રંગીન ઝમાને -હકીમ રંગવાલા
“હલ્લા બોલ નામનું એક ફિલ્મ રાજકુમાર સંતોષી એ બનાવેલું અજય દેવગણ અને વિદ્યા બાલનને લઈને,એમાં જાણીતા પણ ગુજરાતમાં અજાણ્યા નાટ્યકાર શેરી નાટકો આદિવાસીઓ પાસે કરાવનાર હબીબ તન્વીરને અંજલિ પણ હતી.
આ ફિલ્મમાં હીરો ખુદ ફિલ્મના સુપરસ્ટારનું પાત્ર ભજવે છે અને હીરોની આત્મકથાનું વિમોચન હોય છે ત્યારે એ પુસ્તકના અંશ વાંચવામાં આવે છે જેમાં પઠન કરનાર વાંચે છે કે આ હીરો ખૂબ ગરીબ હતો,તેના ઘરમાં લાઈટ પણ નહોતી એટલે તે બત્તીના થાંભલા નીચે બેસીને વાંચતો!
આ સાંભળીને હીરોને અગાવથી ઓળખતો મિત્ર પૂછે છે કે”યાર તારી કઈ આવી પરિસ્થિતિ તો હતી નહિ,તો પછી આવું જૂઠું કેમ લખ્યું છે? હીરો જવાબમાં કહે છે “યાર આવું લખવું પડે,તો જ લોકોને સ્પર્શી જાય,ગમે અને આપણી લોકપ્રિયતા વધે!
ભારતમાં કોઈ પણ સફળ કહેવાતા માણસની વાત જ્યારે પત્રકારો કે તેઓ પોતે લખે છે ત્યારે આ કિમયો કારગત જ રહે છે.
હિન્દી ફિલ્મજગતના લોકલાડીલા સુપરસ્ટાર રાજેશ ખન્ના લોકોની આ માનસિકતા બરાબર ઓળખતા હતા અને એટલે જ તેઓ નાટકમાં કામ કરતા સંઘર્ષરત કલાકાર-કસબીઓ સાથે કામ કરવા જતા ત્યારે પોતાની કિંમતી મોટરકાર દૂર દૂર પાર્ક કરીને ચાલીને રંગમંચ સ્થળે પહોંચતા!
રાજેશ ખન્ના એક એવા કલાકાર હતા કે જન્મથી મૃત્યુ સુધી એમને ક્યારેય પૈસાની અછત નહોતી! મૂળ માતા-પિતા ચુનીલાલ અને લીલાવતીએ એમના એક સંબંધી ચંદ્રામણિ અને લાલા હીરાનંદ નામના ખૂબ જ સુખી અને શ્રીમંત દંપતીને એમનો દીકરો દત્તક આપી દીધેલો અને એ દીકરો જતીન ખન્નાના નામથી ઓળખાયો.
૧૯૬૫ની સાલમાં ‘ફિલ્મફેર ટેલેન્ટ હંટ’ નામના એક કાર્યક્રમમાં હિન્દી ફિલ્મમાં હીરો બનવા માટે દસ હજાર સ્પર્ધકોએ ભાગ લીધેલો અને એ કાર્યક્રમમાં અંતિમ નિર્ણાયકો ત્રણ હતા બિમલ રોય, ગુરુદત્ત અને યશ ચોપરા. જતીન ખન્ના જ્યારે ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગયો અને નિર્ણાયકો એ એક ડાયલોગ બોલવા કહ્યું ત્યારે જતીન ખન્નાએ પૂરતા આત્મવિશ્ર્વાસથી નિર્ણાયકોને કહ્યું કે, ‘જ્યા સુધી મને ખબર ન હોય ડાયલોગ બોલનાર કેરેક્ટર કોણ અને કેવું છે ત્યાં સુધી હું ડાયલોગ કંઈ રીતે બોલી શકું?!’
જતીન ખન્નાના આ જવાબથી જ અર્ધી બાજી જીતાઈ ગયેલી અને બાકીની અર્ધી બાજી જતીન ખન્નાએ પોતાની રીતે ડાયલોગ રજૂઆત કરીને જીતી લીધી અને હિન્દી ફિલ્મજગતમાં સુપરસ્ટાર યુગના મંડાણ થયા, જતીન ખન્નાએ પોતાનું નામ બદલીને રાજેશ ખન્ના કર્યું અને પહેલી ફિલ્મ ચેતન આનંદની ‘આખરી ખત’ સ્વીકારી, એ પછી ‘રાજ’ ફિલ્મ કરી અને આગળ જતાં ૧૯૭૦થી૧૯૭૨નાં ત્રણ જ વર્ષમાં લાગલગાટ પંદર ફિલ્મો સુપરહિટ! આજ સુધીમાં કોઈપણ ભાષાની ફિલ્મોમાં સતત પંદર સુપરહિટ ફિલ્મો કોઈપણ હીરોની આવી નથી! ‘આરાધના’ બ્લોકબસ્ટર થયા પછી જે જગ્યાએ રાજેશ ખન્નાની ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય એ જગ્યાએ હિન્દી ફિલ્મ નિર્માતાઓના ધાડા ઊતરી પડતા રાજેશ ખન્નાને પોતાની ફિલ્મમાં હીરો તરીકે સાઈન કરવા માટે! એ વખતમાં એક વાક્ય કહેવતની રુએ મશહૂર થઈ ગયેલું હિન્દી ફિલ્મજગતમાં ‘ઉપર આકા નીચે કાકા’ આકા એટલે ઈશ્ર્વર (માલિક) અને કાકા રાજેશ ખન્નાનું હુલામણું નામ હતું!
ગુજરાતી અભિનેત્રી ડિમ્પલ કાપડીયાની પહેલી જ ફિલ્મ ‘બોબી’નું શૂટિંગ શરૂ હતું અને રાજેશ ખન્નાએ ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કરી લીધા.આગળ જતાં ડિમ્પલ કાપડિયા પોતાની સાથે બે દીકરીઓને લઈને રાજેશ ખન્નાને અને એના બંગલો ‘આશીર્વાદ’ને છોડીને ચાલી નીકળ્યાં!
‘આશીર્વાદ’ બંગલો મૂળ જ્યુબિલી કુમાર કહેવાતા રાજેન્દ્ર કુમારની માલિકીનો હતો અને એ બંગલાંનું નામ ‘ડિમ્પલ’ હતું. રાજેન્દ્ર કુમારની દીકરી ડિમ્પલના નામ પરથી બંગલાનું નામકરણ કરેલું.
રાજેશ ખન્નાએ દેવર ફિલ્મ્સની ‘હાથી મેરે સાથી’ ફિલ્મની ફી પેટે રાજેન્દ્ર કુમારનો વેચવા કઢાયેલો બંગલો ‘ડિમ્પલ’ માંગી લીધો અને મેળવ્યો પણ ખરો! પછી એ બંગલાનું નવું નામકરણ ‘આશીર્વાદ’ કર્યું.
રાજેશ ખન્નાએ પોતાના બંગલા ‘આશીર્વાદ’માં એક અન્ડર ગ્રાઉન્ડ ગુફા જેવો ઓરડો બનાવેલો એકદમ અંધાર ભરેલો અને એ ગુફામાં પોતાની નિષ્ફળતાના દિવસોમાં ભરાઈ રહેતા અને શરાબ પીધા કરતા!
શરૂઆતની જાહોજલાલી અને આસપાસ ચમચાઓની ટોળીની આદત એમને નિષ્ફળતાના દિવસોમાં આકરી લાગવા લાગેલી! એક સુપરસ્ટારની પડતી વિષય લઈને નિર્માતા દિગ્દર્શક મહેશ ભટ્ટે ‘કાશ’ નામની ફિલ્મ જેકી શ્રોફ અને ડિમ્પલ કાપડીયાને લઈને બનાવેલી. રાજેશ ખન્નાના છેલ્લા છેલ્લા દિવસોમાં રાજકારણમાં પણ નિષ્ફળતા મળી અને કૅન્સરની બીમારી વળગી ગઈ. એ બીમારીને કારણે ૬૯ વર્ષની ઉંમરે સુપરસ્ટાર રાજેશ ખન્ના આ દુનિયાને અલવિદા કરી ગયા!
૨૩ વર્ષે ફિલ્મજગતમાં પ્રવેશ અને ૬૯ વર્ષે વિદાય દરમિયાનમાં રાજેશ ખન્નાએ એક ઈતિહાસ સર્જી દીધો અને ફિલ્મજગતના ઈતિહાસમાં એક સુવર્ણપાન રાજેશ ખન્ના નામનું લખાઈ ગયું.