ઈરાનમાં મહિલાઓને ફરજીયાત બુરખો પહેરવાના નિયમ સામે ફાટી નીકળેલા જુવાળને સમાવવા સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. એવામાં ઈરાનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઈરાનના શહેરોમાં છોકરીઓને શાળાએ જતી રોકવા માટે સેંકડો છોકરીઓને ઝેર આપવાનો મામલો સામે આવ્યો છે. ઈરાનના સ્વાસ્થ્ય પ્રધાને આ વાતનો ખુલાસો કર્યો છે.
ઈરાનના સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે પવિત્ર શહેર ક્યુમ સહિત ઘણા સ્થળોએ છોકરીઓને શાળાએ જતી રોકવા માટે કેટલાક લોકો દ્વારા સેંકડો વિદ્યાર્થીનીઓને ઝેર આપવામાં આવ્યું હતું. ઝેર કેમિકલ કમ્પાઉન્ડના રૂપમાં આપવામાં આવ્યું હતું. હજુ સુધી આ મામલે કોઈ ધરપકડ કરવામાં આવી નથી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ક્યુમ શહેરમાં શાળાની વિદ્યાર્થીનીઓના શરીરમાં ઝેરની પુષ્ટિ થઈ છે, જેમાંથી ઘણીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. રવિવારે ઈરાનના નાયબ સ્વાસ્થ્ય પ્રધાન યુનુસ પનાહીએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી.
ઈરાનના સ્થાનિક મીડિયા અનુસાર, કયુમની શાળાઓમાં ઘણી વિદ્યાર્થીનીઓને ઝેર આપવામાં આવ્યું હતું. કેટલાક ઇચ્છતા હતા કે તમામ શાળાઓ, ખાસ કરીને કન્યા શાળાઓ બંધ કરવામાં આવે. જો કે યુનુસ પનાહીએ આ મામલે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. હાલમાં ઈરાન સરકાર આ મામલે તપાસ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાનના ચાર શહેરોની 14 સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નિશાન બનાવવામાં આવી હતી. તેમાં ઉત્તર-પશ્ચિમ શહેર આર્દેબિલ, રાજધાની તેહરાન, પશ્ચિમી શહેર બોરોઝાર્ડ અને ક્યુમ શહેરનો સમાવેશ થાય છે. ક્યુમ શહેરને ઈરાનનું પવિત્ર શહેર માનવામાં આવે છે અને તે ખૂબ જ રૂઢિચુસ્ત અને ધાર્મિક કટ્ટર શહેર માનવામાં આવે છે. દેશના મોટાભાગના નેતાઓ અને રાષ્ટ્રપતિઓએ તેમનું ધાર્મિક શિક્ષણ ક્યુમ શહેરમાંથી લીધું છે.