એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં સમસ્યાઓની કમી નથી પણ આપણા નેતાઓને એ બધાની પડી જ નથી. તેના બદલે એકદમ ફાલતું કહેવાય એવા મુદ્દા ઉછાળવામાં જ તેમને રસ પડે છે. લોકોની લાગણીઓને ભડકાવીને તેનો રાજકીય ફાયદો કઈ રીતે ઉઠાવી શકાય તેનાથી આગળ તેમની બુદ્ધિ ચાલતી જ નથી. આ એકદમ હલકી માનસિકતા કહેવાય ને તેનું તાજુ ઉદાહરણ ‘ધ કેરળ સ્ટોરી’ને મુદ્દે શરૂ થયેલી રાજકીય હુંસાતુંસી છે.
આ રાજકીય હુંસાતુંસીમાં એક તરફ ભાજપ શાસિત રાજ્યોમાં ‘ધ કેરળ સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરવાની હોડ જામી છે ત્યારે બીજી તરફ ભાજપ વિરોધી પક્ષોની સરકારોમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની હરિફાઈ શરૂ થઈ છે. આ ઓછું હોય એમ સમાજવાદી પાર્ટીના સાંસદ કપિલ સિબ્બલ તો ફિલ્મ પર પ્રતિબંધની માગ સાથે પાછા સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા છે.
આ રાજકીય હુંસાતુંસીમાં સુપ્રીમ કોર્ટે પણ ‘ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિબંધની માગ કરતી અરજીની સુનાવણીની તૈયારી બતાવતાં વળી નવો એંગલ ઉમેરાયો છે. સુપ્રીમ કોર્ટનું વલણ એ રીતે આશ્ર્ચર્યજનક છે કે કે, ‘ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિબંધની માગ કરતી અરજી પર વહેલી સુનાવણી માટે પહેલાં અપીલ કરવામાં આવી ત્યારે ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ પી.એસ. નરસિંહની બેન્ચે આ અરજી નહોતી સ્વીકારી.
ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ પી.એસ. નરસિંહાની બેન્ચે એ વખતે કહેલું કે, આ ફિલ્મ બનાવવા માટે એક્ટર્સ, પ્રોડ્યુસર, ડિરેક્ટર અને બીજા લોકોએ પણ ઘણી મહેનત કરી છે તેથી તેમના વિશે વિચારવું જ જોઇએ. ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેતાં પહેલાં ખૂબ કાળજી રાખવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એવું પણ કહેલું કે, આ ફિલ્મ સારી છે કે નહીં એ બજાર નક્કી કરશે અને ફિલ્મ સારી નહીં હોય તો લોકો જ નહીં જુએ.
હવે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે ત્યારે અચાનક જ સુપ્રીમ કોર્ટ ફિલ્મ ધ કેરળ સ્ટોરીની રિલીઝ પર રોક લગાવવાની માગ કરતી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ ગઈ છે. કોર્ટે સુનાવણી માટે ૧૫ મેની તારીખ નક્કી કરી છે એ જોતાં આ સુનાવણીનો બહુ મતલબ નથી કેમ કે ત્યાં સુધીમાં તો ફિલ્મે સારી એવી કમાણી કરી લીધી હશે. અત્યારની ફિલ્મો દસેક દાડામાં તો વાસી થઈ જાય છે તેથી ૧૫ મે સુધીમાં ‘ધ કેરળ સ્ટોરી’ વાસી થઈ ગઈ હોય એવું બને. અલબત્ત સવાલ ફિલ્મ વાસી થઈ હશે કે નહી તેનો નથી પણ સુપ્રીમ કોર્ટના બદલાયેલા વલણનો છે. સુપ્રીમ કોર્ટે એક વાર પોતે વહેલી સુનાવણીની ના પાડી ને દરમિયાનમાં બે હાઈ કોર્ટે ફિલ્મ સામેના વાંધા ફગાવી દીધા પછી સુનાવણી જ ના કરવાની હોય.
ખેર, સુપ્રીમ કોર્ટ સર્વોપરિ છે તેથી તેના અધિકારો વિશે બોલવાનો આપણને કોઈ અધિકાર નથી તેથી મૂળ મુદ્દા પર પાછા આવીએ. આપણે મૂળ વાત રાજકારણીએની માનસિકતાની કરતા હતા. ‘ધ કેરળ સ્ટોરી’ એક ફિલ્મ છે ને મનોરંજન માટે બનાવાઈ છે તેને મનોરંજનનો વિષય રહેવા દેવાના બદલે રાષ્ટ્રની સમસ્યાનો વિષય બનાવી દેવાયો છે.
આઘાતજનક વાત એ છે કે, આપણા રાજકારણીઓ ન્યાયતંત્રની મર્યાદા જાળવવા પણ તૈયાર નથી. કેરળ હાઈ કોર્ટે આ ફિલ્મ પર પ્રતિબંધની અરજી ફગાવી દીધી છતાં પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ બંગાળમાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ૫ મેના રોજ કેરળ હાઈ કોર્ટના જસ્ટિસ એન. નાગરેશ અને જસ્ટિસ સોફી થોમસે ફિલ્મ પર સ્ટે આપવાનો ઈન્કાર કરીને કહ્યું હતું કે, ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરિત છે પણ કોઈપણ સમુદાય માટે આ ફિલ્મમાં કશુ વાંધાજનક નથી. આ ફિલ્મ આઈએસઆઈની વિરુદ્ધ છે ને તેને ઈસ્લામની વિરુદ્ધ ના ગણાવી શકાય.
મદ્રાસ હાઈકોર્ટે પણ આ જ વાત કરેલી ને એ પછી ફિલ્મ રિલીઝ થઈ છે. બંને હાઈ કોર્ટે તો ત્યાં સુધી કહેલું કે, સેન્સર બોર્ડ એટલે કે બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મ જોયા પછી દસ જેટલા કટ સૂચવેલા. એ કટ નિર્માતાએ કરી દેતાં સેન્સર બોર્ડે પણ ફિલ્મની રિલીઝની મંજૂરી આપી દીધી છે પછી વાંધા ઉઠાવવાનો સવાલ જ નથી.
સેન્સર બોર્ડની મંજૂરી અને બબ્બે હાઈ કોર્ટના ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધના ઈન્કાર છતાં મમતા બેનરજીએ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો કેમ કે તેમને મુસ્લિમ મતોમાં રસ છે. એ માટે તેમણે સાવ વાહિયાત દલીલ કરી છે. મમતાનું કહેવું છે કે, પશ્ર્ચિમ બંગાળમાં શાંતિ જાળવવા ‘ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિબંધ લગાવાયો છે. બંગાળમાં શાંતિ જાળવી રાખવા માટે હિંસા અને અપરાધની ઘટનાઓ ન બને એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વાત સમજવી અઘરી છે.
આતંકવાદી સંગઠન પર પ્રહારો કરતી ફિલ્મના કારણે કોને વાંધો પડવાનો? કોને ખરાબ લાગવાનું ? મુસલમાનોને? મમતા એવું માનતાં હોય તો આ વાત પશ્ર્ચિમ બંગાળના મુસલમાનોનું ઘોર અપમાન કહેવાય. બંગાળના મુસલમાનો પણ આ દેશના બીજા મુસલમાનોની જેમ દેશપ્રેમી છે પણ મમતા તેમને આઈએસઆઈએસના પ્રેમી ચિતરી રહ્યાં છે. મુસલમાનોએ તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ.
ભાજપ પણ રાજકીય ફાયદા માટે આ ફિલ્મમાં વધારે પડતો રસ લઈ રહ્યો છે એ પણ કઠે છે. ‘ધ કેરળ સ્ટોરી’ સારી ફિલ્મ છે કે નહીં એ લોકોએ નક્કી કરવા દેવાનું હોય તેના બદલે ભાજપવાળા ‘ધ કેરળ સ્ટોરી’નો પ્રચાર કરી રહ્યા છે. ભાજપના નેતા ‘ધ કેરળ સ્ટોરી’ના નિર્માતાની પીઆર ટીમનો ભાગ હોય એમ લોકોને આ ફિલ્મ જોવા કહી રહ્યા છે એ જોઈને આઘાત લાગે છે. ભલા માણસ, તમે રાજકારણી છો કે ફિલ્મ નિર્માતાના પબ્લિસિટી બોય છો?
વાસ્તવમાં સેન્સર બોર્ડે મંજૂરી આપી પછી કેરળ અને મદ્રાસ હાઈ કોર્ટે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ ન મૂક્યો એ સાથે જ આ પ્રકરણ પૂરું થઈ જવું જોઈતું હતું. આપણા રાજકારણીઓમાં ગૌરવ નથી ને રાજકીય ફાયદા માટે ગમેે તે હદે જવાની નફ્ફટાઈ પણ છે તેથી એવું ના થયું.
હશે, આપણાં નસીબ, બીજું શું?