ટેમ્પોમાં ડોમ્બિવલીથી કસારા ઘાટ લઈ જવામાં આવ્યો હતો અને ખીણમાં ફેંકી દેવામાં આવ્યો હતો. મૃતદેહ મળ્યા પછી પોલીસે પહેલાં અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો હતો. જોકે તપાસ બાદ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી મોનુકુમારનો સાથી ફરાર હોવાથી તેની શોધ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું
હતું. (પીટીઆઈ) ઉ