બાસુ ચેટરજીની ડાઉન ટૂ અર્થ ફિલ્મોને યાદ કરીએ
ફિલ્મનામા-નરેશ શાહ
હમ ઉન દિનો અમીર થે, જબ તુમ કરીબ થે
બાસુ ચેટરજીની ડાઉન ટૂ અર્થ ફિલ્મોને યાદ કરીએ
ત્યારે તેમની જ ફિલ્મનું આ ગીત યાદ આવ્યા વગર રહેતું નથી
પહેલાં તો આ ફિલ્મોની યાદી પર નજર નાખી લો: સારા આકાશ, પિયા કા ઘર, રજની ગંધા, છોટી સી બાત, ચિતચોર, સ્વામી, ખટ્ટા મીઠા, દિલ્લગી, બાતોં બાતોં મેં, મનપસંદ, અપને પરાયે, જેની રિ-મેક પણ બની એ શૌકિન, એક રુકા હુઆ ફૈસલા, કમલા કી મૌત, ત્રિયાચરિત્ર અને…
યાદીનો આંકડો પાંત્રીસ ફિલ્મો સુધી પહોંચે છે, પણ તેમણે બનાવેલી બંગાલી (પાંચ) ફિલ્મોની યાદી સ્કીપ કરીને તમને ૧૯૮૦-૯૦ વચ્ચે દૂરદર્શન માટે બનાવાયેલી ટીવી સિરિયલ રજની (પ્રિયા તેંડુરકર), કક્કાજી કહિન (ઓમ પૂરી), વ્યોમકેશ બક્ષ્ાી (રજત કપૂર)નું જરા સ્મરણ કરાવી દઈએસ કારણકે આ તમામ ફિલ્મો, ટીવી સિરિયલના દિગ્દર્શક-પટકથા-સંવાદ લેખકની આપણે વાત કરવાના છીએ: તેમનું નામ બાસુ ચેટરજી (૧૦ જાન્યુઆરી, ૧૯૩૦ – ૪ જૂન, ર૦ર૦).
સિત્તેર વરસના લાઈફ સ્પાનમાં બાસુદા ફિલ્મ જગતમાં એવું નક્કર કામ કરીને ગયા કે તેમને યાદ કરતાં તેમની ખટ્ટા મીઠા ફિલ્મના ગીતની પંક્તિ મનમાં પડઘાવા લાગે: હમ ઉન દિનો અમીર થે, જબ તુમ કરીબ થે.
હલકી ફૂલકી (રજનીગંધા, બાતોં બાતોં મેં) તેમ જ વિચારશીલ (એક રુકા હુઆ ફેસલા, ત્રિયાચરિત્ર) ફિલ્મો તેમ જ યાદગાર ગીતો આપનારા બાસુ ચેટરજીની ફિલ્મો માણનારા મોટાભાગના લોકોને એ ખબર નહીં હોય કે બાળાસાહેબ ઠાકરેની જેમ બાસુદાએ પણ પોતાની કેરિયર કાર્ટૂનિસ્ટ તરીકે શરૂ કરી હતી. પચાસના દશકમાં તેઓ બી. કે. કરંજિયાના ન્યૂઝ પેપર બ્લિટઝમાં ફ્રિલાન્સર કાર્ટૂનિસ્ટ તરીકે કામ કરતા હતા. એ જમાનામાં પણ તેઓ મહિને દોઢ-બે હજાર રૂપિયા કમાઈ લેતા હતા. જિંદગીના ચાલીસ વરસ સુધી ફિલ્મો અને ટીવી સિરિયલ બનાવનારા બાસુ ચેટરજી હંમેશાં કહેતા કે, દરેક માણસના જીવનમાં કોઈને કોઈ દુ:ખ હોય જ છે. ઉતાર-ચઢાવ આવે જ છે, પરંતુ હવાની લહેરખીની જેમ તેની જિંદગીમાં સુખ અને ખુશીની ક્ષ્ાણો પણ આવતી રહે છે. મને લાગતું કે આ ખુશીની પળને મુઠ્ઠીમાં પકડીને રાખી લેવી જોઈએ… આ જ કારણસર મેં હંમેશાં હળવી, મનને પ્રસન્ન કરે તેવી ફિલ્મો બનાવી. દર્શકોને રોવડાવવાનું મને પસંદ નહોતું એટલે જ મારી ફિલ્મોમાં સુખાંત રહેતો. આશાનું એક અંકુર જાગૃત થાય એવી જ ફિલ્મો (એટલે જ) મેં બનાવી છે
બાસુ ચેટરજીની ફિલ્મોની એક બીજી પણ ખાસિયત રહી છે. તેમની ફિલ્મો કે ટીવી સિરિયલના હીરો-હીરોઈન ક્યારેય (હિન્દી ફિલ્મોમાં હોય છે તેવા) લાર્જર ધેન લાઈફ નહોતાં રહેતાં. તેમના તમામ પાત્રો વાસ્તવિક્તાની ધરોહર સાથે જોડાયેલાં રહેતાં. ‘રજનીગંધા’ના અમોલ પાલેકર હોય કે ‘મંઝિલ’ના અમિતાભ બચ્ચન, ‘છોટી સી બાત’ની વિદ્યા સિંહા હોય કે ‘સ્વામી’ની શબાના આઝમી કે ‘દિલ્લગી’ના ધર્મેન્દ્ર હોય… એવું જ લાગે કે આ પાત્ર આપણી આસપાસનું જ છે. (બાસુદાએ રાજેશ ખન્ના સાથે બનાવેલી સસ્પેન્સ-થ્રિલર ‘ચક્રવ્યૂહ’માં સુપરસ્ટાર રાજેશ ખન્ના હતા. આ ફિલ્મ સંપૂર્ણ ફલોપ હતી) તમે કહી શકો કે ૠષ્ાિકેશ મુખરજી, બાસુ ભટ્ટાચાર્યની જેમ જ બાસુ ચેટરજીની ફિલ્મો અને તેના પાત્રો જમીન સે જૂડે હુએ જ રહેતાં હતાં છતાં કહી શકાય કે ૧૯૭૪થી ૧૯૮૪ના દશકામાં બાસુદાની ભારે ડિમાન્ડ રહેતી. એ તેમનો ગોલ્ડન પિરિયડ હતો અને તમામ મોટા સ્ટાર ઈચ્છતા કે બાસુદા પોતાની ફિલ્મમાં તેમને કાસ્ટ કરે. બાસુદાની ફિલ્મોમાં ચમકેલા સ્ટાર્સની યાદી જુઓ: અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, સંજીવ કુમાર, હેમા માલિની, મૌસમી ચેટરજી, નીતુ સિંઘ, જીતેન્દ્ર, રાકેશ રોશન, બિંદિયા ગૌસ્વામી, શેખર કપૂર, ટીના મુનિમ, મિથુન ચક્રવર્તી, દેવ આનંદ, રાજ બબ્બર, અનુપમ ખેર, ઓમ પુરી, નસીરુદીન શાહ…
બાસુ ચેટરજીની સરળ-સહજ ફિલ્મોની સફળતા એવી નક્કી સચોટ હતી કે હેમા માલિનીનાં માતા જયા ચક્રવર્તીએ તેમને સામેથી રત્નદીપ બનાવવાનું આમંત્રણ મોકલ્યું હતું. રાજેશ ખન્નાએ પણ પોતાના સેક્રેટરીને મોકલીને બાસુદાને પોતાના માટે ફિલ્મ (ચક્રવ્યૂહ) બનાવવાનું માગુ નાખ્યું હતું. ચક્રવ્યૂહની નિષ્ફળતા પછી બાસુદાએ કહેલું, લોકો મારી પાસેથી એકશન, થ્રિલર ફિલ્મની અપેક્ષ્ાા રાખતા નથી, એ સ્પષ્ટ થઈ ગયું. મારી અમુક ફિલ્મો ફલોપ ગઈ છે તેમાં પણ મને લાગે છે કે દોષ્ા મારો જ છે, કારણકે એ સમયે હું એક્સાથે એટલી બધી ફિલ્મો કરતો હતો કે અમુક ફિલ્મો કાચી જ રહી ગઈ હતી. તેનું નિષ્ફળ થવું નક્કી હતું
બંગાળી સર્જકોમાં કળા આકંઠ હોય છે અને તેમની ઈમાનદારી પણ અણિશુદ્ધ હોય છે. તેઓ શબ્દો ચોર્યા વગર બોલતા હોય છે. ‘ચક્રવ્યૂહ’ ફિલ્મ વિશે બાસુદા કહે છે કે, એ રાજેશ ખન્નાનો જમાનો હતો. તેના કહેવાથી જ આર્થર કોનન ડાયલની એક વાર્તાનો બેઈઝ લઈને મેં ‘ચક્રવ્યૂહ’ બનાવેલી, પણ રાજેશ ખન્ના ક્યારેય (એટલે ક્યારેય) સમયસર આવતા નહોતા. ફિલ્મમાં તેમણે લગાવેલા પૈસા જ વેડફાતા હતા પણ જીવ મારો બળતો હતો… ફિલ્મના એક સીનમાં વહેલી સવારે દૂધ દેવા માટે ભૈયો ડોરબેલ વગાડે છે. રાજેશ ખન્ના દરવાજો ખોલીને ભૈયાને ફલેટમાં પૂરી દે છે અને પોતે (દૂધવાળાનો વેષ્ા ધારણ કરીને) દૂધવાળાની સાયકલ લઈને ભાગે છે તેવું દૃશ્ય હતું, પરંતુ રાજેશ ખન્ના વહેલી સવારની બદલે બપોરે બે વાગ્યા. અમે એ દૃશ્ય ભરબપોરે શૂટ ર્ક્યું પણ થેન્ક ગોડ, વિવેચકો એ ક્ષ્ાતિ પકડી શક્યા નહીં, નહિંતર મારા પર માછલાં ધોવાત.
બાસુ ચેટરજીની આવી નિખાલસ વાતો અઢળક છે, જે વાંચવી એકદમ રસપ્રદ લાગે, મૃત્યુ પહેલાં તેમણે મરાઠી લેખિકા
અનિતા પાધ્યેને પોતાના જીવન પર પુસ્તક લખવાની સંમતિ આપી હતી, પણ અનિતા પાધ્યે બાસુદાની જીવની પર પુસ્તક લખે એ પહેલાં જ બાસુદાએ આખરી એક્ઝિટ લઈ લીધી. એ પછી
પ્રગટ થયેલી તેમની જીવનકથા ‘બાતોં બાતોં મેં’ પ્રથમ પુરુષ્ા એક્વચનમાં લખાયેલી છે, તેની થોડી વધુ ઈન્ટરેસ્ટીંગ વાતો થશે આવતા સપ્તાહે.